Friday, August 3, 2012








 

રાજેશખન્ના

એક રોમેન્ટિક યુગનો સૂર્યાસ્ત

 લગભગ 163 જેટલી ફિલ્મોમાં કામ કરનાર રાજેશ ખન્નાને ભારતીય દર્શકો ક્યારેય ભૂલી નહીં શકે કારણ `આનંદ' કભી મરતે નહીં. તે ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો પહેલો સુપરસ્ટાર હતો. રાજેશ ખન્નાએ ફક્ત ફિલ્મોમાં પ્રેમ ન્હોતો કર્યો એક આખી પેઢીને પ્રેમ કરતાં શીખવાડ્યું હતું.


1969માં આરાધના' ફિલ્મ રિલીઝ થઈ અને ભારતના ફિલ્મજગતમાં એક સુપરસ્ટારનો ઉદય થયો. સુપરસ્ટાર એવો શબ્દ પહેલીવાર પ્રચલનમાં આવ્યો હતો. એનું નામ હતું રાજેશ ખન્ના. એનો આગવો અંદાજ, સ્ટાઈલ, અભિનય, હેરસ્ટાઈલ અને ગીતોમાં કાંઈક ખાસ હતું જે લોકોને એટ્રેક્ટ કરતું હતું. રાજેશ ખન્નાએ 1969થી 1971 સુધી રોમાન્સ-સોશિયલ પ્રોબ્લેમ્સના અદ્ભૂત કોકટેલ દ્વારા 15 સુપરડુપર હિટ ફિલ્મો આપી ભારતીય દર્શકોને સંમોહિત કરી દીધા. આ `કોકટેલ' લોકોને એટલું ફાવી ગયું કે રાજેશ ખન્ના સિવાય લોકો ફિલ્મોની કલ્પ્ના ન્હોતા કરી શકતાં. ભારતે પહેલીવાર આવું સ્ટારડમ જોયું હતું જેમાં ક્રેઝી ફેન્સ હતા, એક મેડનેસ હતી, મદહોશી હતી. રાજેશ ખન્નાએ એ આખાય જમાનાને રોમાન્સ કરવાનું શીખવ્યું હતું.

એક એકથી ચડિયાતા રોમેન્ટિક ગીતો અને લવરબોયની ઈમેજના કારણે રાજેશ ખન્ના એ સમયની યુવતીઓની ધડકન હતા. યુવતીઓ આ સુપરસ્ટાર પર મરતી હતી. તેની એક ઝલક મેળવવા આખો દિવસ ઈંતેજાર કરી શકતી. તેનું જ્યાં શૂટિંગ થવાનું હોય ત્યાં પોલિસ બંદોબસ્ત કરવો પડતો. એકબાજુ ફિલ્મની હિરોઈન ઊભી હોય અને તેમ છતાં યુવતીઓના ટોળેટોળાં ફક્ત રાજેશખન્નાને ઘેરી વળતાં, આ શબ્દો શર્મિલા ટાગોરના છે જે દર્શાવે છે રાજેશ ખન્નાની પોપ્યુલારિટી. રાજેશ ખન્ના જ્યાં વ્હાઈટ ગાડી લઈને નીકળે તો યુવતીઓ ગાડીને કિસ કરીને ગાડીનો કલર ચેન્જ કરી દેતી. રાજેશ ખન્ના અગાઉ દિલિપકુમાર, રાજકપૂર અને દેવાનંદનો જમાનો હતો પણ રાજેશ ખન્નાએ જે મેળવ્યું તેનાથી તેઓ જોજનો દૂર હતા. આ રાજેશ ખન્ના ક્યાંથી આવ્યા અને કેવી રીતે મેળવી આવી અદ્વિતિય સફળતા...
લેટ્સ રિવાઈન્ડ ધ ટાઈમ

પંજાબના અમૃતસરમાં 29 ડિસેમ્બર 1942માં જન્મેલા રાજેશ ખન્નાનું મૂળ નામ તો જતીન હતું. તેમના પિતા ચુનીલાલ ખન્ના અમૃતસરથી મુંબઈ આવીને બિઝનેસ જમાવી દીધો હતો. અહીં મુંબઈમાં જ જતીનનું સ્કૂલિંગ અને કોલેજનો અભ્યાસ પૂરો થયો. કોલેજકાળથી જ તેને એક્ટિંગનો ભારે શોખ એટલે નાટકમાં ભાગ લેતો. આ એ સમયગાળો હતો જ્યારે તેને કોઈ એક્ટર ગણતું ન હતું. માંડ એકાદ લાઈન બોલવાનો એને રોલ મળતો. એ પણ એટલા માટે કે જતીન ખન્ના શ્રીમંત બાપ્નો દીકરો હતો. તેને નાનકડો રોલ આપી દઈએ તો ચા-નાસ્તાનો ખર્ચ નીકળી જાય. રાજેશ ખન્નાએ પોતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ડ્રામામાં તેમણે એક ડાયલોગ બોલવાનો હતો પણ સ્ટેજ પર પરફોર્મ કરતી વખતે તેઓ ભૂલી ગયા અને ઘણું સાંભળવું પડ્યું હતું ત્યારે તેમને મનોમન ખૂબ દુ:ખ થયું હતું કે એક્ટર બનવાની ઈચ્છા છે અને એક ડાયલોગ પણ સરખી રીતે બોલી શકાતો નથી. જોકે એ સમયે થિયેટરમાં વી. કે. શર્માનું નામ અદબભેર લેવાતું. તેમણે સૌ પ્રથમ રાજેશ ખન્નાની ટેલેન્ટ ઓળખી હતી અને તેને પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારબાદ 1965માં યુનાઈટેડ પ્રોડ્યુસર્સ અને ફિલ્મફેર દ્વારા યોજાયેલ ટેલેન્ટ કોમ્પીટીશનમાં ભાગ લીધો અને દસ હજાર કરતાં પણ વધુ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે એ સ્પર્ધા જીતી. આ સ્પર્ધાના ઈનામરૂપે રાજેશ ખન્નાને ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો. પ્રથમ ફિલ્મ મળી જી.પી.સિપ્પીની `રાઝ' જેમાં બબીતા હીરોઈન હતી. જોકે 1966માં આવેલી  `આખરી ખત' એ તેમની પ્રથમ રિલિઝ થયેલી ફિલ્મ હતી જેનું દિગ્દર્શન ચેતન આનંદે કર્યું હતું. 1969નું વર્ષ રાજેશ ખન્નાનું જીવનનું ટર્નિંગ પોઈન્ટ હતું. આ વર્ષમાં આરાધના, ઈત્તેફાક, ડોલી, બંધન અને દો રાસ્તે જેવી ફિલ્મો આવી જેમાં `આરાધના'એ રાજેશ ખન્નાને સુપરસ્ટાર બનાવ્યો. `મેરે સપ્નોં કી રાની કબ આયેગી તુ, રૂપ તેરા મસ્તાના, કોરા કાગજ થા યે મન મેરા' જેવા મધુર ગીતોને આજે પણ લોકો મોજથી ગાય છે, સાંભળે છે એટલા સુપરહીટ છે. રાજેશ ખન્નાને સુપરસ્ટાર બનાવવામાં આવા રોમેન્ટિક સોંગ્સનો રોલ પણ ખૂબ મહત્ત્વનો છે. મુમતાઝ સાથે આવેલી ફિલ્મ `દો રાસ્તે'ના યે રેશમી ઝૂલ્ફે, છુપ ગયે સારે નજારે ઓય ક્યા બાત હો ગઈ, બિન્દીયા ચમકેગી વગેરેએ ખૂબ ધૂમ મચાવી. ત્યારબાદ તો રાજેશ ખન્નાની નિકલ પડી એમ કહી શકાય. જોકે અહીં એ ભૂલવું ન જોઈએ કે રાજેશ ખન્નાની કરિયર બનાવવામાં ડિરેક્ટર્સ શક્તિ સામંત અને ઋષિકેશ મુખર્જી તથા સંગીતકાર આર.ડી. બર્મન અને ગાયક કિશોરકુમારનો બહુ મોટો ફાળો છે. રાજેશ ખન્નાને બેસ્ટ એક્ટરનો પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો 1970માં આવેલી `સચ્ચા જૂઠા' ફિલ્મ માટે. જોકે એની કારકિર્દીની સીમાચિહ્ન કહી શકાય એવી ફિલ્મ હજી આવવાની બાકી હતી. 1971માં આવેલ `કટીપતંગ' અને `આનંદ' બંને સુપરહીટ ફિલ્મો હતી પણ `આનંદ'ને ભારતીય દર્શક ક્યારેય નહીં ભૂલી શકે. આ `આનંદે' એક સમયે આખા ભારતને રોવડાવ્યા હતા. કેન્સરગ્રસ્ત યુવાનની ભૂમિકામાં રાજેશ ખન્ના અને ડોક્ટરના રોલમાં અમિતાભ બચ્ચને અદ્ભૂત અભિનય કર્યો હતો. રાજેશ ખન્નાને આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. અમિતાભને `બાબુમોશાય' કહેતો, જિંદગી અને મોતની કશ્મકશમાં હંમેશા હસતો આનંદનો ચહેરો આજે પણ નજર સમક્ષ તરવરે છે.  `જિંદગી ઔર મોત તો ઉપરવાલે કે હાથ મેં હૈ.., બાબુમોશાય, જિંદગી લંબી નહીં, બડી હોની ચાહિયે અને પુષ્પા, આઈ હેટ ટીયર્સ..' વગેરે જેવા ડાયલોગ પણ રાજેશ ખન્નાની સાથે અમર બની ગયા છે.

રાજેશ ખન્નાની જિંદગીનો આ સુવર્ણકાળ હતો. ડિરેક્ટરો તેમને લેવા માટે લાઈન લગાવતા. એક સમયે હોસ્પિટલમાં રાજેશ ખન્નાને એડમિટ કરવામાં આવ્યો ત્યારે એ હોસ્પિટલના આજુબાજુના તમામ રૂમ્સ ડિરેક્ટરોએ બુક કરી દીધા હતા, કદાચ ચાન્સ મળે તો રાજેશ ખન્નાને સ્ટોરી સંભળાવીને પોતાની ફિલ્મમાં લઈ શકાય. રાજેશ ખન્નાની ઓળખ `કાકા' તરીકે પણ હતી. એ સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક કહેવત પ્રચલિત બની હતી કે `ઉપર આકા નીચે કાકા'. આ સ્ટારડમે જ રાજેશ ખન્નામાં અભિમાનના બીજ વાવ્યા. સેટ પર લેટ આવવું, રોજ મોડી રાતથી સવાર સુધી પાર્ટી અને ડ્રિન્ક એ રાજેશ ખન્નાની લાઈફસ્ટાઈલ થઈ ગઈ હતી.
રિલ લાઈફથી રિયલ લાઈફ તરફ વળીએ તો રાજેશ ખન્નાનું એ સમયે એક્ટ્રેસ-મોડેલ અંજુ મહેન્દ્ર સાથે અફેર હતું અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા એ હતી કે કાકા અંજુ મહેન્દ્રુ સાથે જ લગ્ન કરશે. (આ એ અંજુ મહેન્દ્રુ જેણે ગેરી સોબર્સને વીંટી પહેરાવી હતી.) કોઈક અગમ્ય કારણોસર તેમનું બ્રેક-અપ થયું અને કાકાએ ડિમ્પલ કાપડીયા સાથે લગ્ન કરી લીધા. બોબી ફિલ્મથી લાઈમલાઈટમાં આવેલ ડિમ્પલની ઉંમર એ સમયે માંડ 15 વર્ષની હતી જ્યારે રાજેશ ખન્ના તેનાથી ડબલ એટલે કે 30 વર્ષના હતા. જોકે, થોડો સમય તો બધું ઠીકઠાક ચાલ્યું પણ સફળતા ક્યાં કાયમ કોઈની સાથે રહે છે. 1973 સુધી રાજેશ ખન્નાનું એકચક્રી શાસન કહેવું હોય તો કહી શકાય તેવો એ એ યુગ હવે અસ્તાચળે હતો. રોમાન્સની દુનિયાથી દૂર એક 6 ફીટ પ્લસ હાઈટનો અભિનેતા અમિતાભ બચ્ચન એન્ગ્રીયંગ મેન તરીકે લોકોના દિલોદિમોગ પર છવાઈ રહ્યો હતો. કાકાની એક પછી એક ફિલ્મો ફ્લોપ જઈ રહી હતી. હવે કાકાને બદલે તેને સાઈન કરવામાં આવતો હતો. નિષ્ફળતાનો દોર શરૂ થયો કે કાકાની ચારેબાજુથી પડતી આવી.

પત્ની ડિમ્પલ સાથે અણબનાવ થતાં તે ટ્વીન્કલ અને રિન્કીને લઈને ચાલી ગઈ. હવે રાજેશ ખન્ના સાવ એકલા થઈ ગયા. હતાશ અને માયૂસ કાકાએ ડ્રિન્કનો સહારો લેવા માંડ્યો અને તેની અસર તેમની તબિયત પર જણાવા લાગી. આ સમય દરમિયાન તેમના જીવનમાં ટીના મુનિમનો પ્રવેશ થયો. બંને લગ્ન કરશે એવી અફવાઓ વચ્ચે તેમનું બ્રેકઅપ થઈ ગયું. આ ગાળામાં રાજેશ ખન્નાએ વચ્ચે વચ્ચે એકાદ બે હીટ ફિલ્મો આપી પણ હવે તેમને કોઈ ડિરેક્ટર મુખ્ય ભૂમિકા આપવા તૈયાર ન હતો.

ત્યારબાદ રાજેશ ખન્નાએ રાજનીતિમાં ઝંપલાવ્યું અને 1992માં સાંસદ બન્યા. જોકે ત્યારબાદ તેઓ રાજનીતિથી દૂર થઈ ગયા. બીજી ઈનીંગમાં તેમણે આ અબ લૌટ ચલે, વફા જેવી ફિલ્મો કરી પણ ખાસ સફળતા ન મળી. તેમની કથળતી તબિયતને કારણે બહાર તેઓ ખાસ દેખાતા ન હતા. છેલ્લા છેલ્લાં તેઓ અપ્સરા એવોર્ડમાં જાહેરમાં દેખાયા હતા જ્યાં તેમણે આગવી અદામાં આપેલી સ્પીચ હજી કાનમાં ગુંજે છે...
આપ ના જાને મુજકો સમજતે હૈ ક્યા
મૈં તો કુછ ભી નહીં,
ઈતની બડી ભીડ કા પ્યાર મૈં રખૂંગા કહાં
મેરે હમદમ મેરે દોસ્ત
ઈજ્જતે, શૌહરતે, ઉલફતે, ચાહતે
સબકુછ ઈસ દુનિયા મેં રહતા નહીં
આજ મૈં હૂં જહાં કલ કોઈ ઔર થા
યે ભી એક દૌર  હૈ, વો ભી એક દૌર થા.

Written by _ Vijay Rohit,
Published in Feelings 15th August 2012 Issue.
vijaycrohit@gmail.com

No comments:

Post a Comment