નરેન્દ્ર મોદી
આપ ચાહી શકો, ધિક્કારી શકો
પણ અવગણી તો ના જ શકો...
Written by - Vijay Rohit,
Sub Editor, Feelings, Baroda
M : 0740 5656 870
Share this article only with
my permission & Name
મધ્યમવર્ગના સામાન્ય કુટંબમાંથી આવેલ આ વ્યક્તિ રાજકારણમાં પ્રવેશ કરતાંની સાથે જ છવાઈ જાય છે. તેમની વાણી જનતાને મંત્રમુગ્ધ કરી દે છે. તેમની કાર્યશૈલી બધાથી હટ કે છે. કોઈ તેમને હિન્દુત્વની છબી માને છે, કોઈ તેમને એરોગેન્ટ કહે છે તો કોઈ તેમને ભાવિ વડાપ્રધાન તરીકે જુએ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચોથી વાર શપથ લેનાર નરેન્દ્ર દામોદરદાસ મોદી હાલ તો વડાપ્રધાનની રેસમાં અગ્રેસર છે પણ હવે તેમનો સામનો પોતાના લોકો સાથે પણ છે અને વિરોધીઓની તો ફોજ છે. મહત્વની વાત એ છે કે દેશની મહદ્ અંશે જનતા ઈચ્છે છે કે મોદી ફાઈનલ રેસ પણ જીતીને અવ્વલ જ આવે...!
Adore or Abhor him, but you can't ignor him.
હાલમાં જ સંપ્ન્ન થયેલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ્નો ભગવો લહેરાવી સત્તાની હેટ્રિક રચનાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે ઉપરોક્ત સ્લોગન ઘણું જાણીતું છે. સરળ ભાષામાં કહીએ તો નરેન્દ્ર મોદીને તમે ચાહી શકો છો, વખાણી શકો છો, પ્રશંસા કરી શકો છો, ધિક્કારી શકો છો, તિરસ્કાર કરી શકો છો પણ તેમની અવગણના તો હરગીઝ ના જ કરી શકો.
બિલકુલ સાચી વાત... નરેન્દ્ર મોદીને તેમના વિરોધીઓ પણ અવગણી નથી શકતા. તેનું કારણ છે નરેન્દ્ર દામોદરદાસ મોદીનું જાદુઈ વ્યક્તિત્વ. આખરે શું છે એવું નરેન્દ્ર મોદીમાં જેનાથી લોકો સંમોહિત થઈ જાય છે ? હિન્દુસ્તાને મહાત્મા ગાંધીથી લઈ જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. ભીમરાવ આંબેડકર વગેરે જેવા પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરનાર, જાદુઈ વ્યક્તિત્વ ધરાવતા ઘણા નેતાઓ જોયા છે. બહુ દૂરની વાત ના કરીએ તો ઈન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપાયી આવો કરિશ્મા ધરાવનાર કદાચ અંતિમ નેતા હતા. હવે નરેન્દ્ર મોદીનું નામ પણ આ મહાનુભાવો સાથે અચૂક જોડવું પડે. ભાજપ્ના સૌથી લોકપ્રિય અને જનતા સહિત દરેક પક્ષો માટે પણ આદરણીય ગણાતા નેતા અટલ બિહારી વાજપાયી પછી દેશની રાષ્ટ્રીય કે પ્રાદેશિક રાજનીતિમાં નરેન્દ્ર મોદી જેટલી લોકપ્રિયતા, ચાહના (અને વિવાદ પણ) મેળવનાર એક પણ નેતા નથી. હા, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે લોકપ્રિયતાની દ્ષ્ટિએ એમની સરખામણી અચૂક થઈ શકે પણ કોંગ્રેસના આ બંને નેતા વીજળીની જેમ ચમકીને ક્યાંક અલોપ થઈ જાય છે જ્યારે નરેન્દ્ર મોદી 24 ડ્ઢ 7 નિરંતર સક્રિય જોવા મળશે. હાલમાં જ એક પ્રવચનમાં તેમણે કીધું હતું કે છેલ્લાં 12 વર્ષથી તેમણે એકપણ રજા નથી લીધી. મોદીના ફેન ફોલોઇંગમાં બોલિવુડ સુપરસ્ટાર્સથી માંડી ક્રિકેટર્સ અને નેતાઓનો પણ સમાવેશ થાય છે. ક્રિકેટરો અને બોલિવૂડ સ્ટાર્સને માથે બેસાડનાર આ દેશનો `આમ આદમી' રાજકારણ પ્રત્યે સૂગ ધરાવે છે એ હકીકત છે તેમ છતાં નરેન્દ્ર મોદી એમાં અપવાદ છે. આ ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે તેના દિગ્ગજ નેતાઓને સભા ગજવવા બોલાવવા પડતા હતા ત્યારે ભાજપ માટે આ કામગીરી નરેન્દ્ર મોદીએ એકલવીરની જેમ બજાવી હતી. હા, ઔપચારિકતાના ભાગરૂપે ભાજપ્ના કેટલાક અગ્રણી નેતા અને કલાકારોને બોલાવવા પડ્યા પણ મોદી જેટલી જનમેદની તો કોઈ ભેગી ના કરી શક્યું. એકસમયે ભાજપ્નો ચહેરો ગણાતા લાલકૃષ્ણ અડવાણીની સભા પણ પાંખી હાજરીને લીધે નિસ્તેજ બની ગઈ હતી. આ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે વિવાદાસ્પદ મુદ્દાઓ પર એવી ભાષણશૈલી વિક્સીત કરી કે જેમાં સામે એકત્રિત જનમેદની જ તે વાતનું સમર્થન કરે જેને મોદી પોતાની જબાનથી વ્યક્ત ના કરવા ઈચ્છતા હોય. નરેન્દ્ર મોદી પોતાની શક્તિ અને ખૂબીઓને સારી રીતે જાણે છે અને તેનો ઉપયોગ પણ એટલીજ અસરકારકતાથી કરે છે. હાલમાં જ એનસીપીના નેતા પ્રફુલ પટેલે પણ નરેન્દ્ર મોદીના કાર્યની પ્રસંશા કરી હતી. હાલમાં સ્થિતિ એ છે કે ગુજરાતની જ નહીં પણ સમગ્ર દેશની જનતા તેમને પસંદ કરે છે, ઈચ્છે છે કે આગામી વડાપ્રધાન તેઓ બને જેથી ગુજરાતની જેમ દેશને પણ ફાયદો થાય. આ છે નરેન્દ્ર મોદીનું વિરાટ વ્યક્તિત્વ.
નરેન્દ્ર મોદીને લોકો પસંદ કરે છે તેનું કારણ છે તેમનું વિઝન, દૂરંદેશીપણું. તે ગુજરાતનો વહીવટ રાજકારણી કમ સીઈઓની જેમ કરે છે. ગુજરાતનો 1600 કિમી લાંબો દરિયાકિનારો કાંઈ મોદીના રાજમાં જ અસ્તિત્વમાં નહોતો આવ્યો. એ પહેલાંની સરકાર વખતે હતો જ પણ એના માટેની દૂરંદેશી અગાઉની સરકારો કે નેતાઓમાં ન હતી. નરેન્દ્ર મોદીએ ઉપલબ્ધ કુદરતી સ્રોત/સંપદાનો ભરપૂર ઉપયોગ કરી ગુજરાતને એડવાન્ટેજ આપ્યો છે. તેમણે કંડલા, મુંદ્રા, પીપાવાવ સહિત ઘણા અત્યાધુનિક બંદરો ડેવલપ કરાવી ગુજરાતને એક્સપોર્ટ હબ બનાવી દીધું. જાયન્ટ્સ કોર્પોરેટ કંપ્નીઓને એ સમજાવી શક્યાં છે કે ગુજરાતમાં જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હોય અને અહીંના દરિયાકિનારેથી જ તેમની પ્રોડ્કટ વિદેશમાં એક્સપોર્ટ થાય તો ઓછા ખર્ચે કંપ્નીઓને વધુ ફાયદો થાય. આજે ગુજરાતમાં ઉદ્યોગોની લાઈન લાગે છે એની પાછળ આ એક મહત્વનું પરિબળ છે. જોકે હવે કેટલાક નેતાઓ અને ગુજરાત (મોદી) વિરોધી પરિબળો ગુજરાતને મળેલ આ કુદરતી સંપતિને વિકાસ માટે જવાબદાર માને છે પણ એ હકીકત સ્વીકારતાં ખચકાય છે કે મોદીની દૂરંદેશીનું આ પરિણામ છે.
`વાઈબ્રન્ટ ગુજરાત' દ્વારા મોદી દુનિયાભરના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં ઈન્વેસ્ટ કરવા આકર્ષી ચૂક્યા છે. ગુજરાતમાં નવા ઉદ્યોગો આવે તે માટે સરકારે અહીં સાનુકૂળ વાતાવરણ તૈયાર કર્યું છે. ઉદ્યોગપતિઓને તત્કાળ જમીન, વિવિધ મંજૂરીઓનો ઝડપથી નિકાલ અને ટેક્સમાં રાહત આપીને ઉદ્યોગો ગુજરાતમાં જ આવે તેવું પાક્કું આયોજન કરાયું છે. ફ્ક્ત ઉદ્યોગ જ નહીં પ્રવાસન ક્ષેત્રે પણ પહેલીવાર ગુજરાતે વિકાસની દિશા પકડી છે. આપણી પાસે ઘણાં સારા ટૂરિસ્ટ પ્લેસ અને સાંસ્કૃતિક-ઐતિહાસિક ધરોહર હોવા છતાં આપણે તેને હાઈલાઈટ કરી શક્યા ન હોવાથી ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્ર ક્યારેય વિક્સીત થયું ન હતું. કચ્છના સૂકા રણપ્રદેશ વિશે ક્યારેય ન વિચારનાર અને ધારો કે વિચારે તો પણ આવા અફાટ રણમાં તે વળી શું થઈ શકે એવી માનસિકતા તેમજ વૈચારિક દરિદ્રતા ધરાવનાર અગાઉની સરકારને, તેમણે કચ્છના રણને ગુજરાતનું ઉત્તમ ટૂરિસ્ટ પ્લેસ બનાવીને જવાબ આપ્યો છે. એક સમયે કચ્છના રણમાં કોઈ જવાનું પસંદ નહોતું કરતું, આજે એ જ રણને જોવા દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં ટૂરિસ્ટ આવે છે. એની સાથે સાથે ગીર, દ્વારકા, સોમનાથ, અમદાવાદ વગેરે જેવા સ્થળોએ ટૂરિસ્ટ આવતાં થયાં છે તેના માટે મોદીના વિઝનને જ શ્રેય આપવો પડે. પ્રવાસનને વેગ આપવામાં બિગ બી અમિતાભ બચ્ચનને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનું મોદીનું પગલું એ માસ્ટર સ્ટ્રોક હતો.
નરેન્દ્ર મોદી સમય પ્રમાણે નવું કરવાના હિમાયતી છે. ગત ચૂંટણીમાં `મોદી માસ્ક' દ્વારા ધૂમ મચાવી તો આ વખતે `થ્રી ડી ટેક્નોલોજિ દ્વારા વિરોધીઓને ચારો ખાને ચિત્ત કરી દીધા. મોદી સારી રીતે જાણે છે કે આજની યુવાપેઢી સૌથી વધુ સમય કમ્પ્યૂટર, મોબાઈલ, ઈન્ટરનેટ અને ગેઝેટ્સ સાથે પસાર કરે છે. તેમની સાથે લાઈવ રહેવાં તે ટેક્નોસેવી બન્યા છે. સોશિયલ કમ્યુનિટી સાઈટ ફેસબુક પર નિયમિત સ્ટેટસ અપડેટ તથા ટવીટર પર પ્રસંગોચિત ટવીટ અચૂક કરે છે. યુ-ટ્યુબ પર તેમના દરેક પ્રોગ્રામની ક્લિપ જોવા મળે છે. તેમની વેબસાઈટ, ગુજરાત સરકારના પોર્ટલ ઈન્ટરેક્ટિવ છે જેથી લોકો સાથે માહિતી અને વિચારોનું આદાન-પ્રદાન થઈ શકે. આ ઉપરાંત સોલર પાર્ક, ગિફ્ટ સિટી સહિત તેમના ઘણાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચાલુ છે અથવા નજીકના ભવિષ્યમાં આવી શકે છે. આજે ગુજરાતે સારા રસ્તાઓ, ઓવરબ્રિજ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ટૂંકા ગાળામાં જબરજસ્ત વિકાસ સાધ્યો છે એ સૌએ સ્વીકારવું જ પડે. અમદાવાદમાં શરૂ થયેલી બીઆરટીએસ અને આ ચૂંટણીમાં બહુ ગાજેલી 108ની સેવા પણ ગુજરાતમાં પ્રશંસનીય કાર્ય કરે છે. ખેલ મહાકુંભ દ્વારા સ્પોર્ટસ ક્ષેત્રે પણ ગુજરાતના ખેલાડીઓ અગ્રેસર રહે તે માટે પહેલીવાર ઉત્તમ આયોજન થયું છે.
આમ છતાં જેમ સિક્કાની બે બાજુ હોય તેમ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વના પણ બે ચહેરા છે વિવાદ અને વિકાસ. નરેન્દ્ર મોદીના સમગ્ર વ્યક્તિત્વને જાણવા તેમના બાળપણથી પોલિટિકલ કરિયર સુધી એક નજર કરીએ. જોકે એ વિશે બહુ માહિતી ઉપલબ્ધ ન હોવાથી લોકોક્તિ અને ચર્ચિત વાતો પર જ ધ્યાન આપવું પડે. નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950માં મહેસાણા જિલ્લાના વડનગર જેવા નાનકડાં ગામમાં થયો હતો. પિતા દામોદરદાસ, માતા હીરાબહેન અને 6 ભાઈ બહેનોનો પરિવાર. નરેન્દ્ર મોદીનો એમાં ત્રીજો નંબર હતો. આર્થિક રીતે મોદી પરિવાર માટે એ સમય સંઘર્ષકાળ હતો. તેમના પિતાની વડનગર રેલ્વે સ્ટેશન પર ચાની કિટલી હતી ત્યારે મોદી ચા વેચવા પણ જતાં. કહેવાય છે કે વડનગરનું શર્મિષ્ઠા તળાવ અને લાઈબ્રેરી તેમના પ્રિય સ્થળ હતા. લોકોક્તિ મુજબ તો શર્મિષ્ઠા તળાવ ઘણું ઊંડું હતું અને તેમાં મગર પણ ઘણાં હતા આમ છતાં મોદી તેમાં નહાવા જતા, જે તેમની સાહસિકવૃત્તિનો પરિચય આપે છે. બાળપણથી જ તેમને વાંચનનો શોખ એટલે ગામની વચ્ચે આવેલ લાઈબ્રેરીમાં નિયમિત વાંચવા જતા. આ ઉપરાંત તેમને નાટકનો પણ ભારે શોખ હતો. બાળપણમાં તેમણે `જોગીદાસ ખુમાણ' નામના નાટકમાં રોલ પણ ભજવ્યો હતો.
યુવાવસ્થામાં મોદી વડનગર છોડી અમદાવાદ આવ્યા અને કાકાની કેન્ટીનમાં કામ કરવાનું શરૂ કર્યું. પોતે ચા બનાવતા અને વેચતા પણ ખરા. અહીં તેઓ નિયમિત ચા પીવા આવતાં સંઘના કાર્યકરોની નજીક આવ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત પ્રચારક લક્ષ્મણરાવ ઈનામદારના પ્રભાવ હેઠળ સંઘના નિયમિત કાર્યકર તરીકે જોડાયા. સંઘમાં તેઓ ચૂપચાપ કામ કરતાં રહ્યાં અને સંગઠન શક્તિથી પોતાની ભૂમિકા મજબૂત કરી. આ દરમિયાન તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.
1975માં તેઓ લાલકૃષ્ણ અડવાણીના સંપર્કમાં આવ્યા. તે સમયે અડવાણી જનસંઘના ટોચના નેતા હતા. બીજેપીના મેઈન સ્ટ્રીમ રાજકારણમાં મોદીને લાવવામાં અડવાણીનો સિંહફાળો છે. 1995માં બીજેપી ગુજરાતમાં પહેલીવાર સત્તા પર આવી. કેશુભાઈ પટેલ બીજેપીના પહેલા મુખ્યમંત્રી બન્યા. જોકે થોડા વખતમાં જ ભાજપમાં આંતરિક ડખો થતાં સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલિપ પરીખ વગેરેએ મુખ્યમંત્રી તરીકે શાસન કર્યું. આ બધા વિવાદમાં પડદા પાછળ મોદી સક્રિય છે અને તે જવાબદાર છે એમ ગણાવી કેશુભાઈએ મોદીને ગુજરાત બહાર ધકેલી દીધા. ત્યારબાદ 1998માં વિધાનસભા ચૂંટણીમાં બીજેપી ફરી એકવાર બહુમતી મેળવી સત્તા પર આવી અને કેશુભાઈ પટેલ બીજીવાર મુખ્યમંત્રી બન્યા. કેશુભાઈ આ વખતે ગુજરાતમાં સંગઠન મજબૂત કરવા નરેન્દ્ર મોદીની જગ્યાએ સંજય જોશીને લાવ્યા. જ્યારે મોદીએ આ સમય દરમિયાન દિલ્હી અને હિમાચલ પ્રદેશ સંગઠનમાં કામ કર્યું. હાલમાં જ એનડીસીની બેઠક વખતે દિલ્હી ગયેલા મોદીનું જ્યારે ઉષ્માસભર સ્વાગત થયું ત્યારે મોદીએ ભાવૂક બનીને કહ્યું હતું કે આ જગ્યા સાથે મારો ખાસ લગાવ છે, અહીં મેં મારી કરિયરનો કિંમતી સમય ગાળ્યો છે.
આ તરફ ભૂકંપ, દુષ્કાળ, વાવાઝોડાં જેવા કુદરતી આફતોએ કેશુભાઈ સરકારની લોકપ્રિયતાને ફટકો પહોંચાડ્યો. આ ઉપરાંત સ્થાનિક ચૂંટણીઓમાં પણ ભાજપ્નો દેખાવ અપેક્ષા મુજબનો ના રહેતાં કેન્દ્રીય મોવડી મંડળ ચિંતિત બન્યું. નરેન્દ્ર મોદીએ આ તકનો લાભ લઈ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી. અડવાણીને હંમેશાં પ્રભાવિત કરનાર મોદી જ આ સ્થિતિમાં તેમને ગુજરાત માટે ઉત્તમ વિકલ્પ લાગ્યા અને 7 ઓક્ટોબર 2001 ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પહેલીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આપ્ની જાણ માટે કે આ પહેલાં નરેન્દ્ર મોદી ક્યારેય કોઈ ચૂંટણી લડ્યા જ ન હતા. તેમણે રાજકોટ વિધાનસભામાંથી પ્રથમવાર ચૂંટણી લડી અને જીત્યા. ગુજરાતમાં આવતાં વેંત જ નરેન્દ્ર મોદીએ પહેલું કામ સંજય જોશીને ગુજરાતમાંથી બહાર કાઢવાનું કર્યું. નરેન્દ્ર મોદી માટે વિરોધ અને વિકાસ સાથે જ ચાલ્યા છે. રોગ અને શત્રુ ઉગતા જ ડામી દેવા સારા.. એ નીતિને અનુસરતાં મોદીએ ગુજરાતમાં તેમના તમામ દુશ્મનોને કટ ટૂ સાઈઝ વેતરી નાંખ્યા છે, એ પછી શંકરસિંહ વાઘેલા હોય, સંજય જોશી હોય, કેશુભાઈ હોય કે પછી પ્રવિણ તોગડીયા.
વિશ્ર્વ હિન્દુ પરિષદ અને સંઘ જેવી સંસ્થાઓને પણ તેમણે હાંસિયામાં ધકેલી દીધી. આજે પણ તમે ગુજરાતમાં જુઓ તો બીજેપીમાં નરેન્દ્ર મોદી પછી સેકન્ડ લીડર કોણ એ અંગેનો જવાબ નહીં મળે.
ડિસેમ્બર-02માં યાજાયેલ વિધાનસભા ચૂંટણીમાં મોદીએ પૂરજોશમાં આવી ભાષણો કર્યા, પ્રચાર કર્યો અને બીજેપીને ફરી એકવાર જ્વલંત સફળતા અપાવી. શપથવિધિના થોડા સમય બાદ જ ગોધરા કાંડ થયો. સાબરમતી એક્સપ્રેસને ગોધરામાં મુસ્લિમોએ આગ લગાડતાં 55 હિન્દુ કારસેવકો માર્યા ગયા અને સમગ્ર ગુજરાત એ આગમાં સળગી ઉઠ્યું. એ દરમિયાન મોદી પર તોફાનને અંકુશમાં ન લેવા અને લોકોને ખૂલ્લો દોર આપી દેવાનો પણ આક્ષેપ થયો. ગોધરા કાંડના છાંટા એમના દામન પર એવા લાગ્યા કે આજદિન સુધી તે ધોઈ શક્યા નથી. તે સમયે વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીએ પણ તેમને રાજધર્મ નિભાવવાની સલાહ આપી હતી.
ગોધરાકાંડમાંથી ગુજરાતને બહાર આવતાં દોઢ-બે વરસ જેવો સમય લાગ્યો. નરેન્દ્ર મોદી પણ હવે હિન્દુત્વ અને સાંપ્રદાયિક માહોલની બહાર આવવા ઈચ્છતા હતા એટલે તેમણે વિકાસની રાહ પકડી જેના ફળ સ્વરૂપે વાઈબ્રન્ટ ગુજરાત અને બિઝનેસ સમીટની શરૂઆત થઈ. 2007ની ચૂંટણીમાં જ્ઞાતિના સમીકરણો, ગોધરાકાંડના છાંટા અને વિરોધવંટોળ વચ્ચે પણ મોદી શાનથી ચૂંટણી જીત્યા. ત્યારબાદ તો મોદી વિકાસની રાહ પર એવા ચાલી નીકળ્યા કે ગુજરાતની દશા અને દિશા બંને બદલાઈ ગઈ. ગામડાંથી લઈ, તાલુકા અને શહેર સુધી દરેક સરકારી કાર્યક્ષેત્રમાં તેઓ કમ્પ્યૂટર ટેક્નોલોજિ લઈ આવ્યા. ગુજરાતની વિકાસયાત્રામાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો ટાટા નેનોની ગુજરાતમાં એન્ટ્રીથી. પ. બંગાળમાં ટાટાને જગ્યા અંગે વિવાદ થતાં મોદીએ તક ઝડપી લીધી અને તાત્કાલિક ધોરણે ટાટાને સાણંદમાં જગ્યા ફાળવી. ત્યારબાદ આજે મારુતિ, ફોર્ડ, પ્યૂજો સહિત ઘણી મલ્ટિનેશનલ કંપ્નીઓની લાઈન લાગી ગઈ. મોદી સમજી ગયા કે વિકાસની રાજનીતિ જ તેમને લાંબે ગાળે ફાયદો કરાવશે. એથી દર વર્ષે નવાં આયોજન અને નવી નીતિઓ અમલમાં મૂકતા ગયા અને સફળતા પણ મેળવી.
2012ની ચૂંટણી નરેન્દ્ર મોદી માટે અને કોંગ્રેસ માટે પણ અસ્તિત્વનો જંગ હતી. મોદી માટે વિરોધીઓનો પાર ન હતો એમાંય કેશુબાપાએ ગુજરાત પરિવર્તન પાર્ટી નામે નવો મોરચો ખોલતાં મોદીને તકલીફ પડશે એવી બધે હવા હતી. તો કોંગ્રેસે `ઘરનું ઘર', લેપટોપ અને કંઈ કેટલાય પ્રલોભનો આપી લોકોની દિશા અને દશા બદલવાનો દાવો કર્યો હતો પણ જનતા કામ કરનારની જ કદર કરે છે એ આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પૂરવાર થઈ ગયું.
આ દરમિયાન તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણો વિરોધ સહન કરવો પડ્યો. અમેરિકા જેવા દેશે વિઝા આપવાની ના પાડી તો ગુજરાત સરકારના મંત્રી અને કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફેક એન્કાઉન્ટરના વિવાદ અને કેસ થયા. નરેન્દ્ર મોદીએ આ કપરા કાળમાં પણ બધી મુશ્કેલીઓનો હિંમતથી સામનો કર્યો અને સલામત રીતે બહાર પણ નીકળી ગયા. થોડા સમય પહેલાં જ તેમણે જાપાન અને ચીન જેવા દેશમાં પ્રવાસ ખેડી ગુજરાતમાં ઈન્વેસ્ટમેન્ટ માટે તેમને આમંત્રણ આપ્યું હતું. તો સદ્ભાવના દ્વારા તેમણે મુસ્લિમોને પણ આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. બ્રિટન જેવા દેશે પણ ગુજરાતના ડેવલપમેન્ટ મોડલથી આકર્ષાઈને તેમના મંત્રીઓને ગુજરાત સરકારના સંપર્કમાં રહેવા જણાવ્યું છે.
હાલમાં જ ગુજરાતમાં ચોથી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી વધુ શાસન કરવાનો રેકોર્ડ ધરાવે છે. હજી બીજા પાંચ વર્ષ માટે તેમને જનસમર્થન મળ્યું છે ત્યારે એ જોવું હવે રસપ્રદ રહેશે કે મોદી ગુજરાતમાં રહે છે કે ગુજરાતની સીડીથી દિલ્હીની ગાદી સુધી પહોંચે છે.
BOX Item - 1
પી.એમ. પદ માટે સૌથી મજબૂત દાવેદાર પણ દિલ્હી હજી દૂર
નરેન્દ્ર મોદીનો જાદુ ફક્ત ગુજરાતમાં જ છે એવું તમે જો માનતા હો તો ભૂલ કરો છો. રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર સહિત દેશના લગભગ તમામ રાજ્યોમાં મોદી મોસ્ટ પોપ્યુલર નેતા છે. ગુજરાતમાં તો બીજેપીનો બીજો અર્થ જ નરેન્દ્ર મોદી છે. તેમના દરેક સ્ટેટમેન્ટ અને કામકાજની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાય છે. મીડિયા તથા જનતા નરેન્દ્ર મોદી પીએમ બનશે કે નહીં તેની રોજ ચર્ચા કરે છે પણ મોદી પોતે આ મામલે મગનું નામ મરી નથી પાડતા. ભાજપમાં અડવાણી પી.એમ. ઈન વેઈટિંગ તરીકે પહેલેથી જ લાઈનમાં છે પણ મોદીની લોકપ્રિયતા તેમને ઈર્ષ્યા કરાવે તેવી છે. અડવાણી જ નહીં આખું કેન્દ્રીય બીજેપી મોવડીમંડળ મોદીના વધતા કદથી ચિંતામાં છે. તેના ઘણાં કારણો પણ છે. મોદીની સાંપ્રદાયિક ઈમેજ 2014ની લોકસભા ચૂંટણીમાં એનડીએને નુકસાન કરાવી શકે એવી ભીતિ તમામ ઘટક પક્ષોને છે. એ ઉપરાંત લોકસભાની ચૂંટણી કોંગ્રેસ વિરુદ્ધ મોદીનો જંગ પણ બની જાય એવી શક્યતા રહેલી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભ્રષ્ટાચાર અને નાકામિયાબ સરકારના મુદ્દે ઘેરવા ઈચ્છતું એનડીએ એટલા માટે જ મોદીને પીએમ તરીકે પ્રોજેક્ટ કરવાથી બચે છે. જોકે અંદરખાને રામ જેઠમલાણી સહિત ઘણા લોકો મોદીને પીએમ તરીકે જોવા ઈચ્છે છે એ હકીકત છે. હાલમાં જ યોજાયેલ શપથવિધિ સમારોહ એ નરેન્દ્ર મોદીનું શક્તિ પ્રદર્શન હતું એમ કહીએ તો જરાય ખોટું નથી.
વિકાસના ફળ તમામ વર્ગના લોકો સુધી પહોંચે એ જરૂરી
ગુજરાતે સાધેલ વિકાસની પ્રસંશા ચોતરફ થાય છે ત્યારે એ પણ હકીકત છે કે વિકાસના ફળ સીમિત જનતા સુધી જ પહોંચ્યા છે. ખાસ કરીને ખેડૂતો મોદીથી નારાજ છે. નર્મદાનું પાણી હજી ખેતી માટે દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી તો સિંચાઈ માટે પૂરતી વીજળી પણ મળી રહે એ જરૂરી છે. ગુજરાત સરકારે હાઉસીંગ બોર્ડ અને સ્લમ બોર્ડની યોજનાઓ બંધ કરી દેતાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે `ઘરનું ઘર' બનાવવું આજે સ્વપ્ન બની ગયું છે. સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્ર્નો નિકાલ માંગે છે. મોંઘવારી અને તેલના ભાવ આસમાને છે ત્યારે ગુજરાતની જનતા મોદી પાસે એ દિશામાં કામ થાય એની અપેક્ષા રાખે છે. ખોબલે ખોબલે વોટ આપ્નાર ગુજરાતની જનતા ઓઈલના ભાવમાં ગુજરાત સરકાર વેટ ઘટાડે એવી ઈચ્છા રાખે એ સ્વાભાવિક છે જેથી પેટ્રોલ -ડીઝલ સસ્તુ થાય. જનતાનો એ પણ આક્રોશ છે કે પોતાના મુખ્યમંત્રીને ગાંધીનગરમાં મળવું હોય તો આસાનીથી મળી શકાતું નથી. આદિવાસી વિસ્તારોમાં પણ શિક્ષણ અને ડેવલપમેન્ટનું પ્રમાણ ઓછું છે. શિક્ષણની વાત કરીએ તો ગુજરાતમાં આજે શિક્ષણ મેળવવું ખૂબ મોંઘુ થઈ ગયું છે. પ્રાઈવેટ સ્કૂલ-કોલેજો બેફામ ફી લઈને લૂંટે છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે ધરખમ પરિવર્તનની લોકો અપેક્ષા રાખે છે.
નરેન્દ્ર મોદીની પર્સનાલિટી જ આકર્ષણનું કેન્દ્ર છે
મોદીના વ્યક્તિત્વને હંમેશાં રાજનીતિક દ્ષ્ટિકોણથી જ જોવામાં આવે છે એના કારણે એમની પર્સનલ લાઈફ પર એટલું ફોકસ થયું નથી. તેઓ પોતે અવિવાહિત હોવાનો દાવો કરે છે અને કુટુંબથી પણ દૂર થઈ ગયા છે એટલે આમ પણ તેમની નિજી જિંદગી વિશે બહુ ઓછા લોકો જાણે છે.અલબત્ત મુખ્યમંત્રી બન્યા બાદ તેમની લાઈફ સ્ટાઈલમાં ધરખમ ફેરફાર આવ્યા છે. તેમની ડ્રેસિંગ સેન્સ લાજવાબ છે, ઈમ્પ્રેસીવ છે. `મોદી કૂર્તા' આજે બ્રાન્ડ બની ગયા છે. રિમલેસ ગ્લાસ (ચશ્મા) થી હંમેશાં સજ્જ રહેતા મોદી સ્ટાઈલ સ્ટેટમેન્ટથી વાકેફ છે એટલા માટે જ કચ્છ રણોત્સવ જેવા પ્રસંગે હેટ, ડાર્ક ગોગલ્સ, ઓવરકોટમાં સજ્જ જોવા મળે તો બિઝનેસ સમિટમાં સંપૂર્ણપણે પશ્ર્ચિમી પહેરવેશ અપ્નાવી લે. `આમ' આદમી મોદી હવે રોયલ મોદી લાગે છે. તેમના ફોટોગ્રાફીના શોખથી કોઈ અજાણ નથી. લેટેસ્ટ ડિજિટલ કેમેરા પર તેઓ હાથ અજમાવી ચૂક્યા છે. કચ્છ રણોત્સવ વખતે પણ તેમણે ફોટોગ્રાફી કરી હતી.
મોદીની દિનચર્યા પણ જાણવા જેવી છે. મોદી વર્કોહોલિક છે, રાત્રે ગમે તેટલું મોડું થાય પણ રોજ સવારે 5 વાગે ઉઠી જવાનું. સવારે દિનચર્યા પતાવી યોગ, પ્રાણાયામ મેડિટેશન કરવાનું. ત્યારબાદ ન્યૂઝપેપર વાંચી તેઓ લેપટોપ પર ફેસબુક, ટ્વીટર તેમજ પોતાની સહિત અન્ય વેબસાઈટ સર્ફ કરે છે. તે કહે છે કામનો મને ક્યારેય થાક નથી લાગતો બલ્કે કામ પૂરું થયા બાદ આનંદ અને સંતોષ મળે છે. તે ફિલ્મો ઓછી જુએ છે છતાં ઓફબીટ ફિલ્મો તેમને ગમે છે જેને જોઈને વિચારપ્રક્રિયાનો આરંભ થાય. તેમના જીવન પર સ્વામી વિવેકાનંદનો મોટો પ્રભાવ છે. આધ્યાત્મિક ક્ષેત્રે પણ રસ ધરાવે છે. હિમાલય તેમનું મનગમતું સ્થળ છે જ્યાં શાંતિ અને પ્રકૃતિની ગોદમાં આત્મચિંતન કરી શકાય છે. મનની શુધ્ધિ માટે પ્રાર્થના જરૂરી છે એવું તેઓ માને છે અને તેથી જ પ્રાર્થનાને ખાસ મહત્ત્વ આપે છે. રોજ સવારે ઓમકારનું સ્મરણ કરે છે. કવિતા લખવાના શોખીન નરેન્દ્ર મોદીનો `આંખ આ ધન્ય છે' નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યો છે. તો પર્યાવરણ જેવા વિષય પર પણ તેમણે `કન્વીનીઅન્ટ એક્શન : પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારો અંગે ગુજરાતનો જવાબ' નામનું પુસ્તક પણ લખ્યું છે.
This Cover Story is published in Feelings, a leading gujarati magazine in
ReplyDelete15th January 2013 Issue
Wonderful article ! In fact I visited your blog first time ! You have truly said that You can love Narendra bhai or hate Him but you can not ignore him.
DeleteThanks for wonderful article
Thx Bakulbhai for liking my article
DeleteVJ
Very Nice Article..!! Really Awesome..! As per Bakul I am also visiting your Blog for the first time and really Impressed.We wish that Mr. Modi should be the next PM..!! But who will be the next personality after Modiji in GUJARAT....Lets hope for better...!!!
ReplyDeleteMAHESH PARIKH
Thx Maheshbhai for appreciation.
ReplyDelete1st time on your Blog.
ReplyDeleteNice !
The Link to your Blog via VIJAY SHAH of Houston,Texas.
Welcome to Gujarati WebJagat !
Nice Post on Narendra Modi..He had done GREAT for Gujarat & if the JANTA gives him the chance to be the PM of India he can do GREAT for INDIA too.
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Inviting you to my Blog Chandrapukar