Tuesday, October 10, 2017

જિંદગી


"સાવ અચાનક"

દૃશ્યો મળ્યા સાવ અચાનક
આંખે ચડ્યા સાવ અચાનક
આવે નહીં ઊંઘ હવે તો
સપના મળ્યાં સાવ અચાનક
દુ:ખ તો હજી વ્હેંચી શકીએ
સુખમાં પડ્યા સાવ અચાનક
મંઝિલ ભાળી દૂર ઘણીએ
રસ્તા ફર્યા સાવ અચાનક
હૈયું ‘વિજય’ ભીનું થવાનું
પત્રો લખ્યા સાવ અચાનક
ગાગા લગા ગાલ લગાગા
- વિજય રોહિત
લખ્યા તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૭

ગઝલ : ‘બાવો’

*પ્રતીકાત્મક તસવીર
અહો વૈચિત્ર્યમ્ : બધા જ ગુરુ વજન (અક્ષરો)માં લખાયેલ આ ગઝલ
ગુરુનો મહિમા ખંડિત કરતાં પાખંડી બાવાઓને અર્પણ...
ગઝલ : ‘બાવો’
અષ્ટમ-પષ્ટમ સાચું ખોટું ભણશે બાવો
જંતર-મંતર મારી વશમાં કરશે બાવો
માયા મમતા રાખે છાની છાની પાછો
ખોટે ખોટા ત્યાગી દાવા ધરશે બાવો
જ્યાંથી ત્યાંથી ઘેટાં-બકરાં મળતાં રહેશે
જ્ઞાની-મૂરખાં ચરણે રાખી રમશે બાવો
રૂપિયા-પૈસા આથી સ્હેલાં ક્યાંથી મળશે?
મોટે-મોટાં મ્હેલો રાખી ફરશે બાવો
દુખડે-સુખડે કિરપા માટે નમતો માણસ
સાચે સાચું જાણે ત્યારે મરશે બાવો
છંદ : ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા
- વિજય રોહિત, વડોદરા
લખ્યા તા. : 30/9/2017, દશેરા
આનંદ : વિશિષ્ટ રદીફ ‘બાવો’ અને ધ્યાનાકર્ષક શબ્દ-સમૂહો ‘અષ્ટમ-પષ્ટમ, જંતર-મંતર, દુખડે-સુખડે, ખોટે-ખોટા, જ્યાંથી-ત્યાંથી, જ્ઞાની-મૂરખાં, ઘેટાં-બકરાં વગેરે દ્વારા નિષ્પન્ન થતું શાબ્દિક સૌંદર્ય ગઝલના વિષયને અનુરૂપ પરિવેશ રચે છે. તો ગાગાના સહજ લયમાં વહેતી ગઝલ પઠન કરતાં કરતાં જ કંઠસ્થ થઈ જાય એવી મધુર મૌસિકીનો આનંદ કરાવે છે.
અફસોસ : ગાગાના આવર્તનો હોવાથી મક્તાનો શૅર બનાવવો શક્ય ન બન્યો.

ગઝલ


એક અલ્લડ છોકરી


ગરબે ઘૂમવાને હાલી
એક અલ્લડ છોકરી શમણાંઓ આંજી
હૈયામાં રાખી ભીનાશ
એણે આંખ્યુંમાં આંજ્યો ઉજાસ
એના અંતરમાં રમવાના એવા છે કોડ
જેમ વૃંદાવન જામે છે રાસ
એનાં મનડાંનો ભાર થયો ખાલી
જ્યારે ચાંદલીયે ખીલી રાતરાણી
                           ...ગરબે ઘૂમવાને હાલી
એના હૈયે છે આયખાનો ઉત્સાહ
ને કમખે છે જોબનનો ભાર
સજી મઘમઘતો મોગરો ને ઝગમગતો હાર
એણે અપ્સરા સમ સર્જ્યો શૃંગાર
એના ગરબામાં થાય નૃત્યની લ્હાણી
પછી નજર્યુંના બાણ એ તો ખમતી ચાલી
                                ...ગરબે ઘૂમવાને હાલી
© વિજય રોહિત, 27/09/2017
નવરાત્રિ, ૨૦૧૭

વડોદરા


સૌથી પ્યારું, સૌથી ન્યારું...
શહેરોમાં શહેર છે વડોદરા મારું

સૂરસાગર મધ્યે શિવજી બિરાજે
નવનાથ છે શહેરની રક્ષા કાજે
નાનું પણ છે કલાના નવરસવાળું
                                             ......વડોદરા મારું

ભાખરવડીને ચેવડો અહીંના વખણાય
સેવઉસળ ને વડાપાંઉ તો ટેસથી સૌ ખાય
મોજમસ્તી ને માણે છે જીવતરનું ભાણું
                                                  ......વડોદરા મારું
ગીત-સંગીતની મહેફિલો એ કાયમ માણે
કલા ને ઉત્સવો તો દિલથી મનાવે
ગરબા-ઉતરાણ તો ‘વિજય’ સૌના પ્રાણવાયુ
                                                  ......વડોદરા મારું
© વિજય રોહિત,
વડોદરા, તા. ૨૪/૯/૨૦૧૭, રવિવાર

ઉદાસી

મને ચાખવી છે ઉદાસી
વિરહ, આંસુ, દિલને તપાસી
સલાહો ઘણી દોડી આવી
અજાણ્યા નગરમાં જવાથી
થશે રોજ વાતો તમારી
કદી સારી, ક્યારે નકામી
થયો બાગ ગુસ્સાથી રાતો
ફરે કોણ અત્તર લગાવી
કરો જો શ્રવણ જેમ સેવા
અહીં છે મથુરા ને કાશી
વિચારો હતા પણ સમય કયાં
ગઝલ આમ રસ્તે લખાવી
‘વિજય’ ક્યાંય જોયો નથી મેં
ખબર સ્વપ્નમાં મોકલાવી
લગાગા લગાગા લગાગા
- વિજય રોહિત (21/09/2017)

दिल की बातेकैसे कहुं दिल की बाते,
मोहब्बत है तुमसे जताए कहांसे ?

देखकर कुछ भी कह नहीं पाता हुं मैं
अक्सर अकेलेमें गुनगुनाता हुं मैं
जाने को जी चाहता है
                   गुजरते हो तुम जहांसे वहांसे...
                           कैसे कहुं दिल की बाते...

ख्वाबो में आकर युं ना सतावो
कभी सामने से मिलने भी आओ
तुमको मिलाने ये मौसम भी
                   देखो सजने, संवरने लगा हे
                   कैसे कहुं दिल की बाते...

- विजय रोहित (17//9/2017)

પ્રેમ


પ્રેમમાં એવું તે શું થાય છે
ખળખળ વહેતું ઝરણું સમંદર બની જાય છે

પંખીએ વૃક્ષને એકાંતમાં પૂછ્યું
વસંતમાં તને કાંઈ ફેર-બેર પડે ?
પુષ્પો ને લહેરાતી વનરાજી જોઈને
ડાળીઓ કેટલા ટહુકા ભરે ?
વૃક્ષ તારા મૂળમાં ખળભળ મચી જાય છે ?
પ્રેમમાં એવું તે શું થાય છે...

વાદળાએ વહેતી નદીને પૂછ્યું
પ્રેમનો વરસાદ તને કેટલો સ્પર્શે
કંદરાઓ કૂદતા, ઉછળતા જળમાં
પ્રેમનો પથ્થર કેટલા વલયો સર્જે
નદી તુ દોડીને કેમ સમંદર ભણી જાય છે ?
પ્રેમમાં એવું તે શું થાય છે...

- વિજય રોહિત
ફીલિંગ્સના પ્રેમ વિશેષાંકમાં 
વેલેન્ટાઈન ડે નિમિત્તે પ્રસિધ્ધ થયેલ મારું એક ગીત

Friday, October 6, 2017

દિલવાત કરશું આજ દિલ ખોલીને
હોઠ ચુપ હો, આંખ બસ બોલી દે

પ્રેમના ઝરણે વહી તો જુઓ
રાખશો દિલ કેટલું રોકીને

આ સુરજનો દાખલો લઈ શકો
ક્યાંય તડકો સાંભળ્યો તોલીને

આયનો આજે પુછે છે મને
સત્ય શું બદલાઈ ગયું ફોડીને

દિલ હવે ક્યાં મારી પાસે રહ્યું
છે શક્ય એ રાઝ પણ ખોલી દે

લાગણીનો ધોધ વ્હેતો હશે
આમ થોડું ખાસ એ બોલી દે

એમની ઈચ્છાનો છે આ ‘વિજય’
સાત ભવ માંગી શકે બોલીને

- વિજય રોહિત