Thursday, August 9, 2012

આ ગુજરાતીએ ઓલિમ્પિક એવોર્ડ જીત્યો છે,
તમે જાણો છો ?
   

જી હાં....હાલમાં લંડનમાં ચાલી રહેલ ઓલિમ્પિક હવે તેના આખરી પડાવમાં છે. ભારતે આ વખતે તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં સૌથી વધુ મેડલ આ વખતે જીત્યા છે, હજી આગામી દિવસોમાં વધુ મેડલ જીતે તેવી આશા છે. પણ શું તમે જાણો છો કે કોઈ ગુજરાતીએ ઓલિમ્પિક મેડલ જીત્યો હોય... નહીં ને.. તો ચાલો મળીએ એવા એક ગુજરાતી ચેમ્પિયન ખેલાડીને જેણે બીજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2009માં આ ખેલાડીનો મેં ફીલિંગ્સ મેગેઝિન માટે એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યૂ લીધો હતો. આ ચેમ્પિયન ખેલાડીના ફોટોગ્રાફ, તેની ઓલિમ્પિક સુધીની સફર અને પ્રેરણાદાયક ઈન્ટરવ્યૂ આ સાથે શેર કરું છું.
 ----------------------------------


``દાદા, આ ઓલિમ્પિક એવોર્ડ 
તમને અપર્ણ...''

રાજ ભાવસાર





નામ : રાજ ભાવસાર
જન્મ સ્થળ : હયુસ્ટન, ટેકસાસ
ઉંમર : ર8 વર્ષ
સિદ્ધિ : ર008 બીજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા
મૂળ : ભારતીય - ગુજરાતી પરિવાર
વતન : વડોદરા
રાષ્ટ્રીયતા : અમેરિકન

    સામાન્ય રીતે ગુજરાતીઓની એવી ઈમેજ છે કે તેઓ સરસ રીતે વેપાર કરી શકે, અઢળક રૂપિયા કમાઇ શકે પણ સ્પોર્ટસમાં કે શારીરિક શ્રમને લગતી ક્રિયામાં તેમનું કામ નહીં.  જોકે થોડા વર્ષોમાં ગુજરાતીઓ સ્પોર્ટસ અને મિલેટ્રી જેવા ક્ષેત્રમાં પણ ભાગ લેતા થયા હોવાથી આ માન્યતાનું અંશત : ખંડન થઇ રહ્યું છે. સારી વાત એ છે કે વધુને વધુ ગુજરાતી યુવાનો હવે આગળ આવી રહ્યા છે. આપણા દેશમાં વસતા ગુજરાતીઓ જ નહીં પણ વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ મહત્ત્વના ક્ષેત્રોમાં સારું કાઠું કાઢી રહ્યા છે. આવો જ એક ફાંકડો ગુજરાતી અમેરિકન યુવાન છે રાજ ભાવસાર, જેણે બીજિંગ ઓલિમ્પિકમાં જિમ્નેસ્ટિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાતીઓનું ગૌરવ વધાર્યુ છે.

    આપ સૌને યાદ અપાવી દઉં કે ઓલિમ્પિકમાં કોઇ ગુજરાતીએ મેડલ મેળવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ પૂર્વે મોહિની ભારદ્વાજ અને એલેક્સી ગરેવાલ એ બે  ભારતીય-અમેરિકનોએ અમેરિકા તરફથી રમતા આ ઓલિમ્પિક એવોર્ડ જીતી ચૂકયા છે. આપણા દેશની 100 કરોડ ઉપરાંતની વસતીમાંથી માંડ બે ત્રણ મેડલ જીતી શકાતા હોય ત્યારે આ એવોર્ડ જીતવો એ કેટલી અઘરી બાબત છે એ કલ્પી શકાય છે.
   
રાજનું મૂળ વતન વડોદરા હોવાથી તે ઓલિમ્પિકમાં વિજેતા બન્યા બાદ દાદા-દાદી અને પરિવારને ખાસ મળવા માટે માતા સુરેખાબેન સાથે વડોદરા આવ્યો હતો. ફીલિંગ્સ સાથે એક્સક્લૂઝિવ વાતચીતમાં તેની માતા સુરેખાબેને રાજની સફળતાની ડાયરી ખોલતાં જણાવ્યું કે, ``તેને નાનપણથી જ રમતગમત ક્ષેત્રમાં રસ હતો. 4 વર્ષનો હતો ત્યારથી જ જિમ્નેસ્ટિક - લોન ટેનિસની પ્રેક્ટિસ કરતો થઇ ગયો હતો. 6ઠ્ઠા ધોરણ સુધીમાં તો તે બંને ગેમમાં એક્સપર્ટ થઇ ગયો હતો. એટલે અમારે તેને કહેવું પડ્યું કે જો તારે આગળ વધવું હોય તો જિમ્નેસ્ટિક કે ટેનિસ એ બે ફિલ્ડમાંથી એક ક્ષેત્ર પસંદ કરવું પડશે, અને તેણે જિમ્નેસ્ટિક પસંદ કર્યું.''
   
શરૂઆતના એ દિવસો યાદ કરતાં સુરેખાબેન કહે છે, ``જિમ્નેસ્ટિક પ્રત્યે એને ખાસ્સો લગાવ હોવાથી તે ખૂબ મહેનત કરતો, નિયમિત જિમમાં જવું, પ્રેક્ટિસ કરવી, એ તેનું ડેઇલી રૂટિન હતું. પાર્ટીઓ, સામાજિક પ્રસંગો જેવા ઘણા પ્રસંગોમાં જવાનું છોડી એ ફક્ત  પ્રેક્ટિસ પર ધ્યાન આપતો. આગળ આવવા માટે તેણે ઘણું બલિદાન આપ્યું છે.''



રાજની જિમ્નેસ્ટિક પ્રત્યેની લગન અને મહેનત રંગ લાવતી ગઇ અને ઓહિયો સ્ટેટ યુનિ. તરફથી કોચ માઇલ્સ એવરેના માર્ગદર્શન અને તેની કપ્તાની હેઠળ ગઈઅઅ અકક - અછઘઞગઉ પ્રતિયોગીતા જીતી. બસ, ત્યારબાદ રાજે પાછું વળીને જોયું નથી. ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે તૈયાર થવા માટે રાજે હ્યુસ્ટન જિમ્નેસ્ટીક એકેડમીમાં કોચ કેવિન મઝૈકા પાસેથી પ્રશિક્ષણ લેવાનું ચાલુ કર્યું. જોકે એ પહેલાં 1999માં પણ અમેરિકન ગેમ્સમાં જિમ્નેસ્ટિકની ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. વર્ષ ર00ર અને ર003માં વર્લ્ડ આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિકસ ચેમ્પિયનશિપમાં બંને વાર સિલ્વર મેડલ જીતી તેણે સૌનુ ધ્યાન ખેંચ્યું. આ ઉપરાંત તે 14-1પ્ની વય માટેના જુનિયર ઓલિમ્પિકમાં પણ ચેમ્પિયન બન્યો હતો.

    ર004 એથેન્સ ઓલિમ્પિક વખતે તેને વિશ્ર્વાસ હતો કે તે અમેરિકન જિમ્નેસ્ટિક ટીમ માટે પસંદ થશે જ. તેનું પરફોર્મન્સ પણ એટલું શાનદાર હતું. ર004માં સ્ટીલ રિંગ્સ સ્પર્ધામાં તે પ્રથમ રહ્યો અને નેશનલ ચેમ્પિયનશિપમાં તે ચોથો રહ્યો હતો તેમ છતાં ર004 ઓલિમ્પિક માટે તેની અવગણના કરવામાં આવી હતી. અમેરિકન ટીમ માટે દાવેદાર હોવા છતાં તેની પસંદગી ન થતાં તે હતાશ થયો હતો અને એક સમયે નિરાશામાં આ ફિલ્ડ જ છોડી દેવાનું વિચાર્યું હતું. જોકે આ સમયે જેક કેનફીલ્ડની `ધ સક્સેસ પ્રિન્સિપલ' બુક અને અમેરિકામાં પ્રખ્યાત વિક્રમ યોગા દ્વારા માનસિક શારીરિક ક્ષમતા કેળવી અને સફળતા મેળવવા સજ્જ થયો. ર008 બીજિંગ ઓલિમ્પિક વખતે પણ રાજ ઓલિમ્પિક ટ્રાયલ અને વિઝા ચેમ્પિયનશિપમાં ત્રીજો રહ્યો હતો. તેમ છતાં તેની ગણતરી 6 જણની ટીમમાં ઓલ્ટરનેટ તરીકે રાખવામાં આવી હતી. જોકે છેલ્લે રાજના નસીબે જોર કર્યુ કે એથ્લીટ ર્પાલ હામ ઇન્જર્ડ થતાં રાજ ભાવસારની 6 સભ્યોની ટીમમાં પસંદગી થઇ. ત્યારબાદનો ઈતિહાસ તો જાણીતો છે.

રાજ ભાવસારે શાનદાર પ્રદર્શન કરી અમેરિકન ટીમને બ્રોન્ઝ મેડલ અપાવ્યો. જિમ્નેસ્ટિક ક્ષેત્રમાં એક ગુજરાતી યુવાન આવી સિદ્ધિ મેળવે ત્યારે કયા ગુજરાતીની છાતી હરખથી ન પોરસાય. ઓલિમ્પિકના ઈતિહાસમાં એવોર્ડ જીતનાર આ પ્રથમ ગુજરાતી યુવક વડોદરાનો છે અને વડોદરામાં રહેતા તેના દાદા ભાનુભાઇ અને દાદી સરલાબેનને જયારે આ એવોર્ડ અર્પણ કર્યો ત્યારે ભાવવિભોર થઇ જતાં દાદા, દાદી, કાકા શરદભાઇ, કાકી અને તેમના અંગત પરિવાર મિત્ર અજિતભાઇ સહિત ઉપસ્થિત સૌ વ્યકિતએ તેની સંસ્કારિતાની સોડમ માણી હતી. તેણે જાતે દાદાને આ એવોર્ડ પહેરાવી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજના પરિવારમાં તેના દાદા ભાનુભાઇ અને દાદી અહીં રહે છે જેમને સંતાનમાં શરદભાઇ અને જ્યોતિન્દ્રભાઇ છે. જેમાંથી જ્યોતિન્દ્ર ભાવસાર અમેરિકામાં સ્થાયી થયા છે. જ્યોતિન્દ્રભાઇને બે સંતાન સૂચિત ભાવસાર અને રાજ ભાવસાર કે જેણે ગુજરાતનું નામ રોશન કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ ભાવસારનું વડોદરામાં ભાવસાર સમાજ દ્વારા આ વિશિષ્ટ ઉપલબ્ધિ બદલ મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. રાજે ફીલિંગ્સ સાથે પોતાના અનુભવની વાત કરતાં કહ્યું કે, ``જિમ્નેસ્ટિક એ સખત પરિશ્રમ માગતી પ્રવૃત્તિ છે, તે રમત નથી પણ શરીરને કેળવવાનો વ્યાયામ છે. આ રમતમાં તમારી શારીરિક ક્ષમતા, માનસિક ક્ષમતા, સજ્જતા, તત્પરતા, ચપળતાની કસોટી થતી હોય છે.''


 એવું નથી કે રાજ રમવામાં જ અવ્વલ છે, ભણવામાં પણ તે હંમેશાં અગ્રેસર રહ્યો છે એમ તેના મમ્મી સુરેખાબેન વાતચીતનો દોર આગળ ધપાવતાં કહે છે, ``રાજે ઓહિયો સ્ટેટ યુનિ. તરફથી ર004માં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને માર્કેટિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે એક મોટિવેશન વક્તા પણ છે અને યુવાનોને પ્રોત્સાહિત કરવા વ્યાખ્યાન પણ આપે છે. જિમ્નેસ્ટિકને લોકપ્રિય કરવા તે પ્રોફેશનલ શો પણ કરે છે.''

    હાલમાં મોસ્કો ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ જિમ્નેસ્ટિકસ ફેડરેશન વર્લ્ડ કપ્ની સ્ટીલ રિંગ ઇવેન્ટમાં રાજ ચોથા ક્રમે રહ્યો હતો જ્યારે પેરેલલ બારની સ્પર્ધામાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. રાજ જિમ્નેસ્ટિકની રમતને ભારતમાં લોકપ્રિય બનાવવા માગે છે. તે કહે છે, ``જો ભારતમાં ક્રિકેટના માધ્યમનો આધાર લેવાય તો ઘણા યુવાનો આ ક્ષેત્રમાં આવી શકે છે ભારતીય યુવાધનમાં ઘણું પોટેન્શિયલ છે. જો આ ક્ષેત્રમાં તેઓને વધુ પ્રોત્સાહન અપાય તો તેઓ પણ ભારતને એવોર્ડ અપાવી શકે તેમ છે.''

Interviewed & Written by : Vijay Rohit
Published in Feelings Magazine on 1/7/2009
Posted on : 9/8/2012

No comments:

Post a Comment