Tuesday, February 18, 2014

મહોબ્બત હૈ ક્યા ચીજ ?

- વિજય રોહિત


તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
    એકાદ મુઠ્ઠીનું અજવાળું આપવા
        આખીય જિંદગી બળ્યા છો ?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઈના
    મારગથી કાંટાઓ શોધ્યા ?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઈના
    તડકાઓ અંગ ઉપર ઓઢ્યા ?
તમે એકવાર એનામાં ખોવાયા બાદ
કદી પોતાની જાતને જડ્યા છો ?... તમે કોઈ દિવસ

તમે કોઈની આંખ્યુંમાં વીજના કડાકાથી
    ખુદમાં વરસાદ થતો જોયો ?
તમે કોઈના આભને મેઘધનુષ આપવા
    પોતાના સૂરજને ખોયો ?
તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં
માથું મૂકીને રડ્યા છો ?..... તમે કોઈ દિવસ

- મુકેશ જોષી

  -------------------------------------------------------------------------------------------------------

બી માય વેલેન્ટાઈન, આઈ લવ યુ વગેરે શબ્દો વેલેન્ટાઈન વાવરમાં એટલા કોઈન થઈ ગયા છે કે એ શબ્દોએ હવે તેનો ચાર્મ, અર્થ અને સંવેદના ગુમાવી દીધી છે. શું ઉપરોક્ત શબ્દો જ વર્ષના અમુક દિવસે વ્યક્ત કરવાથી પ્રેમના ગુલાબ ખીલવા માંડે ? જરાય નહીં, પ્રેમ એ બહુ જ વિશિષ્ટ લાગણી છે, સંવેદના છે. એ મોસમની મોહતાજ નથી, સમયની પાબંદ નથી, ત્યાં ઉંમરની દરકાર નથી, જાત-પાત, ધર્મ કે અન્ય કશાની સાથે દૂર દૂર સુધી પણ તેને કોઈ લેવાદેવા નથી. બસ તેને અનુકૂળ આવે છે તો બે દિલોને ઝંકૃત કરી જતાં પ્રેમમય સ્પંદનો, એકમેકને પામવાની પ્રબળ ઝંખના. પ્રેમનો સંબંધ એવો છે જ્યાં બધા સંબંધો વામણા લાગવા માંડે છે. પ્રેમની પરિકલ્પ્ના જ એ છે જ્યાં પ્રેમમાં પડેલ વ્યક્તિ ફેન્ટસીમાં રહેવા લાગે, વિહરવા લાગે, પ્રિય પાત્ર 24ડ્ઢ7 તાદ્શ જ હોય. તુજ બિન જી ના પાયેંગે એ ફીલિંગ તેની પિક પર હોય, મળવાની તાલાવેલી, જોવાની ઝંખના, કહેવાની વિટંબણા, પ્રથમ સ્પર્શનો રોમાંચ આ બધા જ પ્રેમના કમ્પોનન્ટ છે, કેરેક્ટરીસ્ટિક છે. આવી ફીલિંગ તમને પણ જો આવતી હોય તો સમજજો તમે પ્રેમમાં છો. પ્રેમમાં પડાતું નથી પડી જવાય છે, એ કરવાથી નથી થતો પણ થવાથી જ થાય છે. પ્રેમ એ ફ્કત કેમિકલ લોચાનું જ પરિણામ નથી પણ ફિઝિકલ કેમેસ્ટ્રી પ્લસ ઓર્પોચ્યુનિટી (કોલેજ કેમ્પસ, બસ-ટ્રેન, કોફીશોપ વગેરે) પણ એટલા જ કારણભૂત છે. પ્રેમને સમજવા શાસ્ત્રોના ભંડાર પડ્યા છે છતાં પ્રેમ એટલી જટિલ લાગણી છે કે જેટલી સમજવાની કોશિષ કરો એટલા દલદલમાં ઊંડા ઉતરતા જાવ પણ સમજાય નહીં, માટે સમજવાનું છોડી પ્રેમ કરવો હિતાવહ છે.

કિશોરાવસ્થાથી યુવાઅવસ્થામાં ડગ માંડતા યુવક-યુવતીમાં એસ્ટ્રોજન અને ટેસ્ટેસ્ટેરોન (કેમિકલ લોચા જ સ્તો) ઉછાળા મારવા માંડે, વિજાતીય પાત્ર જોઈને આકર્ષણ થાય એ બિલકુલ સ્વાભાવિક છે પણ એને પ્રેમ સમજી લેવો એ જરા ભૂલ ભરેલું છે. ટીનએજર અવસ્થા એ ફેન્ટસીની દુનિયા છે. કિશોરમાંથી યુવાનીના મદમસ્ત માહોલમાં પ્રવેશ કરનાર પાત્રમાં હજી સ્વાર્થ અને વ્યવહારિકતાનું ડહાપણ ચઢેલું નથી હોતું માટે યુવાવસ્થામાં થતો પ્રેમ શુદ્ધ, સાત્વિક, મુગ્ધ અને નિર્દોષતાની નજીક હોય છે. આ પહેલા પહેલા પ્યારનો અહેસાસ કરાવતી મોસમ છે. છતાં આકર્ષણ અને પ્રેમમાં મૂળભૂત તફાવત તો છે જ...

તો મહોબ્બત હૈ ક્યા ચીજ હમકો બતાવો ? કોઈ પૂછે તો એનો સીધો જવાબ એ છે કે ઈન્ટરોસ્પેક્શન (આત્મ-નિરિક્ષણ), તમારી જાતને આ કેટલાક સવાલ પૂછી જુઓ. જો એના જવાબ હા માં મળે તો સમજી જવું કે તમારા જીવનમાં પ્રેમની વસંત સોળે કળાએ ખીલી ઉઠી છે. એવું ક્યારેય બન્યું છે ખરું કે તમારા પ્રિયપાત્રની ગેરહાજરીમાં તમે એના જ વિચારમાં મગ્ન હોવ, જાત સાથે એકાંતમાં વાતો કરતા હોવ, મુલાકાત વખતે શું કહીશું એ અત્યારથી જ મગજમાં ગોઠવી રહ્યાં હોવ પણ જેવું એ પાત્ર સામે આવે કે હોઠ સિવાઈ જાય, હિંમત દગો દઈ જાય. તમારા સેલફોન પર એસએમએસ કે વોટ્સએપ પર એનો મેસેજ આવે કે તરત દિલની સ્ટ્રીટલાઈટ પર 440 વોટના અજવાળા સાથેની ટ્યૂબલાઈટ ઝગારા મારે, મગજથી હૃદય સુધી મ્યૂઝિક મસ્તીના મોહક સૂર રેલાતા હોય અને મેસેજ વાંચ્યા વિના જ સ્ક્રીન પર એનું નામ માત્ર જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જતું હોય તો તમે પ્રેમમાં છો. કોફીશોપ્ના કોર્નરટેબલ પર રોમેન્ટિક એટમોસ્ફીયરમાં પ્રિયપાત્ર સામે હોય, પ્રપોઝ કરવાનો ક્લાસિક ચાન્સ હોય ત્યાંજ દિલના ધબકારા વધવા માંડે, શબ્દો શોધવા પડે એવા સમયે આંખો બોલવાનું શરૂ કરી દે છે. તમારા દિલની ભાવના અને મનોસ્થિતિને આંખો સચોટ રીતે વ્યક્ત કરી દે છે. આ એવી અવસ્થા છે જ્યાં પૂછવાની કે કહેવાની પણ જરૂર નથી રહેતી બસ એ લાગણીના ધોધમાં વહેતાં વહેતાં ક્યારે પ્રેમમય બની જવાય છે એની બંને પાત્રોને પણ ખબર નથી પડતી એ જ પ્રેમ છે. પ્રેમ હરએક જોખમ ખેડી લે છે, જિંદગીભર કમાવેલ ઈજ્જત, આબરૂ, માલમિલક્ત, ધનસંપતિ બધું જ ફક્ત પ્રેમને ખાતર માણસ દાવ પર લગાવી દે છે. ઈતિહાસમાં અનેક પ્રસંગો છે જેઓ પ્રેમના મામલે ફના થઈ ગયા છે યા તબાહી મચાવી દીધી છે યા આ ફાની દુનિયાને સાથે જ અલવિદા કરી દીધી છે પણ પ્રેમને અમર બનાવી દીધો છે.

આજકાલ જમાનો બહુ ફાસ્ટ થઈ ગયો છે માટે વેવલાંવેડા માટે સમય નથી. આજની યુવાપેઢી ટેક્નોલોજિનો પ્રેમમાં પણ ભરપૂર ઉપયોગ કરે છે. વોટ્સએપ, ફેસબુક, ટવીટર અને હવે થોડા આઉટડેટેડ થયેલા એસએમએસથી નવી પેઢી સજ્જ છે, અને આ માધ્યમો થકી હવે પ્રેમની અભિવ્યકિત થાય છે. જી હાં, પ્રેમને વ્યક્ત કરવાનું સ્વરૂપ બદલાયું છે પણ મૂળ પ્રેમની લાગણી યથાવત છે. હૃદય અને મન-મસ્તિષ્કમાં નિત્ય ઉગતા-આથમતાં એ સ્પદંનો જે પાંચ પેઢી પહેલાં કે હજારો વર્ષો પહેલાં પણ ઝીલાતાં હતાં એ એના એ જ છે. તેમાં લગીરેય ફરક નથી આવ્યો એનું કારણ છે પ્રેમ એ પ્રકૃતિની દેન છે. એટલું સહજ જેટલું વસંતમાં ખીલી ઉઠતી વનરાજી કે પુષ્પમાં થતી પરાગનયનની પ્રક્રિયા.

વેલ, પ્રેમની કેરેકટ્રીસ્ટિક આપણે જોઈ પણ હવે પ્રેમને જરા વધુ સૂક્ષ્મ રીતે જોઈએ. કોલેજિયન પ્રેમ કે લવ એટ ફર્સ્ટ સાઈટની દુનિયામાંથી જરા મેચ્યોર લવની દુનિયામાં એન્ટર થઈએ તો સ્ત્રી અને પુરુષ માટે પ્રેમ ભિન્ન દ્ષ્ટિકોણ ધરાવે છે. પ્રેમ એ જ છે પણ સ્ત્રી અને પુરુષ બંને એને પોતપોતાની રીતે જુએ છે, મૂલવે છે અને માણે છે. અતિશય ચવાઈ ગયેલું વાકય છે કે પુરુષ સેક્સ મેળવવા પ્રેમ કરે છે જ્યારે કે સ્ત્રી પ્રેમ મેળવવા સેક્સને સમર્પિત થાય છે. સ્ત્રીઓ માટે પ્રેમની સાથે સાથે વિશ્ર્વાસ અને સલામતીની ભાવના પણ જોડાયેલી છે. પુરુષથી પ્રભાવિત કે આકર્ષિત થયેલ સ્ત્રીના મનમાં કોઈક ખૂણામાં પણ આ બંને બાબતોની કશ્મકશ પ્રેમની પેરેલલ ચાલતી હોય છે. સ્ત્રી એટલા માટે જ ઝડપથી પ્રેમનો એકરાર નથી કરતી. એને મનાવવી પડે છે, રીઝવવી પડે છે મુખ્ય વાત સ્ત્રીનો વિશ્ર્વાસ જીતવાની હોય છે. એક વેલેન્ટાઈન ટીપ યંગસ્ટર માટે : તમારી પ્રેયસીનું દિલ જીતવું હોય, તેના પ્રેમ મેળવવો હોય તો પહેલાં વિશ્ર્વાસ જીતો.

લવ એટ ફર્સ્ટ સાઈટ ફિલ્મોની દેન છે હકીકતમાં પ્રેમ એ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. ભલે પ્રેમમાં ધર્મ-નાતજાત કે ઉંમર ના જોવાતી હોય પણ તે છતાં આજની યુવતી પ્રેમના બંધનમાં બંધાતા પહેલાં ઉપરોક્ત વાતનો વિચાર તો અવશ્ય કરે જ છે. એનું કારણ યુવતીઓમાં ઊચ્ચશિક્ષણનું પ્રમાણ વધ્યું છે માટે ઈન્ટેલિજન્સીની સાથે સાથે એ આજના જમાનામાં વધુ સ્વતંત્ર, વધુ જવાબદાર અને વધુ પરિપક્વ બની છે. આવી ભાવનાઓથી વરેલ યુવતી કે સ્ત્રી જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે સંપૂર્ણતાથી પ્રેમ કરે છે, એનો પ્રેમ કન્ફ્યૂઝ્ડ, વંહેચાયેલો કે સ્વાર્થી નથી હોતો. એ જ્યારે પુરુષને દિલથી સ્વીકારી લે છે ત્યારે બેશુમાર, બેઈન્તહા, ધોધમાર પ્રેમ કરે છે બસ એને એ ખાતરી હોવી જોઈએ કે જેને એ પ્રેમ કરી રહી છે એ પણ તેને ભરપૂર પ્રેમ કરે છે, તેની લાગણીઓની એટલી જ દરકાર તેને પણ છે અને તેને સંપૂર્ણ વફાદાર છે. સ્ત્રી ગમે તેટલા ઊંચા હોદ્દા પર હોય કે હાઉસવાઈફ હોય પ્રેમ માટે તેમનું થિન્કીંગ સરળ છે. સ્ત્રીઓ કેર ટેકીંગ પ્રેમ ઈચ્છે છે મતલબ નાની નાની બાબતમાં વ્યક્ત થતો પ્રેમ, ઉમળકો, કેર એ તેમના માટે અમૂલ્ય હોય છે. જેમ કે એનિવર્સરી ડે યાદ રાખી પત્ની માટે સરપ્રાઈઝ ગીફ્ટ આપવી, બર્થ ડે પર રાત્રે 12 વાગે વીશ કરવું, ક્યારેક કીધા વિના જ કેન્ડલ લાઈટ ડીનર પર લઈ જવી, ક્યારેક એની તબિયત નાદુરસ્ત હોય ત્યારે એના માટે પ્રેમથી ચા બનાવવી અને જો તમે સારા કૂક પણ હોવ તો મહિને એકાદવાર તમારી પસંદગીનું ફૂડ બનાવી એનું દિલ જીતી શકો છો. મહિને એકાદવાર ગજરો એ કામ કરી શકે છે જે નૌ લખા હાર ના કરી શકે. સ્ત્રી એ જુએ છે કે તેને પ્રેમ કરનાર વ્યક્તિ તેની કેટલી કદર કરે છે, કેટલી સંભાળ લે છે. જીવનની દરેક ભૌતિક જરૂરિયાતો ઘરમાં હાજર હોય તે છતાં પ્રેમ, લાગણી અને કેરના અભાવમાં સ્ત્રી અપૂર્ણતાનો અહેસાસ કરતી હોય છે.
પુરુષ માટે પ્રેમનો દ્ષ્ટિકોણ અલગ છે. પુરુષ માટે પ્રેમ એ આકર્ષણથી શરૂ થયેલ સેક્સમિશ્રીત લાગણીનો ધોધ છે. તેના માટે પ્રેમ અને સેક્સ એ સિક્કાની બે બાજુ છે. ટીનએજરથી શરૂ થતી આ રેસમાં પ્રેમમાં એક સ્ટેજ પર ઠહેરાવ આવી જાય છે પણ સેક્સ મામલે એ બુઢાપામાં પણ ટીનએજર ફીલ કરે છે. 

એની વે, પુરુષ માટે સ્ત્રી એ વાયા પ્રેમ, એક મંઝિલ છે. જેમ મંઝિલની સફર સુધી એક અલગ જ આનંદ હોય છે પણ મંઝિલ પ્રાપ્ત થયા બાદ આનંદ જળવાઈ રહેતો નથી એમ પ્રેમ માટે પુરુષની લાગણી એ ભાવથી મિશ્રિત હોય છે. જોકે એનો એ મતલબ નથી કે સ્ત્રીની સ્વીકૃતિ બાદ પ્રેમ પૂરો થઈ જાય છે. પણ હા, આકર્ષણની, રોમાંચકતાની સીમા પૂરી થયા બાદ પ્રેમની ખરી કસોટી થતી હોય છે. પ્રેમ કેટલો સાચો અને દિવ્ય છે એ તો તેમાં ઠહેરાવ આવે ત્યાર પછી જ ખબર પડે છે.

જો તમે તમારા પ્રિયપાત્રને સાચો પ્રેમ કરતાં  હોવ અને જીવનભર તેના હમસફર બનવાના સ્વપ્ન જોતાં હોવ તો આ વેલેન્ટાઈન ડે પર મોકે પે ચોક્કા મારી તેને `બી માય વેલેન્ટાઈન' કહેવાનું ચૂકી ન જતાં. લવ યુ ઓલ ડિયર રિડર્સ...!

લવ-લાઈન
હું સ્વાર્થી છું, અધીરી છું અને થોડી અસલામતી પણ અનુભવું છું. હું ક્યારેક ભૂલો કરું છું, ક્યારેક આઉટ ઓફ કંટ્રોલ થઈ શકું છું અને ત્યારે મને સંભાળવી અઘરી હોય છે પણ જો તમે મારા ખરાબ સમયમાં નથી સંભાળી શકતા તો મારા સારા સમયમાં મારી સાથે રહેવાનો તમને કોઈ હક્ક નથી.
- મેરેલીન મનરો

 (Article on Love in Feelings Valentine Day Sp. Issue 14/2/14)