વર્ષ 2007માં ફીલિંગ્સમાં જાંબુઘોડામાં આવેલ ઝંડ હનુમાનજીની સ્ટોરી કરી હતી. આમ તો આ પ્રદેશ આખો અભ્યારણ્ય છે. પ્રકૃતિએ છૂટા હાથે સૌંદર્ય વેર્યું છે એટલે જો નેચરમાં ફરવાનો શોખ હોય તો વરસાદી મોસમમાં ખાસ કરીને શ્રાવણ માસમાં જવાનો લ્હાવો લેવા જેવો છે. ગાઢ જંગલ વચ્ચે ઝરણાંઓ વહેતાં હોય, પક્ષીઓનો મધુર કલરવ, નાના ડુંગરો અને લીલોતરી જ લીલોતરી...ક્યાંય કોઈ દુકાન કે શોપિંગ માટે કશું જોવા ના મળે. ખરેખર તો ચાલતા જવાની મજા છે, છતાં બાઈક લઈને પણ જઈ શકાય છે. મારે સ્ટોરી કરવાની અને ફોટા પણ પાડવાની હોવાથી હું લગભગ 11 કિમી અંદર ચાલીને ગયો હતો. જોકે, એ આનંદ અદ્ભુત હતો. આ સ્થળ વડોદરાથી નજીક હોવાથી અહીં યુવાવર્ગ હવે વધુ પ્રમાણમાં જાય છે. પાવાગઢ અને જાંબુઘોડાના આ અભ્યારણ્યની મુલાકાત લેવા જેવી છે. આ સાથે અહીં એ સ્ટોરી પણ શેર કરું છું જેથી આપ સૌને આ ઓછા જાણીતા સ્થળ વિશે સારી એવી માહિતી મળી શકે...
પ્રકૃતિના સાનિધ્યમાં બિરાજેલ
`ઝંડ હનુમાન'
પૌરાણિક કાળમાં હેડંબાવન તરીકે ઓળખાતા અને હાલ જાંબુઘોડાના અભ્યારણ્ય તરીકે પ્રખ્યાત આ વનમાં `ઝંડ હનુમાન' ભાવિકોની આસ્થાનું પ્રતીક બની રહયાં છે
આખો દિવસ ઓફિસ, બિઝનેસ, મોબાઇલ, મીટીંગ, ટ્રાફિક અને રોજની રૂટિન દિનચર્યાથી થાકી-હારીને માણસ શાંતિ મેળવવા માટે આ બધાથી દૂર ક્યાંક જવાનું વિચારે એ સ્વાભાવિક છે પણ જાય તો કયાં જાય ? ઘબદશજ્ઞીત છે કે હિલ સ્ટેશન કે કોઇ કુદરતી સૌંદર્ય ધરાવતા અને માનસિક શાંતિ આપે તેવા સ્થળે. જો તમે આવું જ વિચારતા હોય તો ગુજરાતમાં જાંબુઘોડાનું અભ્યારણ્ય એ તમારા માટે ઉત્તમ સ્થળ છે. ઘનઘોર જંગલ, છૂટા હાથે વેરાયેલ પ્રાકૃતિક સૌંદર્ય અને સાથે સાથે `ઝંડ હનુમાનજી'ની ભક્તિનો બેવડો લાભ આપતું આ સ્થળ બજરંગબલીના ભકતો સહિત પ્રકૃતિ પ્રેમીઓ અને ખાસ કરીને યુવાવર્ગને આકર્ષી રહ્યું છે.
ગુજરાતમાં આવેલ (મહાકાળી માતાનું) પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢથી 32 કિ.મી. અને વડોદરાથી 90 કિ.મી. દૂર જાંબુઘોડાના અભ્યારણ્યમાં આવેલ `ઝંડ હનુમાન'ની એક વખતની મુલાકાત આ જગ્યાએ વારંવાર આવવા મજબૂર કરી દેશે. આ સ્થળની પ્રસિદ્ધિ જ `ઝંડ હનુમાન'ને કારણે થઇ છે. જાંબુઘોડાથી લગભગ 11 કિ.મી.નો રસ્તો કાચો-પાકો છે. `ઝંડ હનુમાન' જવા માટે આમ તો ત્રણેક રસ્તા છે. એક પાવાગઢથી જાંબુઘોડાની નજીક આવેલ ઝોબાન ગામથી પગપાળા જઇ શકાય છે. આ રસ્તો ટૂંકો છે પણ અહીં ઘણા ઊંચી ટેકરીઓને પાર કરીને જવાનું હોવાની આ રસ્તે જવાનું લોકો ટાળે છે. બીજો રસ્તો નારૂકોટ ગામની કેનાલ પર થઇને જવાય છે. છતાં સૌથી વધુ લોકપ્રિય અને સરળ રસ્તો છે જાંબુઘોડાથી બોડેલી તરફ જતો મુખ્ય માર્ગ. આ રોડ પર બહાર ઝંડ હનુમાન 11 કિ.મી.નું એક પાટીયું લગાવેલ છે જ્યાંથી ચાલતા અથવા બાઈક કે અન્ય વ્હીકલ લઈને જઈ શકાય છે.
જોકે પાંચ-સાત કિ.મી. અંદર સુધી પાકો રસ્તો છે ત્યારબાદ કાચો રસ્તો છે એટલે દરેક પ્રકારના વાહન જાય છે ખરાં પણ ખરી મજા માણવી હોય તો ચાલતાજ જવું પડે. એટલે જેવો પાકો રોડ પતે કે તરત જ બધા ગાડીઓ જંગલમાં પાર્ક કરીને ચાલતા જ હનુમાનજીના દર્શને જવા નીકળી પડે છે. છતાં જો છેક સુધી વાહન લઇને જવું હોય તો બાઇક એ સૌથી ઉત્તમ વાહન છે. વચ્ચે આવતાં ઝરણાં અને ઉબડ-ખાબડ રસ્તાઓમાંથી બાઇક આસાનીથી જતું હોવાથી અહીં મોટી સંખ્યામાં યુવાવર્ગ બાઇક લઇને જ આવે છે. અહીં બહારથી કોઇ પ્રાઇવેટ સાધન પણ નથી મળતું. એટલે પાંચ-સાત કિ.મી. તો ચાલવાની તૈયારી અચૂક રાખવી.
અહીંયા એક વખત તમે પ્રવેશો એટલે પ્રકૃતિ સાથે તમારો જીવંત સંપર્ક થઇ જાય છે. ચારેબાજુ વિશાળ પર્વતો, લીલીછમ વનરાજી, શ્રાવણ માસમાં વાદળછાયુ વરસાદી વાતાવરણ, પ્રકૃતિનો આનંદ માણી રહેલ પશુ-પક્ષીના અવાજો અને જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી હરિયાળી જ હરિયાળી, અને હા એક વાત ખાસ એ પણ છે કે, શાસ્ત્રમાં કહ્યું છે તેમ જ્યારે ભગવાનને પામવા હોય તો મોહ-માયા અને બંધનથી મુકત થવું પડે તેમ અહીંથી તમારા ભૌતિક દુનિયા સાથેના સંપર્ક પણ ટૂટી જાય છે એટલે કે અહીં મોબાઇલ ફોન પર વાત કરવા માટે ટાવર્સ નથી પકડાતા, નથી કોઇ દુકાન, ના કોઇ લારી-ગલ્લાં. જે છે તે કુદરતી વાતાવરણનો આંખોને ઠંડક આપતો અહેસાસ અને માનસિક શાંતિ આપતું ઘનઘોર જંગલનું સામ્રાજ્ય.
અહીં થોડા થોડા અંતરે તમને તળાવ, નાના-નાના ઝરણાં જોવા મળશે જેને ઓળંગીને જવાનું હોવાથી બાળકો સહિત પ્રકૃતિને માણનારાઓને તેનો આનંદ મળે છે. છેક ઝંડ હનુમાન જતાં સુધીમાં નવ વખત આવા નાના-મોટાં ઝરણાંઓ આવે છે. એટલે જો તમે ચાલતા જતાં હો તો ઝરણામાં હાથ-પગ, મ્હોં ધોઇ ફ્રેેશ થઇ ફરીથી આગળ પગપાળા યાત્રા વધારી શકો અને ચારેબાજુ ફેલાયેલ જંગલ અને પ્રકૃતિને માણતા માણતાં ક્યારે ઝંડ હનુમાન પહોંચી જઇએ તેનો તમને અંદાજ પણ નહીં આવે.
ઝંડ હનુમાનના દર્શન માટે આવેલ શ્રધ્ધાળુઓ માટે તો ક્યારે આ સ્થળે પહોંચીએ અને રામભકત હનુમાનની એ વિશાળ અને દુર્લભ પ્રતિમાના ભાવપૂર્વક દર્શન કરીએ એ જ સ્મરણમાં હોય છે. એટલે જેવા તમે અહીં પહોંચો કે તરત જ હમણાં-હમણાં થોડીક નાનકડી ઝુંપડીઓ જેવી દુકાનો અને પથ્થરોના એક ઊંચા ટેકરા પર મંદિર જેવું દેખાય એટલે સમજવાનું કે તમે ઝંડ હનુમાન પહોંચી ગયા. અહીં હનુમાનજીના દર્શને જતાં પહેલાં પ્રસાદ, નાળિયેર અને હનુમાનજીને પ્રિય સિંદુર અને તેલ આ દુકાનથી મળી રહે છે. એ લીધા બાદ મંદિરના પગથિયાંને અડીને એક ઝરણાનું પાણી પસાર થાય છે. જ્યાં હાથ-પગ ધોઇને, સ્વચ્છ થઇને હનુમાનજીના દર્શને ભાવિકો જતાં હોય છે. મહિલા અને પુરુષોએ દર્શન માટે અલગ-અલગ ગ્રીલવાળી લાઇનમાં જવાનું હોય છે.
આ નાનકડા પર્વત જેવા મંદિર ઉપર પહોંચીને ઝંડ હનુમાનજીના દર્શન કરો કે તમારો સઘળો થાક ઉતરી ગયો હોય એવી દિવ્ય અનુભૂતિનો અહેસાસ થાય છે. લગભગ 18 ફુટ ઊંચી ઝંડ હનુમાનજીની નયનરમ્ય પ્રતિમાને કેસર, તેલ અને આંકડાની માળાથી શણગારવામાં આવે ત્યારે સાક્ષાત્ હનુમાનજી હાજરાહજૂર હોય એવું લાગે. પથ્થરો અને મોટી શિલાઓ વચ્ચે સ્વયંભૂ પ્રગટ થયેલ ઝંડ હનુમાનજીની આ પ્રતિમા વિશે ઝંડ હનુમાનના ટ્રસ્ટના પૂજારીએ ફીલિંગ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ``હનુમાનજીની આ મૂર્તિ એક રીતે જોઇએ તો અતિપ્રાચીન અને દુર્લભ છે. કારણ કે એક તો પાંડવોના વનવાસ ગાળામાં તેઓ જ્યારે અહીં આવ્યા ત્યારની આ પ્રતિમા છે એવો અંદાજ છે અને બીજું કે શનિની પ્નોતીને હનુમાનજી પોતાના ડાબા પગ તળે દબાવીને ઊભા છે. આ પ્રકારની આ એકમાત્ર પ્રતિમા છે એટલા માટે ભાવિકોમાં `ઝંડ હનુમાન' પ્રત્યે અનન્ય શ્રધ્ધા અને ભક્તિભાવ છે. જે વ્યક્તિને શનિની પ્નોતી હોય એવી વ્યકિત અહીં આવી હનુમાનજીની સાચા દિલથી આરાધના કરે તો શનિની પ્નોતી પણ નુકસાન નથી કરતી અને મનોવાંછિત ફળ મળે છે.''
આ મંદિરનું વહીવટ અને વ્યવસ્થાપ્ન `શ્રી ઝંડ હનુમાન ટ્રસ્ટ' દ્વારા થઇ રહ્યું છે. `ઝંડ હનુમાન' વિશે વિસ્તૃત માહિતી આપતા નારણભાઇ કે જેઓ છેલ્લાં 25 વર્ષથી ઝંડ હનુમાનના દર્શને અને સેવા આપવા આવે છે. તેમણે ફીલિંગ્સને જણાવ્યું હતું કે, ``દંતકથા મુજબ અહીં મહાભારતમાં ઉલ્લેખ મુજબ પાંડવો 13 વર્ષીય વનવાસ દરમિયાન જંગલમાં પરિભ્રમણ કરતાં કરતાં અહીં આવ્યા હતા. પૌરાણિક સમયમાં આ વન હેડંબાવન તરીકે પ્રખ્યાત હતું. અહીં હેડંબા નામની રાક્ષસી રહેતી હતી અને આ વન છેક રાજપીપળા સુધી વિસ્તરેલું હતું જે કાળક્રમે નાશ થતું ગયું. હાલ આ જાંબુઘોડાના અભ્યારણ્ય તરીકે ઓળખાય છે.''
અહીં આ સ્થળ સાથે ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. અહીં જંગલમાં તમને ઠેક-ઠેકાણે પૌરાણિક પ્રતિમાઓ, ખંડિત મૂર્તિઓ, પુરાતન મંદિરો, જુના શિલ્પો, ખડકો, છૂટા છવાયા ચારેબાજુ જોવા મળે. જંગલમાં જ્યાં ફરો ત્યાં ઠેક-ઠેકાણે જમીન પર પથ્થરો અને શિલાઓ દટાયેલી હોવાથી એ વાત ચોક્કસ ખ્યાલ આવે કે વર્ષો પૂર્વે અહીં કોઇ નગર હતું.
આ જંગલનાં સુપરિચિત અને અમોને ખૂણે ખૂણે ફેરવનાર અને છેલ્લાં કેટલાય વર્ષોથી અહીં સેવા આપવા આવતા કાસમપુરાના દિનેશભાઇ કહે છે કે, ``અહીં ભીમની ઘંટી અને અર્જુને દ્રોપદીને પાણી પીવા માટે તીર મારીને જે જગ્યાએ પાણી ઉત્પ્ન્ન કર્યું હતું તે આજેય મોજુદ છે. ભાવિકો અને શ્રધ્ધાળુઓ માટે તો તે આજે પણ ચમત્કારથી વિશેષ છે. ઝંડ હનુમાનજીની પ્રતિમાથી થોડે દૂર જંગલમાં આગળ જાવ એટલે આ બંને જગ્યા તમને જોવા મળે. જેમાં સૌ પહેલાં અર્જુને દ્રોપદી માટે તીર મારીને પાણી ઉત્પ્ન્ન કર્યું તે જગ્યા આવે છે. ત્યાં આગળથી એક ઝરણું નીકળે છે જે, બારેમાસ વહેતું રહે છે .''
`ઝંડ હનુમાન'ના દર્શને જતાં પહેલાં મંદિરની નીચે જ દાદર પાસેથી આ ઝરણાનું પાણી વહે છે. જ્યાંથી ભકતો પગ ધોઇને હનુમાનજીના દર્શને જાય છે. જોકે હાલમાં તો આ ઝરણાથી ઉદ્ગમવાળી જગ્યાએ કૂવા જેવી ફેન્સીંગ કરી છે. ત્યારબાદ થોડે આગળ જંગલમાં અંદર જાવ એટલે ભીમની ઘંટીના દર્શન કરવા મળે.
ભીમની ઘંટી વિશેની દંતકથા જણાવતાં દિનેશભાઇ કહે છે કે, `` આ ઘંટી 50 થી 100 માણસ થઇને હલાવે તો પણ તસુભાર હલતી નથી. જ્યારે ભીમ એક હાથે આ ઘંટી ફેરવતો હતો.'' તેની શક્તિ વિશે મહાભારતમાં ઘણું લખાયું છે પણ આ ઘંટીને જુઓ તો ખ્યાલ આવે કે ભીમ કેટલો બળિયો હશે? ભીમની ઘંટીથી થોડેક દુર આજુબાજુનાં નાના-નાના પથ્થરોને એક પર એક ગોઠવવાની લોકવાયકા પણ અહીં પ્રચલિત છે તેનું કારણ આપતા એક સ્થાનિક વ્યક્તિ કહે છે કે, ``અહીં તમે એક પર એક કરીને જેટલા પથ્થર ગોઠવતા જાવ એટલા માળનું તમારું ઘર બને'' એટલે અહીં ઠેર-ઠેર તમને આવા પથ્થરો ગોઠવેલા જોવા મળશે.
આ બધું ફરીને, જોઇને પરવારો એટલે મંદિરવાળી જગ્યાની સામે જ થોડું ખૂલ્લું મેદાન છે. જ્યાં આજુબાજુ વનકુટિર અને વિશ્રામસ્થળ છે. જ્યાં ખુલ્લામાં બેસીને પોતાના ગ્રુપ સાથે સૌ નાસ્તો-જમવાનું પણ કુદરતી વાતાવરણમાં મોજમસ્તી સાથે લે છે. અહીં મુલાકાતે આવનાર દર્શનાર્થી મોટેભાગે પોતાની સાથે નાસ્તો, પાણી સાથે જ લઇને આવે છે. કેટલાક લોકો મોટી સંખ્યામાં ગ્રુપમાં આવ્યા હોય તો અહીં ખુલ્લામાં જ રસોડાનો સામાન લગાવી જમવાનું બનાવી દે છે, એટલે ગરમાગરમ જમવાનો આનંદ પણ મળી શકે. કેટલીક સ્કૂલો પણ આ જગ્યાએ પિકનીક અને ટુરનું આયોજન કરે છે. અહીં બાળકોને પિકનીક પર લઇ આવેલ બોડેલીના ગીતાબેન લાલપુરવાળા કહે છે કે, ``બાળકોને અહીં અમે પ્રકૃતિનો ખ્યાલ આવે અને હનુમાનજીના દર્શન પણ થાય એ માટે પ્રવાસે લઇ આવીએ છે. બાળકોને અહીં રમવાની, ફરવાની ખૂબ મઝા આવે છે. અહીં સમગ્ર ગુજરાતમાંથી કેટલાય લોકો નિયમિત રીતે ઝંડ હનુમાન આવતા હોય છે. અહીં આવો એટલે તમને અદ્ભુત માનસિક શાંતિનો અહેસાસ થાય.''
કાસમપુરના દિનેશભાઇ પણ આ વાતમાં સૂર પૂરાવતા કહે છે, ``કાસમપુરથી કેટલાય યુવકો નિયમિત ઝંડ હનુમાનના દર્શને અને સેવાર્થે અહીં આવે છે. ક્યારેક ચોમાસામાં તો એટલું પાણી ભરાયું હોય કે આવવાનો કે જવાનો કોઇ ચાન્સ ના હોય પણ દાદાની કૃપાથી અમે હેમખેમ પહોંચી જઇએ છીએ. અહીં પંચમહાલ, ગોધરા, હાલોલ, બોડેલી, સંખેડાના ધારાસભ્યો અને અગ્રણી રાજકીય નેતાઓને પણ ઝંડ હનુમાન પર વિશેષ શ્રધ્ધા છે એટલે તેઓ પણ અચૂક અહીં આવતા રહે છે. ગોધરાના માજી ધારાસભ્ય સી. કે. રાઉલજી ઝંડ હનુમાનજીના દર્શને નિયમિત આવે છે. તો વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના સભ્યો પણ અહીં વાર-તહેવારે આવી સેવા આપે છે.''
ઝંડ હનુમાન ટ્રસ્ટના પ્રમુખ નટુભાઇ ફીલિંગ્સ સાથેની વાતચીતમાં કહે છે કે, `અહીં શ્રદ્ધા હોય તેના તમામ મનોરથ પૂરા થાય છે. મને હૃદયમાં તકલીફ થતાં ડોકટરોએ બાયપાસ સર્જરી કરાવવાની કહી હતી. પણ બાયપાસ સર્જરી માટે એટલાં રૂપિયા લાવવા ક્યાંથી ? એટલે મેં અહીં હનુમાનદાદાના ચરણોમાં વિનંતી કરી કે દાદા જીવન-મૃત્યુ તમને સોંપ્યું. આજથી હવે હું અહીં જ રહીશ. ત્યારથી નટુભાઇ અહીં જ રહી હનુમાનજીની સેવા કરે છે, અને તેમને હાલમાં કોઇ સમસ્યા નથી.' આવા તો કંઇ કેટલાય ચમત્કારો અને પરચાની વાતો તમને અહીં સાંભળવા મળે. જોકે આ બધા જ ચમત્કારો કે પરચા અંગત શ્રધ્ધાનો વિષય છે.
ટ્રસ્ટના મંત્રી દશરથભાઇ કે જેઓ વિકલાંગ છે તેઓ પણ બારેમાસ હનુમાનજીની સેવાઅર્થે અહીં જ રહે છે તેઓ વાતચીતમાં કહે છે કે, ``હનુમાનજી પ્રત્યે લોકોની શ્રધ્ધાને કારણે અહીં દર વર્ષે આવનાર ભકતોની સંખ્યા વધતી જ જાય છે. આ શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે લગભગ 3 લાખ કરતાંય વધુ લોકો ઝંડ હનુમાનના દર્શનાર્થે આવે ત્યારે તેમની વ્યવસ્થા કરવી ઘણી અઘરી બાબત છે. કારણ આ સમગ્ર વિસ્તાર જાંબુઘોડાનું અભ્યારણ્ય ગણાતો હોવાથી રોડ કે મંદિરમાં નવા સુધારા-વધારા કે નવા બાંધકામ માટે કોઇ પરમીશન મળતી નથી. અભ્યારણ્ય હોવાથી પ્રાણીઓને ખલેલ ન પહોંચે અને વન્યસંપત્તિને નુકશાન ન થાય એનો પણ વિશેષ ખ્યાલ રાખવો પડે છે. એટલે શ્રાવણના છેલ્લાં શનિવારે તો અમારે 48 કલાક ખડેપગે ઉભા રહીને વ્યવસ્થાપ્ન સંભાળવું પડે છે.''
તેમણે શ્રધ્ધાળુઓને અપીલ કરતાં કહે છે કે, ``અન્ય યાત્રાધામની જેમ અહીંની પ્રકૃતિ અને વન્ય સંપત્તિને નુકસાન ન થાય એનો તમામે ખ્યાલ આપવો પડશે. નહીંતર આવનાર વર્ષોમાં કદાચ અહીં પણ કચરો, પ્લાસ્ટીકસ વગેરેની સમસ્યા થઇ શકે છે.''
જોકે યુવાવર્ગ માટે તો અભ્યારણ્ય અને પ્રકૃતિથી નિહાળવાનો આ અમૂલ્ય લ્હાવો હોવાથી અને હાલમાં જે બાઇક કલ્ચર વિકસી રહ્યું છે ત્યારે બાઇક પર સૌથી વધુ યુવાઓની મુલાકાતનું આ સ્થળ તરીકે ઝંડ હનુમાન વિશ્ર્વ સ્તરે પ્રખ્યાત બને તો નવાઇ નહીં...
Written by : Vijay Rohit
Published on 1st Sept. 2007 in Feelings Magazine
ખુબ સારી માહિતી મૂકી છે !
ReplyDelete