Tuesday, June 5, 2012

`પ્રિય પત્ની' : એક નોખું પુસ્તક અને એથીય વધારે અનોખો વિમોચન કાર્યક્રમ...!




ગઈકાલે લગભગ એક વર્ષે અમદાવાદની અણધારી મુલાકાતે આવવાનું બની ગયું. લેખક પ્રદીપ ત્રિવેદી દ્વારા સંપાદિત અને સાહિત્ય સંગમ (સુરત) દ્વારા પ્રકાશિત પુસ્તક `પ્રિય પત્ની'નો ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે વિમોચનનો કાર્યક્રમ હતો. પ્રદીપભાઈ સાથે ઘણા સારા સંબંધ અને દિલથી નાતો છે એટલે એમનો પ્રેમપૂર્વક આગ્રહ હતો કે હું આ કાર્યક્રમમાં હાજર રહું. સામાન્યપણે પુસ્તક વિમોચનના કાર્યક્રમ નિયમિતપણે થતાં જ હોય છે એમાં કોઈ નવીન વાત નથી છતાં હું અહીંયા બે કારણથી શેર કરું છું, એક તો પુસ્તકનો સબ્જેક્ટ અને બીજું પુસ્તક વિમોચન કાર્યક્રમમાં નવો પ્રયોગ.

આપણે ત્યાં પુસ્તકશ્રેણીમાં ડીયર ફાધર, મધર, દીકરી વ્હાલનો દરિયો આ બધા વિશે ઘણું લખાયું છે, ઘણા પુસ્તકો બન્યાં છે પણ પત્ની વિશે....? જ્વલ્લે જ કોઈ પુસ્તક હશે. પ્રદીપભાઈએ આ હટ કે કહી શકાય એવા સબ્જેક્ટ પર ઘણી મહેનત કરી છે. એનું એક કારણ એ પણ છે કે આપણા સમાજમાં દામ્પત્ય જીવનની વાતોનું સ્થાન અંગત ગણાય છે એટલે મોટાભાગે જાહેરમાં શેર કરવાની ઓછી હિંમત કરે. તેમ છતાં ગુજરાતના કેટલાક ખ્યાતનામ મહાનુભાવોએ (પ્રિસાઈસલી 77 )ખરેખર હિંમત કરી છે, એટલુંજ નહીં પણ તેમની સફળતામાં પત્નીનો રોલ કેટલો મહત્વપૂર્ણ હતો એનો એકરાર પણ કર્યો છે જે બહુ મોટી વાત છે. કે. લાલ જાદુગરથી માંડી કવિ ઉશનસ્ અને કાન્તિ ભટ્ટથી લઈ ઝવેરીલાલ મહેતા જેવા દિગ્ગજોએ તેમના દામ્પત્ય જીવનની મધુર પળોને આ પુસ્તકમાં શેર કરી છે. કહેવત છે કે વાસણ છે તો ખખડે પણ ખરું એમ દરેકના જીવનમાં ખટ્ટા-મીઠા પ્રસંગો તો બનતાં જ હોય છે. અહીં આ પુસ્તકમાં આવા ઘણાં મહાનુભાવોના ખટમીઠા પ્રસંગોનો ખજાનો છે. એ દ્ષ્ટિએ પણ આ પુસ્તક વાંચી, વંચાવવા અને વસાવવા યોગ્ય છે.

હવે વાત કરું પુસ્તક વિમોચનના નવા પ્રયોગની. અહીં સાત સન્નારીઓએ પુસ્તક વિમોચન કર્યું હતું કે જેમના વિશે તેમના પતિદેવોએ આ પુસ્તકમાં લેખ લખ્યા છે. સામાન્યપણે સુંદર ચમકતા રેપરમાં લપેટાયેલ પુસ્તકને ખોલીને વિમોચન થતું હોય છે પણ અહીં પ્રદીપભાઈએ પુસ્તકને રૅપરની જગ્યાએ મોગરાની વેણીથી રેપરની જેમ સજાવીને મૂક્યું હતું. મોગરાની ખુશ્બૂથી સજ્જ આ પુસ્તકનું સાતે સન્નારીઓએ વેણી ખોલીને વિમોચન કર્યું હતું...! આ ઉપરાંત કાર્યક્રમના અંતે ત્યાં ઉપસ્થિત તમામ પતિદેવોને તેમની પોત-પોતાની પત્નીઓના હસ્તે મોગરાનો છોડ ભેટમાં આપવામાં આવ્યો હતો જેથી તેમના જીવનમાં મોગરાની ખુશ્બૂની જેમ દામ્પત્ય જીવનની મહેંક પ્રસરતી રહે. ક્યા બાત હૈ...!

(મારા ખ્યાલથી દરેક પતિઓએ આ કરવા જેવો એક પ્રયોગ છે જેમાં તેમની પત્ની વિશું શું વિચારે છે એના પર એક લેખ લખી પત્નીને જ ગીફ્ટ આપવાનો. પુસ્તકમાં પ્રકાશિત થાય કે ના થાય એ બીજી વાત છે પણ પત્ની ખુશ થશે એની 100% ગેરન્ટી)

Write : 5/6/12
Posted : 6/612