Tuesday, November 24, 2009

જવાની છે દીવાની,જવાની છે દીવાની, પ્રેમની દીવાની

મદમાતું યૌવન ને અધકચરા શમણાં
પ્રણયના પુષ્પો ખીલશે જાણે હમણાં
ન લાગે ભૂખ કે ન માગે પાણી....
જવાની છે દીવાની, પ્રેમની દીવાની

પ્રેમના રંગે રંગાઈ હું વાલમા,
આંખ ખુલી તો પ્રીતમની બાથમાં,
વણ વરસાદે ય હું કેવી ભીંજાણી
જવાની છે દીવાની, પ્રેમની દીવાની

માને ના આ દિલ કોઈ વાતે
મળવું છે તને પૂનમની રાતે
ઘડીમાં મનાવું ઘડીમાં રીસાણી
જવાની છે દીવાની, પ્રેમની દીવાની

- વિજય રોહિત,
મો - 990 950 2536

અસરઆવવાની તુજ આવી ગઈ ખબર
ગામ આખામાં છવાઈ છે અસર

બાગ ના આવો કદી યે મ્હેકતો
કોણ કહે છે કે ફૂલો છે બેખબર

સૌ સજે છે વાન તારા જ થકી
કોઈએ રાખી ન સ્હેજે કઈ કસર

એ જ ઘર ચોરો ફળીયું તો હતુ
તોય લાગે શુષ્ક એ તારા વગર

પ્રેમ તો કર્યો હતો મેં પણ તને
તોય પણ ના થઈ તને એની કદર

- વિજય રોહિત,
મો - 990 950 2536

Friday, November 6, 2009

જો પૂનમને ચાંદ કહું તો..


જો પૂનમને ચાંદ કહું તો,
તને શું કહું ?

નજર ના હટે આ ફૂલ સા ચહેરાથી,
બસ જોઉં તને તો જોતો જ રહું
જો ફૂલને ગુલાબ કહું તો,
તને શું કહું ?

કેવો મધુર ટહુકો છે તારો ?
સાંભળું તને તો સાંભળ્યા જ કરું
જો ટહુકાને કોયલ કહું તો,
તને શું કહું ?

ના થાય સરખામણી તારા રૂપ્ની
તારા મદમાતા યૌવનને પીયા કરું,
જો રૂપ્ને રાધા કહું તો,
તને શું કહું ?

- વિજય રોહિત,
મો - 990 950 2536

Thursday, November 5, 2009

દિલની વાતદિલની વાત કેવી ન્યારી,
પ્રેમમાં પડોને લાગે દુનિયા સારી

દિવસે રાત ને રાતે સપ્નાં
સપ્નામાં પ્રીતમનો પ્યાર
હું તો ઊંઘમાય પ્રીતમ પર વારી
દિલની વાત કેવી ન્યારી,

કજરારે નેનથી થયા ઘાયલ,
ભૂલી સાનભાન બન્યા પાગલ
તમારી હર એક અદા લાગે પ્યારી
દિલની વાત કેવી ન્યારી,

કહેવું છે તોય કહેવાતું નથી,
મળું છું તો'યે ધરાતું નથી,
આ દિલ પણ કેવું છે અનાડી
દિલની વાત કેવી ન્યારી,

- વિજય રોહિત,
મો - 990 950 2536

...ગમી ગઈ
પહેલી નજરમાં ગમી ગઈ,
વાતમાં વાત બની ગઈ

ન હતું ચેન, ન હતો કરાર
શું હતો તારા નયનનો જાદુ
કે આ દિલમાં ઘર કરી ગઈ
પહેલી નજરમાં ગમી ગઈ,

કેવી હતી મળવાની આતુરતા,
જાણે પાનખરને વસંતના ઓરતા
પૂછ્યું મળવાનું ને તું હસી ગઈ
પહેલી નજરમાં ગમી ગઈ,

કુંજગલીમાં કલરવ તારા નામનો
જાણે કોયલનો ટહુકો મારા નામનો
તારા આવવાની વાત બધે વહી ગઈ
પહેલી નજરમાં ગમી ગઈ,

તને મળવું મારું સપ્નું હતું,
હૃદયમાં પ્રેમનું આખું ઝરણું હતું,
તને મળ્યોને ઈચ્છા શમી ગઈ
પહેલી નજરમાં ગમી ગઈ,

- વિજય રોહિત,
મો - 990 950 2536

Tuesday, November 3, 2009

ફીલિંગ્સ દીપોત્સવી વિશેષાંક - ગુજરાતી ગીત-સંગીતનો જલસો, માણવાનું ચૂકતા નહીંફીલિંગ્સ એ છેલ્લા અગિયાર વર્ષોથી વડોદરાથી પ્રકાશિત થતું એકમાત્ર ગુજરાતી મેગેઝિન છે. વિશ્ર્વભરના અગિયાર લાખથી વધુ વાચકો સુધી પહોંચી એક સંપૂર્ણ પારિવારિક સામયિક તરીકે જાણીતું બની ચૂકેલ `ફીલિંગ્સ' મીડિયા ક્ષેત્રે પણ આજે મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જે આપ્ને વિદિત હશે જ. દિવાળી પર્વ પર મેગા વિશેષાંક બહાર પાડવાની પરંપરાને અનુસરતાં `ફીલિંગ્સ' સામયિકે આ વર્ષે તેના સુજ્ઞ વાચકો માટે દીપોત્સવી અંક તરીકે ગુજરાતી ગીત-સંગીત પર આધારિત મધુર `સંગીત વિશેષાંક' રજૂ કરેલ છે.

જીવનના સંગીત તરફ દોરી જતો `ફીલિંગ્સ'નો આ વિશેષાંક વાચકોને જરૂર ગમશે એમાં કોઇ શંકા નથી. કારણકે જીવન એક એવું સંગીત છે કે જેમાં સૂર અને તાલ બરાબર હશે તો હંમેશાં તે મધુરું બની રેલાતું રહેશે.

આ સંગીતમય વિશેષાંકમાં ગુજરાતી સુગમ સંગીત, લોકસંગીત, ફિલ્મીસંગીત, ધાર્મિક સંગીત, ગરબા અને સંગીત જેવા વિવિધ વિષયો પર જાણીતા લેખકો દ્વારા રસપ્રદ આર્ટિકલની લ્હાણી છે તો 50થી ય વધુ જાણીતા ગુજરાતી ગીતોનો સમાવેશ કર્યો છે.

આ ઉપરાંત રઈસ મણિયાર દ્વારા જાણીતી સંગીતમય ગઝલોનો આસ્વાદ તમને સંગીતપ્રેમી બનાવી દેશે. તો ગુજરાતી ગીત-સંગીતને જેણે એક નવી ઊંચાઈ બક્ષી છે એવા ગાયકો-સંગીતકાર પુરસોત્તમ ઉપાધ્યાય, મનહર ઉધાસ, મહેશ-નરેશ, પ્રફુલ દવે, સોલી કાપડીયા, આણંદજીભાઈ, પાર્થિવ ગોહિલ, ગૌરાંગ વ્યાસ જેવા ઉત્તમ કલાકારોના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ... આ બધું જ માત્ર એક જ અંકમાં... ફીલિંગ્સના દીપોત્સવી વિશેષાંકમા...

માત્ર ને માત્ર સંગીત પીરસતો આ સુંદર વિશેષાંક સૌના માટે ખાસ કરીને સંગીતરસિયાઓ માટે એક અનોખું સંભારણું બની રહેવા સાથે આજીવન સાચવવાલાયક તેમજ સ્વજનને ગિફટ આપવાલાયક અવશ્ય બની રહેશે.


અતુલ શાહ
તંત્રી,
ફીલિંગ્સ મેગેઝિન

મો : 098253 28488

વિજય રોહિત
સંપાદક
ફીલિંગ્સ મેગેઝિન
મો : 990 950 2536

કૉફી શોપ્ની ગુફતેગુહાઈ સ્વીટહાર્ટ,

આપણી પ્રથમ ઓફિશિયલ ડેટ્સ એટલે કૉફી શોપ્ની ગરમાગરમ ગુફતેગુ. જ્યારથી તને મળવાનું નક્કી કર્યું કે મારા રોમે રોમમાં એક ગજબની લ્હેરખી દોડી ગઈ હતી. આવતીકાલે મળવાનું હતું પણ એ આવતીકાલ આવતા વર્ષ જેવી લાગતી હતી. ખબર નહીં પણ કેમ આવુ થયું પણ તારા વિચારમાત્રથી જ હું રોમાંચિત થઈ ઉઠતો ત્યારે આ તો પ્રત્યક્ષ રૂબરૂ મળવાનું હતું, તારી સાથે કોફી પીવાની હતી. અંગત વાતોને પ્રથમવાર શેર કરવાની હતી. એટલે ઉત્સાહ તો એવો હતો કે ક્યારે બીજો દિવસ ઊગે અને તને બધું એક જ પળમાં કહી નાખું. આતુરતા એટલી હતી કે આખી રાત ઊંઘ જ ના આવી. આતુરતા અને વ્યાકૂળતાની પરાકાષ્ઠામાં મનનું પતંગીયુ એટલું ઝડપથી ઊડાઊડ કરતું હતું કો તેને પકડવું મુશ્કેલ હતું. એટલે બીજા વિચારોમાં મન પરોવ્યું કે કાલેહું શું પહેરીશ તો તુ ઈમ્પ્રેસ થઈ જાય...!

હમણાં જ દિવાળી પર લીધેલ નવું કિલરનું ડાર્ક બ્લૂ સ્કીન ટાઈટ જિન્સ સાથે બ્લેક નેકલેસ ટી-શર્ટનો ટ્રાયલ લઈ જોયો કે કાલે તને ગમશે કે નહીં. મારા ફેવરીટ ડિઓડરન્ટની માદકતાને પણ ચેક કરી તારા જ વિચાર કરતો સૂઈ ગયો. સવારે આંખ ઊઘડી ત્યારે આઠના ટકોરા વાગી ગયા હતા. શહેરમાં તો હવે ઓરિજિનલ મૂર્ગાની જગ્યાએ મોબાઈલ બાંગ પુકારતા હોય તેમ સૌને ઉઠાડે છે. જોકે તને મળવાનો વિચાર આવતા જ બધુ મૂકીને ફટાફટ ન્હાઈ-ધોઈને તૈયાર થઈ ગયો. ડિઓડરન્ટની ખુશ્બુથી આખું ઘર મઘમઘાટ થઈ રહ્યું હતું. 10 વાગે તને નાઈસ ટાઈમ કોફી શોપ પર મળવાનું હતું. સમય નજીક આવતો જતો હતો એમ ધબકારાની ગતિ વધતી જતી હતી. તને મળીશ તો શું કહીશ એ બધું પણ મનના એક ખૂણામાં ચાલી રહ્યું હતું. આ વિચારોમાં ક્યારે હું ઘરની બહાર નીકળ્યો એ પણ ખબર ના રહી. જોકે રસ્તામાં ફ્લાવર શૉપ જોઈ કે તરત જ તારા માટે રેડ રોઝ લીધું, આપણી પ્રથમ મુલાકાતમાં તને પ્રેઝન્ટ કરવા. દસ મિનિટમાં જ કૉફીશોપ પર પહોચી ગયો. તું બહાર જ ઊભી મારા માટે વેઈટ કરતી હતી.

આજના મોર્ડન યુગમાં પણ આધુનિક શોર્ટસ કે જિન્સની જગ્યાએ મોરપીંચ્છ કલરમાં, પહેલી નજરમાં જ ગમી જાય એવી એમ્બ્રોઈડરી સાથેના કૂર્તા-પાયજામા અને વ્હાઈટ ઓઢણીમાં તારી નજાકત, તારુ સ્મિત કોઈને પણ ઘાયલ કરી દે એવું હતું.


પહેલી નજરમેં કૈસા જાદુ કર દિયા..
તેરા બન બૈઠા હૈ મેરા જિયા...


હાઈ-હેલોની ફોર્માલિટી સાથે બંનેની આંખમાં જે મળવાનો ઉત્સાહ અને ઉમંગ હતો એ સ્પષ્ટ વર્તાતો હતો. એ ઉત્સાહની હેલીને હાથમાં પરોવી કોફીશૉપ્ના લાસ્ટ ટેબલ પર સામ સામે એ રીતે ગોઠવાયા કે જેથી આંખમાં આંખ પરોવીને વાત થઈ શકે. કોફીનો ઓર્ડર આપી દીધો હતો, પણ વાત કોણ અને ક્યાંથી શરુ કરે એની દ્વિધા બંનેના ચહેરા પર સ્પષ્ટ વર્તાતી હતી. આખરે તેં મૌનના દરવાજા તોડીને કોયલની જેમ ટહુકો કર્યો કે તું રોજ કોફી પીએ છે કે ચા ? ચા અને કૉફી ખરેખર આવા સમયે ખૂબ કામ લાગે. અમારી વાતની શરુઆત તો થઈ. મેં કહ્યું, આમ તો ઘરે હું ચા જ પસંદ કરું છું પણ બહાર હોઈએ ત્યારે મિત્રો સાથે અહીં કોફી પીવા આવીએ છીએ. તું ઘડીકમાં ચૂપકીથી મારી સામુ જોઈ લેતી તો ઘડીકમાં હું તારી નજર ચુરાવીને તને નિરખી લેતો પણ હૃદયના ધબકારા એટલી ગતિ પકડી ચૂક્યા હતા કે બીજી શું વાત કરવી એ કાંઈ સૂઝતું જ ન હતું. જોકે આજના મોર્ડન ટ્રેન્ડમાં તો છોકરીઓ એટલી તો ફોરવર્ડ હોય છે જ એટલે જ કદાચ તુ મારા કરતાં વધારે સાહજિક લાગતી હતી. તેં ફરી મને પૂછ્યું કે તમને શું ગમે છે ? મને લાગ્યુે હવે ચાન્સ છે આપણી બેટિંગનો. એટલે કીધું કે મને સંગીત ખૂબ જ પ્રિય છે. એ મારું જીવન કહી શકાય. ખાસ કરીને ગુજરાતી ગીતો-ગઝલો મને બહુ જ ગમે છે. મનહર ઉધાસના સ્વરમાં ગવાયેલ સૈફ પાલનપુરીની નઝમ


શાંત ઝરુખે વાટ નિરખતી રુપ્ની રાણી જોઈ હતી.
મેં એક શહજાદી જોઈ હતી,
એના હાથની મહેંદી હસતી હતી, એની આંખનું કાજ્ળ હસતું હતું,
એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઈ વિકસતું'તું.


મારી ફેવરીટ છે, વારંવાર સાંભળું છું. એને પણ મેં પૂછ્યું કે તારી ફેવરીટ ગઝલ કઈ છે ? કારણ હું જાણતો હતો કે એને પણ ગુજરાતી ગીત-ગઝલમાં મારા જેટલો જ રસ છે. કોલેજ ડેમાં એણે હરિન્દ્ર દવેનું ગીત
પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા એટલું સરસ ગાયું હતું કે તે દિવસે છવાઈ ગઈ હતી. ત્યારથી જ હું તને મનોમન પ્રેમ કરવા લાગ્યો હતો. જોકે, ધીરે ધીરે પણ જેમ ગુલાબની કળી ખીલતી જાય એમ અમે બંને હવે વધુ ખૂલી રહ્યા હતા. મોસમની નજાકત જોઈને મેં એને ગુલાબ આપ્યું. તારો સસ્મિત સૂચક રિપ્લાય ઘણું બધું કહી જતો હતો. અને વાત વાતમાં તેં અદી મિરઝાની તારી ફેવરિટ ગઝલ...


પ્રેમના પુષ્પો ભરીને રાખજો,
દિલ લીધું છે સાચવીને રાખજો...


કહીને પ્રેમના આ સંબંધને સાચવવાનો આડકતરો સંદેશો પણ આપી દીધો અને મને ગમ્યો પણ. પછી તો ગમતી ગઝલ, મનપસંદ ફૂડ, ફિલ્મસ અને ફેવરિટ આઈટ્મ્સના લિસ્ટમાં ક્યારે એકબીજાના દિલમાં પણ ફેવરિટ થઈ ગયા એની ખબર ન પડી.

પ્રતિક્ષણ તને મિસ કરતો
તારો ખાસ ફ્રેન્ડ,

વી.જે.

વાંસળી વાગે ને


વાંસળી વાગે ને દોડે રાધા,
અડધી રાતે તને શોધે ક્યાં કાના ?

ઘડીમાં ગોકુળ, ઘડીમાં મથુરા
તારા ક્યાં કદી હોય ઠેકાણા
તને આવ્યો ન લગીરે વિચાર,
એ આવે કેમના છાનામાના
વાંસળી વાગે ને દોડે રાધા...

માખણ ચોરે ને ચોરે સૌના દલડાં
મટકી ફોડીને સૌ ચાલ્યા જમના
તને આવ્યો ન લગીરે વિચાર
કે ગોપીની વાત કોણ માનવાના
વાંસળી વાગે ને દોડે રાધા...

માયા લગાડી'તી શું કરવા
જો જાવું જ હતું તારે મથુરા
તને આવ્યો ન લગીર વિચાર
કે તારા વિના રાધા કેમ જીવવાના ?
વાંસળી વાગે ને દોડે રાધા...