Thursday, August 9, 2012

આ ગુજરાતીએ ઓલિમ્પિક એવોર્ડ જીત્યો છે,
તમે જાણો છો ?
   

જી હાં....હાલમાં લંડનમાં ચાલી રહેલ ઓલિમ્પિક હવે તેના આખરી પડાવમાં છે. ભારતે આ વખતે તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં સૌથી વધુ મેડલ આ વખતે જીત્યા છે, હજી આગામી દિવસોમાં વધુ મેડલ જીતે તેવી આશા છે. પણ શું તમે જાણો છો કે કોઈ ગુજરાતીએ ઓલિમ્પિક મેડલ જીત્યો હોય... નહીં ને.. તો ચાલો મળીએ એવા એક ગુજરાતી ચેમ્પિયન ખેલાડીને જેણે બીજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2009માં આ ખેલાડીનો મેં ફીલિંગ્સ મેગેઝિન માટે એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યૂ લીધો હતો. આ ચેમ્પિયન ખેલાડીના ફોટોગ્રાફ, તેની ઓલિમ્પિક સુધીની સફર અને પ્રેરણાદાયક ઈન્ટરવ્યૂ આ સાથે શેર કરું છું.
 ----------------------------------


``દાદા, આ ઓલિમ્પિક એવોર્ડ 
તમને અપર્ણ...''

રાજ ભાવસાર





નામ : રાજ ભાવસાર
જન્મ સ્થળ : હયુસ્ટન, ટેકસાસ
ઉંમર : ર8 વર્ષ
સિદ્ધિ : ર008 બીજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા
મૂળ : ભારતીય - ગુજરાતી પરિવાર
વતન : વડોદરા
રાષ્ટ્રીયતા : અમેરિકન

    સામાન્ય રીતે ગુજરાતીઓની એવી ઈમેજ છે કે તેઓ સરસ રીતે વેપાર કરી શકે, અઢળક રૂપિયા કમાઇ શકે પણ સ્પોર્ટસમાં કે શારીરિક શ્રમને લગતી ક્રિયામાં તેમનું કામ નહીં.  જોકે થોડા વર્ષોમાં ગુજરાતીઓ સ્પોર્ટસ અને મિલેટ્રી જેવા ક્ષેત્રમાં પણ ભાગ લેતા થયા હોવાથી આ માન્યતાનું અંશત : ખંડન થઇ રહ્યું છે. સારી વાત એ છે કે વધુને વધુ ગુજરાતી યુવાનો હવે આગળ આવી રહ્યા છે. આપણા દેશમાં વસતા ગુજરાતીઓ જ નહીં પણ વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ મહત્ત્વના ક્ષેત્રોમાં સારું કાઠું કાઢી રહ્યા છે. આવો જ એક ફાંકડો ગુજરાતી અમેરિકન યુવાન છે રાજ ભાવસાર, જેણે બીજિંગ ઓલિમ્પિકમાં જિમ્નેસ્ટિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાતીઓનું ગૌરવ વધાર્યુ છે.

    આપ સૌને યાદ અપાવી દઉં કે ઓલિમ્પિકમાં કોઇ ગુજરાતીએ મેડલ મેળવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ પૂર્વે મોહિની ભારદ્વાજ અને એલેક્સી ગરેવાલ એ બે  ભારતીય-અમેરિકનોએ અમેરિકા તરફથી રમતા આ ઓલિમ્પિક એવોર્ડ જીતી ચૂકયા છે. આપણા દેશની 100 કરોડ ઉપરાંતની વસતીમાંથી માંડ બે ત્રણ મેડલ જીતી શકાતા હોય ત્યારે આ એવોર્ડ જીતવો એ કેટલી અઘરી બાબત છે એ કલ્પી શકાય છે.
   
રાજનું મૂળ વતન વડોદરા હોવાથી તે ઓલિમ્પિકમાં વિજેતા બન્યા બાદ દાદા-દાદી અને પરિવારને ખાસ મળવા માટે માતા સુરેખાબેન સાથે વડોદરા આવ્યો હતો. ફીલિંગ્સ સાથે એક્સક્લૂઝિવ વાતચીતમાં તેની માતા સુરેખાબેને રાજની સફળતાની ડાયરી ખોલતાં જણાવ્યું કે, ``તેને નાનપણથી જ રમતગમત ક્ષેત્રમાં રસ હતો. 4 વર્ષનો હતો ત્યારથી જ જિમ્નેસ્ટિક - લોન ટેનિસની પ્રેક્ટિસ કરતો થઇ ગયો હતો. 6ઠ્ઠા ધોરણ સુધીમાં તો તે બંને ગેમમાં એક્સપર્ટ થઇ ગયો હતો. એટલે અમારે તેને કહેવું પડ્યું કે જો તારે આગળ વધવું હોય તો જિમ્નેસ્ટિક કે ટેનિસ એ બે ફિલ્ડમાંથી એક ક્ષેત્ર પસંદ કરવું પડશે, અને તેણે જિમ્નેસ્ટિક પસંદ કર્યું.''
   
શરૂઆતના એ દિવસો યાદ કરતાં સુરેખાબેન કહે છે, ``જિમ્નેસ્ટિક પ્રત્યે એને ખાસ્સો લગાવ હોવાથી તે ખૂબ મહેનત કરતો, નિયમિત જિમમાં જવું, પ્રેક્ટિસ કરવી, એ તેનું ડેઇલી રૂટિન હતું. પાર્ટીઓ, સામાજિક પ્રસંગો જેવા ઘણા પ્રસંગોમાં જવાનું છોડી એ ફક્ત  પ્રેક્ટિસ પર ધ્યાન આપતો. આગળ આવવા માટે તેણે ઘણું બલિદાન આપ્યું છે.''



રાજની જિમ્નેસ્ટિક પ્રત્યેની લગન અને મહેનત રંગ લાવતી ગઇ અને ઓહિયો સ્ટેટ યુનિ. તરફથી કોચ માઇલ્સ એવરેના માર્ગદર્શન અને તેની કપ્તાની હેઠળ ગઈઅઅ અકક - અછઘઞગઉ પ્રતિયોગીતા જીતી. બસ, ત્યારબાદ રાજે પાછું વળીને જોયું નથી. ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે તૈયાર થવા માટે રાજે હ્યુસ્ટન જિમ્નેસ્ટીક એકેડમીમાં કોચ કેવિન મઝૈકા પાસેથી પ્રશિક્ષણ લેવાનું ચાલુ કર્યું. જોકે એ પહેલાં 1999માં પણ અમેરિકન ગેમ્સમાં જિમ્નેસ્ટિકની ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. વર્ષ ર00ર અને ર003માં વર્લ્ડ આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિકસ ચેમ્પિયનશિપમાં બંને વાર સિલ્વર મેડલ જીતી તેણે સૌનુ ધ્યાન ખેંચ્યું. આ ઉપરાંત તે 14-1પ્ની વય માટેના જુનિયર ઓલિમ્પિકમાં પણ ચેમ્પિયન બન્યો હતો.

    ર004 એથેન્સ ઓલિમ્પિક વખતે તેને વિશ્ર્વાસ હતો કે તે અમેરિકન જિમ્નેસ્ટિક ટીમ માટે પસંદ થશે જ. તેનું પરફોર્મન્સ પણ એટલું શાનદાર હતું. ર004માં સ્ટીલ રિંગ્સ સ્પર્ધામાં તે પ્રથમ રહ્યો અને નેશનલ ચેમ્પિયનશિપમાં તે ચોથો રહ્યો હતો તેમ છતાં ર004 ઓલિમ્પિક માટે તેની અવગણના કરવામાં આવી હતી. અમેરિકન ટીમ માટે દાવેદાર હોવા છતાં તેની પસંદગી ન થતાં તે હતાશ થયો હતો અને એક સમયે નિરાશામાં આ ફિલ્ડ જ છોડી દેવાનું વિચાર્યું હતું. જોકે આ સમયે જેક કેનફીલ્ડની `ધ સક્સેસ પ્રિન્સિપલ' બુક અને અમેરિકામાં પ્રખ્યાત વિક્રમ યોગા દ્વારા માનસિક શારીરિક ક્ષમતા કેળવી અને સફળતા મેળવવા સજ્જ થયો. ર008 બીજિંગ ઓલિમ્પિક વખતે પણ રાજ ઓલિમ્પિક ટ્રાયલ અને વિઝા ચેમ્પિયનશિપમાં ત્રીજો રહ્યો હતો. તેમ છતાં તેની ગણતરી 6 જણની ટીમમાં ઓલ્ટરનેટ તરીકે રાખવામાં આવી હતી. જોકે છેલ્લે રાજના નસીબે જોર કર્યુ કે એથ્લીટ ર્પાલ હામ ઇન્જર્ડ થતાં રાજ ભાવસારની 6 સભ્યોની ટીમમાં પસંદગી થઇ. ત્યારબાદનો ઈતિહાસ તો જાણીતો છે.

રાજ ભાવસારે શાનદાર પ્રદર્શન કરી અમેરિકન ટીમને બ્રોન્ઝ મેડલ અપાવ્યો. જિમ્નેસ્ટિક ક્ષેત્રમાં એક ગુજરાતી યુવાન આવી સિદ્ધિ મેળવે ત્યારે કયા ગુજરાતીની છાતી હરખથી ન પોરસાય. ઓલિમ્પિકના ઈતિહાસમાં એવોર્ડ જીતનાર આ પ્રથમ ગુજરાતી યુવક વડોદરાનો છે અને વડોદરામાં રહેતા તેના દાદા ભાનુભાઇ અને દાદી સરલાબેનને જયારે આ એવોર્ડ અર્પણ કર્યો ત્યારે ભાવવિભોર થઇ જતાં દાદા, દાદી, કાકા શરદભાઇ, કાકી અને તેમના અંગત પરિવાર મિત્ર અજિતભાઇ સહિત ઉપસ્થિત સૌ વ્યકિતએ તેની સંસ્કારિતાની સોડમ માણી હતી. તેણે જાતે દાદાને આ એવોર્ડ પહેરાવી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજના પરિવારમાં તેના દાદા ભાનુભાઇ અને દાદી અહીં રહે છે જેમને સંતાનમાં શરદભાઇ અને જ્યોતિન્દ્રભાઇ છે. જેમાંથી જ્યોતિન્દ્ર ભાવસાર અમેરિકામાં સ્થાયી થયા છે. જ્યોતિન્દ્રભાઇને બે સંતાન સૂચિત ભાવસાર અને રાજ ભાવસાર કે જેણે ગુજરાતનું નામ રોશન કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ ભાવસારનું વડોદરામાં ભાવસાર સમાજ દ્વારા આ વિશિષ્ટ ઉપલબ્ધિ બદલ મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. રાજે ફીલિંગ્સ સાથે પોતાના અનુભવની વાત કરતાં કહ્યું કે, ``જિમ્નેસ્ટિક એ સખત પરિશ્રમ માગતી પ્રવૃત્તિ છે, તે રમત નથી પણ શરીરને કેળવવાનો વ્યાયામ છે. આ રમતમાં તમારી શારીરિક ક્ષમતા, માનસિક ક્ષમતા, સજ્જતા, તત્પરતા, ચપળતાની કસોટી થતી હોય છે.''


 એવું નથી કે રાજ રમવામાં જ અવ્વલ છે, ભણવામાં પણ તે હંમેશાં અગ્રેસર રહ્યો છે એમ તેના મમ્મી સુરેખાબેન વાતચીતનો દોર આગળ ધપાવતાં કહે છે, ``રાજે ઓહિયો સ્ટેટ યુનિ. તરફથી ર004માં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને માર્કેટિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે એક મોટિવેશન વક્તા પણ છે અને યુવાનોને પ્રોત્સાહિત કરવા વ્યાખ્યાન પણ આપે છે. જિમ્નેસ્ટિકને લોકપ્રિય કરવા તે પ્રોફેશનલ શો પણ કરે છે.''

    હાલમાં મોસ્કો ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ જિમ્નેસ્ટિકસ ફેડરેશન વર્લ્ડ કપ્ની સ્ટીલ રિંગ ઇવેન્ટમાં રાજ ચોથા ક્રમે રહ્યો હતો જ્યારે પેરેલલ બારની સ્પર્ધામાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. રાજ જિમ્નેસ્ટિકની રમતને ભારતમાં લોકપ્રિય બનાવવા માગે છે. તે કહે છે, ``જો ભારતમાં ક્રિકેટના માધ્યમનો આધાર લેવાય તો ઘણા યુવાનો આ ક્ષેત્રમાં આવી શકે છે ભારતીય યુવાધનમાં ઘણું પોટેન્શિયલ છે. જો આ ક્ષેત્રમાં તેઓને વધુ પ્રોત્સાહન અપાય તો તેઓ પણ ભારતને એવોર્ડ અપાવી શકે તેમ છે.''

Interviewed & Written by : Vijay Rohit
Published in Feelings Magazine on 1/7/2009
Posted on : 9/8/2012

Friday, August 3, 2012








 

રાજેશખન્ના

એક રોમેન્ટિક યુગનો સૂર્યાસ્ત

 લગભગ 163 જેટલી ફિલ્મોમાં કામ કરનાર રાજેશ ખન્નાને ભારતીય દર્શકો ક્યારેય ભૂલી નહીં શકે કારણ `આનંદ' કભી મરતે નહીં. તે ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો પહેલો સુપરસ્ટાર હતો. રાજેશ ખન્નાએ ફક્ત ફિલ્મોમાં પ્રેમ ન્હોતો કર્યો એક આખી પેઢીને પ્રેમ કરતાં શીખવાડ્યું હતું.


1969માં આરાધના' ફિલ્મ રિલીઝ થઈ અને ભારતના ફિલ્મજગતમાં એક સુપરસ્ટારનો ઉદય થયો. સુપરસ્ટાર એવો શબ્દ પહેલીવાર પ્રચલનમાં આવ્યો હતો. એનું નામ હતું રાજેશ ખન્ના. એનો આગવો અંદાજ, સ્ટાઈલ, અભિનય, હેરસ્ટાઈલ અને ગીતોમાં કાંઈક ખાસ હતું જે લોકોને એટ્રેક્ટ કરતું હતું. રાજેશ ખન્નાએ 1969થી 1971 સુધી રોમાન્સ-સોશિયલ પ્રોબ્લેમ્સના અદ્ભૂત કોકટેલ દ્વારા 15 સુપરડુપર હિટ ફિલ્મો આપી ભારતીય દર્શકોને સંમોહિત કરી દીધા. આ `કોકટેલ' લોકોને એટલું ફાવી ગયું કે રાજેશ ખન્ના સિવાય લોકો ફિલ્મોની કલ્પ્ના ન્હોતા કરી શકતાં. ભારતે પહેલીવાર આવું સ્ટારડમ જોયું હતું જેમાં ક્રેઝી ફેન્સ હતા, એક મેડનેસ હતી, મદહોશી હતી. રાજેશ ખન્નાએ એ આખાય જમાનાને રોમાન્સ કરવાનું શીખવ્યું હતું.

એક એકથી ચડિયાતા રોમેન્ટિક ગીતો અને લવરબોયની ઈમેજના કારણે રાજેશ ખન્ના એ સમયની યુવતીઓની ધડકન હતા. યુવતીઓ આ સુપરસ્ટાર પર મરતી હતી. તેની એક ઝલક મેળવવા આખો દિવસ ઈંતેજાર કરી શકતી. તેનું જ્યાં શૂટિંગ થવાનું હોય ત્યાં પોલિસ બંદોબસ્ત કરવો પડતો. એકબાજુ ફિલ્મની હિરોઈન ઊભી હોય અને તેમ છતાં યુવતીઓના ટોળેટોળાં ફક્ત રાજેશખન્નાને ઘેરી વળતાં, આ શબ્દો શર્મિલા ટાગોરના છે જે દર્શાવે છે રાજેશ ખન્નાની પોપ્યુલારિટી. રાજેશ ખન્ના જ્યાં વ્હાઈટ ગાડી લઈને નીકળે તો યુવતીઓ ગાડીને કિસ કરીને ગાડીનો કલર ચેન્જ કરી દેતી. રાજેશ ખન્ના અગાઉ દિલિપકુમાર, રાજકપૂર અને દેવાનંદનો જમાનો હતો પણ રાજેશ ખન્નાએ જે મેળવ્યું તેનાથી તેઓ જોજનો દૂર હતા. આ રાજેશ ખન્ના ક્યાંથી આવ્યા અને કેવી રીતે મેળવી આવી અદ્વિતિય સફળતા...
લેટ્સ રિવાઈન્ડ ધ ટાઈમ

પંજાબના અમૃતસરમાં 29 ડિસેમ્બર 1942માં જન્મેલા રાજેશ ખન્નાનું મૂળ નામ તો જતીન હતું. તેમના પિતા ચુનીલાલ ખન્ના અમૃતસરથી મુંબઈ આવીને બિઝનેસ જમાવી દીધો હતો. અહીં મુંબઈમાં જ જતીનનું સ્કૂલિંગ અને કોલેજનો અભ્યાસ પૂરો થયો. કોલેજકાળથી જ તેને એક્ટિંગનો ભારે શોખ એટલે નાટકમાં ભાગ લેતો. આ એ સમયગાળો હતો જ્યારે તેને કોઈ એક્ટર ગણતું ન હતું. માંડ એકાદ લાઈન બોલવાનો એને રોલ મળતો. એ પણ એટલા માટે કે જતીન ખન્ના શ્રીમંત બાપ્નો દીકરો હતો. તેને નાનકડો રોલ આપી દઈએ તો ચા-નાસ્તાનો ખર્ચ નીકળી જાય. રાજેશ ખન્નાએ પોતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ડ્રામામાં તેમણે એક ડાયલોગ બોલવાનો હતો પણ સ્ટેજ પર પરફોર્મ કરતી વખતે તેઓ ભૂલી ગયા અને ઘણું સાંભળવું પડ્યું હતું ત્યારે તેમને મનોમન ખૂબ દુ:ખ થયું હતું કે એક્ટર બનવાની ઈચ્છા છે અને એક ડાયલોગ પણ સરખી રીતે બોલી શકાતો નથી. જોકે એ સમયે થિયેટરમાં વી. કે. શર્માનું નામ અદબભેર લેવાતું. તેમણે સૌ પ્રથમ રાજેશ ખન્નાની ટેલેન્ટ ઓળખી હતી અને તેને પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારબાદ 1965માં યુનાઈટેડ પ્રોડ્યુસર્સ અને ફિલ્મફેર દ્વારા યોજાયેલ ટેલેન્ટ કોમ્પીટીશનમાં ભાગ લીધો અને દસ હજાર કરતાં પણ વધુ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે એ સ્પર્ધા જીતી. આ સ્પર્ધાના ઈનામરૂપે રાજેશ ખન્નાને ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો. પ્રથમ ફિલ્મ મળી જી.પી.સિપ્પીની `રાઝ' જેમાં બબીતા હીરોઈન હતી. જોકે 1966માં આવેલી  `આખરી ખત' એ તેમની પ્રથમ રિલિઝ થયેલી ફિલ્મ હતી જેનું દિગ્દર્શન ચેતન આનંદે કર્યું હતું. 1969નું વર્ષ રાજેશ ખન્નાનું જીવનનું ટર્નિંગ પોઈન્ટ હતું. આ વર્ષમાં આરાધના, ઈત્તેફાક, ડોલી, બંધન અને દો રાસ્તે જેવી ફિલ્મો આવી જેમાં `આરાધના'એ રાજેશ ખન્નાને સુપરસ્ટાર બનાવ્યો. `મેરે સપ્નોં કી રાની કબ આયેગી તુ, રૂપ તેરા મસ્તાના, કોરા કાગજ થા યે મન મેરા' જેવા મધુર ગીતોને આજે પણ લોકો મોજથી ગાય છે, સાંભળે છે એટલા સુપરહીટ છે. રાજેશ ખન્નાને સુપરસ્ટાર બનાવવામાં આવા રોમેન્ટિક સોંગ્સનો રોલ પણ ખૂબ મહત્ત્વનો છે. મુમતાઝ સાથે આવેલી ફિલ્મ `દો રાસ્તે'ના યે રેશમી ઝૂલ્ફે, છુપ ગયે સારે નજારે ઓય ક્યા બાત હો ગઈ, બિન્દીયા ચમકેગી વગેરેએ ખૂબ ધૂમ મચાવી. ત્યારબાદ તો રાજેશ ખન્નાની નિકલ પડી એમ કહી શકાય. જોકે અહીં એ ભૂલવું ન જોઈએ કે રાજેશ ખન્નાની કરિયર બનાવવામાં ડિરેક્ટર્સ શક્તિ સામંત અને ઋષિકેશ મુખર્જી તથા સંગીતકાર આર.ડી. બર્મન અને ગાયક કિશોરકુમારનો બહુ મોટો ફાળો છે. રાજેશ ખન્નાને બેસ્ટ એક્ટરનો પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો 1970માં આવેલી `સચ્ચા જૂઠા' ફિલ્મ માટે. જોકે એની કારકિર્દીની સીમાચિહ્ન કહી શકાય એવી ફિલ્મ હજી આવવાની બાકી હતી. 1971માં આવેલ `કટીપતંગ' અને `આનંદ' બંને સુપરહીટ ફિલ્મો હતી પણ `આનંદ'ને ભારતીય દર્શક ક્યારેય નહીં ભૂલી શકે. આ `આનંદે' એક સમયે આખા ભારતને રોવડાવ્યા હતા. કેન્સરગ્રસ્ત યુવાનની ભૂમિકામાં રાજેશ ખન્ના અને ડોક્ટરના રોલમાં અમિતાભ બચ્ચને અદ્ભૂત અભિનય કર્યો હતો. રાજેશ ખન્નાને આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. અમિતાભને `બાબુમોશાય' કહેતો, જિંદગી અને મોતની કશ્મકશમાં હંમેશા હસતો આનંદનો ચહેરો આજે પણ નજર સમક્ષ તરવરે છે.  `જિંદગી ઔર મોત તો ઉપરવાલે કે હાથ મેં હૈ.., બાબુમોશાય, જિંદગી લંબી નહીં, બડી હોની ચાહિયે અને પુષ્પા, આઈ હેટ ટીયર્સ..' વગેરે જેવા ડાયલોગ પણ રાજેશ ખન્નાની સાથે અમર બની ગયા છે.

રાજેશ ખન્નાની જિંદગીનો આ સુવર્ણકાળ હતો. ડિરેક્ટરો તેમને લેવા માટે લાઈન લગાવતા. એક સમયે હોસ્પિટલમાં રાજેશ ખન્નાને એડમિટ કરવામાં આવ્યો ત્યારે એ હોસ્પિટલના આજુબાજુના તમામ રૂમ્સ ડિરેક્ટરોએ બુક કરી દીધા હતા, કદાચ ચાન્સ મળે તો રાજેશ ખન્નાને સ્ટોરી સંભળાવીને પોતાની ફિલ્મમાં લઈ શકાય. રાજેશ ખન્નાની ઓળખ `કાકા' તરીકે પણ હતી. એ સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક કહેવત પ્રચલિત બની હતી કે `ઉપર આકા નીચે કાકા'. આ સ્ટારડમે જ રાજેશ ખન્નામાં અભિમાનના બીજ વાવ્યા. સેટ પર લેટ આવવું, રોજ મોડી રાતથી સવાર સુધી પાર્ટી અને ડ્રિન્ક એ રાજેશ ખન્નાની લાઈફસ્ટાઈલ થઈ ગઈ હતી.
રિલ લાઈફથી રિયલ લાઈફ તરફ વળીએ તો રાજેશ ખન્નાનું એ સમયે એક્ટ્રેસ-મોડેલ અંજુ મહેન્દ્ર સાથે અફેર હતું અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા એ હતી કે કાકા અંજુ મહેન્દ્રુ સાથે જ લગ્ન કરશે. (આ એ અંજુ મહેન્દ્રુ જેણે ગેરી સોબર્સને વીંટી પહેરાવી હતી.) કોઈક અગમ્ય કારણોસર તેમનું બ્રેક-અપ થયું અને કાકાએ ડિમ્પલ કાપડીયા સાથે લગ્ન કરી લીધા. બોબી ફિલ્મથી લાઈમલાઈટમાં આવેલ ડિમ્પલની ઉંમર એ સમયે માંડ 15 વર્ષની હતી જ્યારે રાજેશ ખન્ના તેનાથી ડબલ એટલે કે 30 વર્ષના હતા. જોકે, થોડો સમય તો બધું ઠીકઠાક ચાલ્યું પણ સફળતા ક્યાં કાયમ કોઈની સાથે રહે છે. 1973 સુધી રાજેશ ખન્નાનું એકચક્રી શાસન કહેવું હોય તો કહી શકાય તેવો એ એ યુગ હવે અસ્તાચળે હતો. રોમાન્સની દુનિયાથી દૂર એક 6 ફીટ પ્લસ હાઈટનો અભિનેતા અમિતાભ બચ્ચન એન્ગ્રીયંગ મેન તરીકે લોકોના દિલોદિમોગ પર છવાઈ રહ્યો હતો. કાકાની એક પછી એક ફિલ્મો ફ્લોપ જઈ રહી હતી. હવે કાકાને બદલે તેને સાઈન કરવામાં આવતો હતો. નિષ્ફળતાનો દોર શરૂ થયો કે કાકાની ચારેબાજુથી પડતી આવી.

પત્ની ડિમ્પલ સાથે અણબનાવ થતાં તે ટ્વીન્કલ અને રિન્કીને લઈને ચાલી ગઈ. હવે રાજેશ ખન્ના સાવ એકલા થઈ ગયા. હતાશ અને માયૂસ કાકાએ ડ્રિન્કનો સહારો લેવા માંડ્યો અને તેની અસર તેમની તબિયત પર જણાવા લાગી. આ સમય દરમિયાન તેમના જીવનમાં ટીના મુનિમનો પ્રવેશ થયો. બંને લગ્ન કરશે એવી અફવાઓ વચ્ચે તેમનું બ્રેકઅપ થઈ ગયું. આ ગાળામાં રાજેશ ખન્નાએ વચ્ચે વચ્ચે એકાદ બે હીટ ફિલ્મો આપી પણ હવે તેમને કોઈ ડિરેક્ટર મુખ્ય ભૂમિકા આપવા તૈયાર ન હતો.

ત્યારબાદ રાજેશ ખન્નાએ રાજનીતિમાં ઝંપલાવ્યું અને 1992માં સાંસદ બન્યા. જોકે ત્યારબાદ તેઓ રાજનીતિથી દૂર થઈ ગયા. બીજી ઈનીંગમાં તેમણે આ અબ લૌટ ચલે, વફા જેવી ફિલ્મો કરી પણ ખાસ સફળતા ન મળી. તેમની કથળતી તબિયતને કારણે બહાર તેઓ ખાસ દેખાતા ન હતા. છેલ્લા છેલ્લાં તેઓ અપ્સરા એવોર્ડમાં જાહેરમાં દેખાયા હતા જ્યાં તેમણે આગવી અદામાં આપેલી સ્પીચ હજી કાનમાં ગુંજે છે...
આપ ના જાને મુજકો સમજતે હૈ ક્યા
મૈં તો કુછ ભી નહીં,
ઈતની બડી ભીડ કા પ્યાર મૈં રખૂંગા કહાં
મેરે હમદમ મેરે દોસ્ત
ઈજ્જતે, શૌહરતે, ઉલફતે, ચાહતે
સબકુછ ઈસ દુનિયા મેં રહતા નહીં
આજ મૈં હૂં જહાં કલ કોઈ ઔર થા
યે ભી એક દૌર  હૈ, વો ભી એક દૌર થા.

Written by _ Vijay Rohit,
Published in Feelings 15th August 2012 Issue.
vijaycrohit@gmail.com

Wednesday, August 1, 2012


 વર્ષ 2007માં ફીલિંગ્સમાં જાંબુઘોડામાં આવેલ ઝંડ હનુમાનજીની સ્ટોરી કરી હતી. આમ તો આ પ્રદેશ આખો અભ્યારણ્ય છે. પ્રકૃતિએ છૂટા હાથે સૌંદર્ય વેર્યું છે એટલે જો નેચરમાં ફરવાનો શોખ હોય તો વરસાદી મોસમમાં ખાસ કરીને શ્રાવણ માસમાં જવાનો લ્હાવો લેવા જેવો છે. ગાઢ જંગલ વચ્ચે ઝરણાંઓ વહેતાં હોય, પક્ષીઓનો મધુર કલરવ, નાના ડુંગરો અને લીલોતરી જ લીલોતરી...ક્યાંય કોઈ દુકાન કે શોપિંગ માટે કશું જોવા ના મળે. ખરેખર તો ચાલતા જવાની મજા છે, છતાં બાઈક લઈને પણ જઈ શકાય છે. મારે સ્ટોરી કરવાની અને ફોટા પણ પાડવાની હોવાથી હું લગભગ 11 કિમી અંદર ચાલીને ગયો હતો. જોકે, એ આનંદ અદ્ભુત હતો. આ સ્થળ વડોદરાથી નજીક હોવાથી અહીં યુવાવર્ગ હવે વધુ પ્રમાણમાં જાય છે. પાવાગઢ અને જાંબુઘોડાના આ અભ્યારણ્યની મુલાકાત લેવા જેવી છે. આ સાથે અહીં એ સ્ટોરી પણ શેર કરું છું જેથી આપ સૌને આ ઓછા જાણીતા સ્થળ વિશે સારી એવી માહિતી મળી શકે...
 

પ્રકૃતિના સાનિધ્યમાં બિરાજેલ 
 `ઝંડ હનુમાન' 

પૌરાણિક કાળમાં હેડંબાવન તરીકે ઓળખાતા અને હાલ જાંબુઘોડાના અભ્યારણ્ય તરીકે પ્રખ્યાત આ વનમાં `ઝંડ હનુમાન' ભાવિકોની આસ્થાનું પ્રતીક બની રહયાં છે












  આખો દિવસ ઓફિસ, બિઝનેસ, મોબાઇલ, મીટીંગ, ટ્રાફિક અને રોજની રૂટિન દિનચર્યાથી થાકી-હારીને માણસ શાંતિ મેળવવા માટે આ બધાથી દૂર ક્યાંક જવાનું વિચારે એ સ્વાભાવિક છે પણ જાય તો કયાં જાય ? ઘબદશજ્ઞીત છે કે હિલ સ્ટેશન કે કોઇ કુદરતી સૌંદર્ય ધરાવતા અને માનસિક શાંતિ આપે તેવા સ્થળે. જો તમે આવું જ વિચારતા હોય તો ગુજરાતમાં જાંબુઘોડાનું અભ્યારણ્ય એ તમારા માટે ઉત્તમ સ્થળ છે. ઘનઘોર જંગલ, છૂટા હાથે વેરાયેલ પ્રાકૃતિક સૌંદર્ય અને સાથે સાથે `ઝંડ હનુમાનજી'ની ભક્તિનો બેવડો લાભ આપતું આ સ્થળ બજરંગબલીના ભકતો સહિત પ્રકૃતિ પ્રેમીઓ અને ખાસ કરીને યુવાવર્ગને આકર્ષી રહ્યું છે.

ગુજરાતમાં આવેલ (મહાકાળી માતાનું) પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢથી 32 કિ.મી. અને વડોદરાથી 90 કિ.મી. દૂર જાંબુઘોડાના અભ્યારણ્યમાં આવેલ `ઝંડ હનુમાન'ની એક વખતની મુલાકાત આ જગ્યાએ વારંવાર આવવા મજબૂર કરી દેશે. આ સ્થળની પ્રસિદ્ધિ જ `ઝંડ હનુમાન'ને કારણે થઇ છે. જાંબુઘોડાથી લગભગ 11 કિ.મી.નો રસ્તો કાચો-પાકો છે. `ઝંડ હનુમાન' જવા માટે આમ તો ત્રણેક રસ્તા છે. એક પાવાગઢથી જાંબુઘોડાની નજીક આવેલ ઝોબાન ગામથી પગપાળા જઇ શકાય છે. આ રસ્તો ટૂંકો છે પણ અહીં ઘણા ઊંચી ટેકરીઓને પાર કરીને જવાનું હોવાની આ રસ્તે જવાનું લોકો ટાળે છે. બીજો રસ્તો નારૂકોટ ગામની કેનાલ પર થઇને જવાય છે. છતાં સૌથી વધુ લોકપ્રિય અને સરળ રસ્તો છે જાંબુઘોડાથી બોડેલી તરફ જતો મુખ્ય માર્ગ. આ રોડ પર બહાર ઝંડ હનુમાન 11 કિ.મી.નું એક પાટીયું લગાવેલ છે જ્યાંથી ચાલતા અથવા બાઈક કે અન્ય વ્હીકલ લઈને જઈ શકાય છે.

જોકે પાંચ-સાત કિ.મી. અંદર સુધી પાકો રસ્તો છે ત્યારબાદ કાચો રસ્તો છે એટલે દરેક પ્રકારના વાહન જાય છે ખરાં પણ ખરી મજા માણવી હોય તો ચાલતાજ જવું પડે. એટલે જેવો પાકો રોડ પતે કે તરત જ બધા ગાડીઓ જંગલમાં  પાર્ક કરીને ચાલતા જ હનુમાનજીના દર્શને જવા નીકળી પડે છે. છતાં જો છેક સુધી વાહન લઇને જવું હોય તો બાઇક એ સૌથી ઉત્તમ વાહન છે. વચ્ચે આવતાં ઝરણાં અને ઉબડ-ખાબડ રસ્તાઓમાંથી બાઇક આસાનીથી જતું હોવાથી અહીં મોટી સંખ્યામાં યુવાવર્ગ બાઇક લઇને જ આવે છે. અહીં બહારથી કોઇ પ્રાઇવેટ સાધન પણ નથી મળતું. એટલે પાંચ-સાત કિ.મી. તો ચાલવાની તૈયારી અચૂક રાખવી.

અહીંયા એક વખત તમે પ્રવેશો એટલે પ્રકૃતિ સાથે તમારો જીવંત સંપર્ક થઇ જાય છે. ચારેબાજુ વિશાળ પર્વતો, લીલીછમ વનરાજી, શ્રાવણ માસમાં વાદળછાયુ વરસાદી વાતાવરણ, પ્રકૃતિનો આનંદ માણી રહેલ પશુ-પક્ષીના અવાજો અને જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી હરિયાળી જ હરિયાળી, અને હા એક વાત ખાસ એ પણ છે કે, શાસ્ત્રમાં કહ્યું છે તેમ જ્યારે ભગવાનને પામવા હોય તો મોહ-માયા અને બંધનથી મુકત થવું પડે તેમ અહીંથી તમારા ભૌતિક દુનિયા સાથેના સંપર્ક પણ ટૂટી જાય છે એટલે કે અહીં મોબાઇલ ફોન પર વાત કરવા માટે ટાવર્સ નથી પકડાતા, નથી કોઇ દુકાન, ના કોઇ લારી-ગલ્લાં. જે છે તે કુદરતી વાતાવરણનો આંખોને ઠંડક આપતો અહેસાસ અને માનસિક શાંતિ આપતું ઘનઘોર જંગલનું સામ્રાજ્ય.

અહીં થોડા થોડા અંતરે તમને તળાવ, નાના-નાના ઝરણાં જોવા મળશે જેને ઓળંગીને જવાનું હોવાથી બાળકો સહિત પ્રકૃતિને માણનારાઓને તેનો આનંદ મળે છે. છેક ઝંડ હનુમાન જતાં સુધીમાં નવ વખત આવા નાના-મોટાં ઝરણાંઓ આવે છે. એટલે જો તમે ચાલતા જતાં હો તો ઝરણામાં હાથ-પગ, મ્હોં ધોઇ ફ્રેેશ થઇ ફરીથી આગળ પગપાળા યાત્રા વધારી શકો અને ચારેબાજુ ફેલાયેલ જંગલ અને પ્રકૃતિને માણતા માણતાં ક્યારે ઝંડ હનુમાન પહોંચી જઇએ તેનો તમને અંદાજ પણ નહીં આવે.

ઝંડ હનુમાનના દર્શન માટે આવેલ  શ્રધ્ધાળુઓ માટે તો ક્યારે આ સ્થળે પહોંચીએ અને રામભકત હનુમાનની એ વિશાળ અને દુર્લભ પ્રતિમાના ભાવપૂર્વક  દર્શન કરીએ એ જ સ્મરણમાં હોય છે. એટલે જેવા તમે અહીં પહોંચો કે તરત જ હમણાં-હમણાં થોડીક નાનકડી ઝુંપડીઓ જેવી દુકાનો અને પથ્થરોના એક ઊંચા ટેકરા પર મંદિર જેવું દેખાય એટલે સમજવાનું કે તમે ઝંડ હનુમાન પહોંચી ગયા. અહીં હનુમાનજીના દર્શને જતાં પહેલાં પ્રસાદ, નાળિયેર અને હનુમાનજીને પ્રિય સિંદુર અને તેલ આ દુકાનથી મળી રહે છે. એ લીધા બાદ મંદિરના પગથિયાંને અડીને એક ઝરણાનું પાણી પસાર થાય છે. જ્યાં હાથ-પગ ધોઇને, સ્વચ્છ થઇને હનુમાનજીના દર્શને ભાવિકો જતાં હોય છે. મહિલા અને પુરુષોએ દર્શન માટે અલગ-અલગ ગ્રીલવાળી લાઇનમાં જવાનું હોય છે.

આ નાનકડા પર્વત જેવા મંદિર ઉપર પહોંચીને ઝંડ હનુમાનજીના દર્શન કરો કે તમારો સઘળો થાક ઉતરી ગયો હોય એવી દિવ્ય અનુભૂતિનો અહેસાસ થાય છે. લગભગ 18 ફુટ ઊંચી ઝંડ હનુમાનજીની નયનરમ્ય પ્રતિમાને કેસર, તેલ અને આંકડાની માળાથી શણગારવામાં આવે ત્યારે સાક્ષાત્ હનુમાનજી હાજરાહજૂર હોય એવું લાગે. પથ્થરો અને મોટી શિલાઓ વચ્ચે સ્વયંભૂ પ્રગટ થયેલ ઝંડ હનુમાનજીની આ પ્રતિમા વિશે ઝંડ હનુમાનના ટ્રસ્ટના પૂજારીએ ફીલિંગ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ``હનુમાનજીની આ મૂર્તિ એક રીતે જોઇએ તો અતિપ્રાચીન અને દુર્લભ છે. કારણ કે એક તો પાંડવોના વનવાસ ગાળામાં તેઓ જ્યારે અહીં આવ્યા ત્યારની આ પ્રતિમા છે એવો અંદાજ છે અને બીજું કે શનિની પ્નોતીને હનુમાનજી પોતાના ડાબા પગ તળે દબાવીને ઊભા છે. આ પ્રકારની આ એકમાત્ર પ્રતિમા છે એટલા માટે ભાવિકોમાં `ઝંડ હનુમાન' પ્રત્યે અનન્ય શ્રધ્ધા અને ભક્તિભાવ છે. જે વ્યક્તિને શનિની પ્નોતી હોય એવી વ્યકિત અહીં આવી હનુમાનજીની સાચા દિલથી આરાધના કરે તો શનિની પ્નોતી પણ નુકસાન નથી કરતી અને મનોવાંછિત ફળ મળે છે.''
આ મંદિરનું વહીવટ અને વ્યવસ્થાપ્ન `શ્રી ઝંડ હનુમાન ટ્રસ્ટ' દ્વારા થઇ રહ્યું છે. `ઝંડ હનુમાન' વિશે વિસ્તૃત માહિતી આપતા  નારણભાઇ કે જેઓ છેલ્લાં 25 વર્ષથી ઝંડ હનુમાનના દર્શને અને સેવા આપવા આવે છે. તેમણે ફીલિંગ્સને જણાવ્યું હતું કે, ``દંતકથા મુજબ અહીં મહાભારતમાં ઉલ્લેખ મુજબ  પાંડવો 13 વર્ષીય વનવાસ દરમિયાન જંગલમાં પરિભ્રમણ કરતાં કરતાં અહીં આવ્યા હતા. પૌરાણિક સમયમાં આ વન હેડંબાવન તરીકે પ્રખ્યાત હતું. અહીં હેડંબા નામની રાક્ષસી રહેતી હતી અને આ વન છેક રાજપીપળા સુધી વિસ્તરેલું હતું જે કાળક્રમે નાશ થતું ગયું. હાલ આ જાંબુઘોડાના અભ્યારણ્ય તરીકે ઓળખાય છે.''

અહીં આ સ્થળ સાથે ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. અહીં જંગલમાં તમને ઠેક-ઠેકાણે પૌરાણિક પ્રતિમાઓ, ખંડિત મૂર્તિઓ, પુરાતન મંદિરો, જુના શિલ્પો, ખડકો, છૂટા છવાયા ચારેબાજુ જોવા મળે. જંગલમાં જ્યાં ફરો ત્યાં ઠેક-ઠેકાણે જમીન પર પથ્થરો અને શિલાઓ દટાયેલી હોવાથી એ વાત ચોક્કસ ખ્યાલ આવે કે વર્ષો પૂર્વે અહીં કોઇ નગર હતું.
આ જંગલનાં સુપરિચિત અને અમોને ખૂણે ખૂણે ફેરવનાર અને છેલ્લાં કેટલાય વર્ષોથી અહીં સેવા આપવા આવતા કાસમપુરાના દિનેશભાઇ કહે છે કે, ``અહીં ભીમની ઘંટી અને અર્જુને દ્રોપદીને પાણી પીવા માટે તીર મારીને જે જગ્યાએ પાણી ઉત્પ્ન્ન કર્યું હતું તે આજેય મોજુદ છે. ભાવિકો અને શ્રધ્ધાળુઓ માટે તો તે  આજે પણ ચમત્કારથી વિશેષ છે. ઝંડ હનુમાનજીની પ્રતિમાથી થોડે દૂર જંગલમાં આગળ જાવ એટલે આ બંને જગ્યા તમને જોવા મળે. જેમાં સૌ પહેલાં અર્જુને દ્રોપદી માટે તીર મારીને પાણી ઉત્પ્ન્ન કર્યું તે જગ્યા આવે છે. ત્યાં આગળથી એક ઝરણું નીકળે છે જે, બારેમાસ વહેતું રહે છે .''

`ઝંડ હનુમાન'ના દર્શને જતાં પહેલાં મંદિરની નીચે જ દાદર પાસેથી આ ઝરણાનું પાણી વહે છે. જ્યાંથી ભકતો પગ ધોઇને હનુમાનજીના દર્શને જાય છે. જોકે હાલમાં તો આ ઝરણાથી ઉદ્ગમવાળી જગ્યાએ કૂવા જેવી ફેન્સીંગ કરી છે. ત્યારબાદ થોડે આગળ જંગલમાં અંદર જાવ એટલે ભીમની ઘંટીના દર્શન કરવા મળે.

ભીમની ઘંટી વિશેની દંતકથા જણાવતાં દિનેશભાઇ કહે છે કે, `` આ ઘંટી 50 થી 100 માણસ થઇને હલાવે તો પણ તસુભાર હલતી નથી. જ્યારે ભીમ એક હાથે આ ઘંટી ફેરવતો હતો.'' તેની શક્તિ વિશે મહાભારતમાં ઘણું લખાયું છે પણ આ ઘંટીને જુઓ તો ખ્યાલ આવે કે ભીમ કેટલો બળિયો હશે? ભીમની ઘંટીથી થોડેક દુર આજુબાજુનાં નાના-નાના પથ્થરોને એક પર એક ગોઠવવાની લોકવાયકા પણ અહીં પ્રચલિત છે તેનું કારણ આપતા એક સ્થાનિક વ્યક્તિ કહે છે કે, ``અહીં તમે એક પર એક કરીને જેટલા પથ્થર ગોઠવતા જાવ એટલા માળનું તમારું ઘર બને'' એટલે અહીં ઠેર-ઠેર તમને આવા પથ્થરો ગોઠવેલા જોવા મળશે.

આ બધું ફરીને, જોઇને પરવારો એટલે મંદિરવાળી જગ્યાની સામે જ થોડું ખૂલ્લું મેદાન છે. જ્યાં આજુબાજુ વનકુટિર અને વિશ્રામસ્થળ છે. જ્યાં ખુલ્લામાં બેસીને પોતાના ગ્રુપ સાથે સૌ નાસ્તો-જમવાનું પણ કુદરતી વાતાવરણમાં મોજમસ્તી સાથે લે છે. અહીં મુલાકાતે આવનાર દર્શનાર્થી મોટેભાગે પોતાની સાથે નાસ્તો, પાણી સાથે જ લઇને આવે છે. કેટલાક લોકો મોટી સંખ્યામાં ગ્રુપમાં આવ્યા હોય તો અહીં ખુલ્લામાં જ રસોડાનો સામાન લગાવી  જમવાનું બનાવી દે છે, એટલે ગરમાગરમ જમવાનો આનંદ પણ મળી શકે. કેટલીક સ્કૂલો પણ આ જગ્યાએ પિકનીક અને ટુરનું આયોજન કરે છે. અહીં બાળકોને પિકનીક પર લઇ આવેલ બોડેલીના ગીતાબેન લાલપુરવાળા કહે છે કે, ``બાળકોને અહીં અમે પ્રકૃતિનો ખ્યાલ આવે અને હનુમાનજીના દર્શન પણ થાય એ માટે પ્રવાસે લઇ આવીએ છે. બાળકોને અહીં રમવાની, ફરવાની ખૂબ મઝા આવે છે. અહીં સમગ્ર ગુજરાતમાંથી કેટલાય લોકો નિયમિત રીતે ઝંડ હનુમાન આવતા હોય છે. અહીં આવો એટલે તમને અદ્ભુત માનસિક શાંતિનો અહેસાસ થાય.''

કાસમપુરના દિનેશભાઇ પણ આ વાતમાં સૂર પૂરાવતા કહે છે, ``કાસમપુરથી કેટલાય યુવકો નિયમિત ઝંડ હનુમાનના દર્શને અને સેવાર્થે અહીં આવે છે. ક્યારેક ચોમાસામાં તો એટલું પાણી ભરાયું હોય કે આવવાનો કે જવાનો કોઇ ચાન્સ ના હોય પણ દાદાની કૃપાથી અમે હેમખેમ પહોંચી જઇએ છીએ. અહીં પંચમહાલ, ગોધરા, હાલોલ, બોડેલી, સંખેડાના ધારાસભ્યો અને અગ્રણી રાજકીય નેતાઓને પણ ઝંડ હનુમાન પર વિશેષ શ્રધ્ધા છે એટલે તેઓ પણ અચૂક અહીં આવતા રહે છે. ગોધરાના માજી  ધારાસભ્ય સી. કે. રાઉલજી ઝંડ હનુમાનજીના દર્શને નિયમિત આવે છે. તો વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના સભ્યો પણ અહીં વાર-તહેવારે આવી સેવા આપે છે.''
ઝંડ હનુમાન ટ્રસ્ટના પ્રમુખ નટુભાઇ ફીલિંગ્સ સાથેની વાતચીતમાં કહે છે કે, `અહીં શ્રદ્ધા હોય તેના તમામ મનોરથ પૂરા થાય છે. મને હૃદયમાં તકલીફ થતાં ડોકટરોએ બાયપાસ સર્જરી કરાવવાની કહી હતી. પણ બાયપાસ સર્જરી માટે એટલાં રૂપિયા લાવવા ક્યાંથી ? એટલે મેં અહીં હનુમાનદાદાના ચરણોમાં વિનંતી કરી કે દાદા  જીવન-મૃત્યુ તમને સોંપ્યું. આજથી હવે હું અહીં જ રહીશ. ત્યારથી નટુભાઇ અહીં જ રહી હનુમાનજીની સેવા કરે છે, અને તેમને હાલમાં કોઇ સમસ્યા નથી.' આવા તો કંઇ કેટલાય ચમત્કારો અને પરચાની વાતો તમને અહીં સાંભળવા મળે. જોકે આ બધા જ ચમત્કારો કે પરચા અંગત શ્રધ્ધાનો વિષય છે.

ટ્રસ્ટના મંત્રી દશરથભાઇ કે જેઓ વિકલાંગ છે તેઓ પણ બારેમાસ હનુમાનજીની સેવાઅર્થે અહીં જ રહે છે તેઓ વાતચીતમાં કહે છે કે, ``હનુમાનજી પ્રત્યે લોકોની  શ્રધ્ધાને કારણે અહીં દર વર્ષે આવનાર ભકતોની સંખ્યા વધતી જ જાય છે. આ શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે લગભગ 3 લાખ કરતાંય વધુ લોકો ઝંડ હનુમાનના દર્શનાર્થે આવે ત્યારે તેમની વ્યવસ્થા કરવી ઘણી અઘરી બાબત છે. કારણ આ સમગ્ર વિસ્તાર જાંબુઘોડાનું અભ્યારણ્ય ગણાતો હોવાથી રોડ કે મંદિરમાં નવા સુધારા-વધારા કે નવા બાંધકામ માટે  કોઇ પરમીશન મળતી નથી. અભ્યારણ્ય હોવાથી પ્રાણીઓને ખલેલ ન પહોંચે અને વન્યસંપત્તિને નુકશાન ન થાય એનો પણ વિશેષ ખ્યાલ રાખવો પડે છે. એટલે શ્રાવણના છેલ્લાં શનિવારે તો અમારે 48 કલાક ખડેપગે ઉભા રહીને વ્યવસ્થાપ્ન સંભાળવું પડે છે.''

તેમણે શ્રધ્ધાળુઓને અપીલ કરતાં કહે છે કે, ``અન્ય યાત્રાધામની જેમ અહીંની પ્રકૃતિ અને વન્ય સંપત્તિને નુકસાન ન થાય એનો તમામે ખ્યાલ આપવો પડશે. નહીંતર આવનાર વર્ષોમાં કદાચ અહીં પણ કચરો, પ્લાસ્ટીકસ વગેરેની સમસ્યા થઇ શકે છે.''

જોકે યુવાવર્ગ માટે તો અભ્યારણ્ય અને પ્રકૃતિથી નિહાળવાનો આ  અમૂલ્ય લ્હાવો હોવાથી અને હાલમાં જે બાઇક કલ્ચર વિકસી રહ્યું છે ત્યારે બાઇક પર સૌથી વધુ યુવાઓની  મુલાકાતનું આ સ્થળ તરીકે ઝંડ હનુમાન વિશ્ર્વ સ્તરે પ્રખ્યાત બને તો નવાઇ નહીં...


Written by : Vijay Rohit 
Published on 1st Sept. 2007 in Feelings Magazine


Tuesday, June 5, 2012

`પ્રિય પત્ની' : એક નોખું પુસ્તક અને એથીય વધારે અનોખો વિમોચન કાર્યક્રમ...!




ગઈકાલે લગભગ એક વર્ષે અમદાવાદની અણધારી મુલાકાતે આવવાનું બની ગયું. લેખક પ્રદીપ ત્રિવેદી દ્વારા સંપાદિત અને સાહિત્ય સંગમ (સુરત) દ્વારા પ્રકાશિત પુસ્તક `પ્રિય પત્ની'નો ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે વિમોચનનો કાર્યક્રમ હતો. પ્રદીપભાઈ સાથે ઘણા સારા સંબંધ અને દિલથી નાતો છે એટલે એમનો પ્રેમપૂર્વક આગ્રહ હતો કે હું આ કાર્યક્રમમાં હાજર રહું. સામાન્યપણે પુસ્તક વિમોચનના કાર્યક્રમ નિયમિતપણે થતાં જ હોય છે એમાં કોઈ નવીન વાત નથી છતાં હું અહીંયા બે કારણથી શેર કરું છું, એક તો પુસ્તકનો સબ્જેક્ટ અને બીજું પુસ્તક વિમોચન કાર્યક્રમમાં નવો પ્રયોગ.

આપણે ત્યાં પુસ્તકશ્રેણીમાં ડીયર ફાધર, મધર, દીકરી વ્હાલનો દરિયો આ બધા વિશે ઘણું લખાયું છે, ઘણા પુસ્તકો બન્યાં છે પણ પત્ની વિશે....? જ્વલ્લે જ કોઈ પુસ્તક હશે. પ્રદીપભાઈએ આ હટ કે કહી શકાય એવા સબ્જેક્ટ પર ઘણી મહેનત કરી છે. એનું એક કારણ એ પણ છે કે આપણા સમાજમાં દામ્પત્ય જીવનની વાતોનું સ્થાન અંગત ગણાય છે એટલે મોટાભાગે જાહેરમાં શેર કરવાની ઓછી હિંમત કરે. તેમ છતાં ગુજરાતના કેટલાક ખ્યાતનામ મહાનુભાવોએ (પ્રિસાઈસલી 77 )ખરેખર હિંમત કરી છે, એટલુંજ નહીં પણ તેમની સફળતામાં પત્નીનો રોલ કેટલો મહત્વપૂર્ણ હતો એનો એકરાર પણ કર્યો છે જે બહુ મોટી વાત છે. કે. લાલ જાદુગરથી માંડી કવિ ઉશનસ્ અને કાન્તિ ભટ્ટથી લઈ ઝવેરીલાલ મહેતા જેવા દિગ્ગજોએ તેમના દામ્પત્ય જીવનની મધુર પળોને આ પુસ્તકમાં શેર કરી છે. કહેવત છે કે વાસણ છે તો ખખડે પણ ખરું એમ દરેકના જીવનમાં ખટ્ટા-મીઠા પ્રસંગો તો બનતાં જ હોય છે. અહીં આ પુસ્તકમાં આવા ઘણાં મહાનુભાવોના ખટમીઠા પ્રસંગોનો ખજાનો છે. એ દ્ષ્ટિએ પણ આ પુસ્તક વાંચી, વંચાવવા અને વસાવવા યોગ્ય છે.

હવે વાત કરું પુસ્તક વિમોચનના નવા પ્રયોગની. અહીં સાત સન્નારીઓએ પુસ્તક વિમોચન કર્યું હતું કે જેમના વિશે તેમના પતિદેવોએ આ પુસ્તકમાં લેખ લખ્યા છે. સામાન્યપણે સુંદર ચમકતા રેપરમાં લપેટાયેલ પુસ્તકને ખોલીને વિમોચન થતું હોય છે પણ અહીં પ્રદીપભાઈએ પુસ્તકને રૅપરની જગ્યાએ મોગરાની વેણીથી રેપરની જેમ સજાવીને મૂક્યું હતું. મોગરાની ખુશ્બૂથી સજ્જ આ પુસ્તકનું સાતે સન્નારીઓએ વેણી ખોલીને વિમોચન કર્યું હતું...! આ ઉપરાંત કાર્યક્રમના અંતે ત્યાં ઉપસ્થિત તમામ પતિદેવોને તેમની પોત-પોતાની પત્નીઓના હસ્તે મોગરાનો છોડ ભેટમાં આપવામાં આવ્યો હતો જેથી તેમના જીવનમાં મોગરાની ખુશ્બૂની જેમ દામ્પત્ય જીવનની મહેંક પ્રસરતી રહે. ક્યા બાત હૈ...!

(મારા ખ્યાલથી દરેક પતિઓએ આ કરવા જેવો એક પ્રયોગ છે જેમાં તેમની પત્ની વિશું શું વિચારે છે એના પર એક લેખ લખી પત્નીને જ ગીફ્ટ આપવાનો. પુસ્તકમાં પ્રકાશિત થાય કે ના થાય એ બીજી વાત છે પણ પત્ની ખુશ થશે એની 100% ગેરન્ટી)

Write : 5/6/12
Posted : 6/612