Tuesday, October 10, 2017

ગઝલ : ‘બાવો’

















*પ્રતીકાત્મક તસવીર
અહો વૈચિત્ર્યમ્ : બધા જ ગુરુ વજન (અક્ષરો)માં લખાયેલ આ ગઝલ
ગુરુનો મહિમા ખંડિત કરતાં પાખંડી બાવાઓને અર્પણ...
ગઝલ : ‘બાવો’
અષ્ટમ-પષ્ટમ સાચું ખોટું ભણશે બાવો
જંતર-મંતર મારી વશમાં કરશે બાવો
માયા મમતા રાખે છાની છાની પાછો
ખોટે ખોટા ત્યાગી દાવા ધરશે બાવો
જ્યાંથી ત્યાંથી ઘેટાં-બકરાં મળતાં રહેશે
જ્ઞાની-મૂરખાં ચરણે રાખી રમશે બાવો
રૂપિયા-પૈસા આથી સ્હેલાં ક્યાંથી મળશે?
મોટે-મોટાં મ્હેલો રાખી ફરશે બાવો
દુખડે-સુખડે કિરપા માટે નમતો માણસ
સાચે સાચું જાણે ત્યારે મરશે બાવો
છંદ : ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા
- વિજય રોહિત, વડોદરા
લખ્યા તા. : 30/9/2017, દશેરા
આનંદ : વિશિષ્ટ રદીફ ‘બાવો’ અને ધ્યાનાકર્ષક શબ્દ-સમૂહો ‘અષ્ટમ-પષ્ટમ, જંતર-મંતર, દુખડે-સુખડે, ખોટે-ખોટા, જ્યાંથી-ત્યાંથી, જ્ઞાની-મૂરખાં, ઘેટાં-બકરાં વગેરે દ્વારા નિષ્પન્ન થતું શાબ્દિક સૌંદર્ય ગઝલના વિષયને અનુરૂપ પરિવેશ રચે છે. તો ગાગાના સહજ લયમાં વહેતી ગઝલ પઠન કરતાં કરતાં જ કંઠસ્થ થઈ જાય એવી મધુર મૌસિકીનો આનંદ કરાવે છે.
અફસોસ : ગાગાના આવર્તનો હોવાથી મક્તાનો શૅર બનાવવો શક્ય ન બન્યો.

No comments:

Post a Comment