(Published in Feelings Annual Special Issue " Life Begins at 40)
જેમ પ્રકૃતિનું હેમંત, ગ્રીષ્મ, શિશિર, વસંત, પાનખર અને વર્ષા એમ વિવિધ ઋતુઓમાં વર્ગીકરણ થયું છે એમ માનવીના જીવનમાં પણ અવસ્થાનું ઋતુચક્ર ચાલતું હોય છે. ધ્યાનથી અવલોકન કરશો તો ખ્યાલ આવશે કે પ્રકૃતિના `કોમન સિવિલ કોડ'માં ક્યાંય ભેદભાવ નથી. બધાના જીવનમાં સમાન રીતે શૈશવ, યૌવન અને વૃદ્ધાવસ્થા આવે જ છે. જો યૌવન એ માનવીના જીવનની વસંત છે તો વૃદ્વાવસ્થા એ પાનખર. મનુષ્ય જ્યારે ચાલીસીમાં પ્રવેશે છે ત્યારે વસંતના વાવાઝોડાંનો ઉન્માદ શમવા તરફ ગતિ કરી રહ્યો હોય છે અને પાનખર ઋતુ આવવાના અેંધાણ આવી ચૂક્યા હોય છે. પરંતુ તે છતાં આ નિરાશ થવાનો કે નાસીપાસ થઈ જવાનો સમય નથી. કારણકે માનવીના જીવનમાં જે `ગોલ્ડન પીરિયડ' અથવા `મેજિકલ પીરિયડ' કહેવાય તેની આ શરૂઆત છે.
પોઝિટિવલી વિચારીએ તો, આ તબકક્ે જ દુનિયામાં કંઈ કેટલીય વ્યક્તિઓએ સામાન્ય શરૂઆત કરી અને પાછળ જતાં અસાધારણ સફળતા મેળવી છે. પ્રકૃતિ અથવા ભગવાન જે માનો તે પણ તેના દ્વારા એક વિશિષ્ટ શક્તિની મનુષ્યને ભેટ મળી છે જેનું નામ છે `મન'. મનુષ્ય આ `મન' દ્વારા અકલ્પ્નીય કાર્યો સિદ્ધ કરી શકે છે. માણસ પાસે મન નામનું અમોઘ શસ્ત્ર છે જેનો અસરકારક ઉપયોગ કરીને તે જીવનમાં કાંઈપણ હાંસલ કરી શકે છે. આજકાલ તમે નિયમિત સાંભળતા અને વાંચતા હશો એમ મેનેજમેન્ટ ગુરુ, માઈન્ડ પાવર, પોઝિટિવીટી ઓફ માઈન્ડ જેવા શબ્દો અને પુસ્તકો પ્રચલિત થયાં છે. આ બધા જ પુસ્તકો, ગુરુઓનો સૂર એક જ છે તમારા સબ કોન્શિયસ માઈન્ડનું યોગ્ય પ્રોગ્રામિંગ કરી ઈચ્છિત લક્ષ્ય હાંસલ કરવું. ચાલીસીમાં પ્રવેશેલ વ્યક્તિઓ ઉપરોક્ત રીતે જો માઈન્ડ ટ્રેઈન કરે તો ઘણો ફાયદો થવાની શક્યતા છે.
ચાલીસ પછીનો જીવનકાળ વિશિષ્ટ કહેવાનું બીજું એક કારણ એ પણ છે કે યુવાવસ્થાથી લઈ ચાલીસી સુધી માનવી ઘણા અનુભવો અને અભ્યાસથી પરિપક્વ બની ચૂક્યો હોય છે. તડકી-છાંયડીનો એને અહેસાસ હોય છે. આ અવસ્થામાં વૈચારિક પ્રક્રિયામાં એક બેલેન્સ આવી જતું હોય છે. આ ઠરેલપણું તમારા વિચાર અને કામકાજમાં પણ પ્રગટ થાય છે. ખાસ બાબત એ છે કે, અહીંયા પહોંચતા સુધીમાં અગર નોર્મલ લાઈફ રહી હોય તો નોકરીના કારણે ઠીકઠાક બેંક બેલેન્સ બનાવી લીધું હોય. અને માની લો કે આ એજ સુધી કાંઈ ખાસ નથી કર્યુ તો જીવન વિશે ફરી વિચારવાનો, પોતાના ગોલ રિવાઈઝ કરવાનો આ સુવર્ણ પીરિયડ છે. ચાલીસીના પ્રારંભમાં જ નવેસરથી જિંદગીની બીજી ઈનિંગ માણવા સજ્જ થઈ શકો છો.
`લાઈફ બિગિન્સ એટ ફોર્ટી' ફ્રેઝ વોલ્ટર બી. પિટકીનના પુસ્તક પરથી કોઈન થયો છે. ઈતિહાસ અને વર્તમાનમાં એવા કેટલાય મહાનુભાવો થઈ ગયા છે જેમના જીવનમાં ચાલીસી બાદ પરિવર્તન આવ્યું હોય. ઈટાલીના વિખ્યાત શિલ્પકાર, ચિત્રકાર, આર્કિટેક્ચર માઈકલ એન્જેલોએ તેમના જીવનના ઉતરાર્ધમાં ઘણા અવિસ્મરણીય કામો કર્યા હતા. હેનરી ફોર્ડે ક્રાંતિકારી મોડલ ટી કારનું નિર્માણ કર્યું ત્યારે તેમની ઉંમર 45 વર્ષ હતી. રોકમાઉન્ટ રેન્ચ જે કાઉબોયના ગારમેન્ટ માટે વિશ્ર્વવિખ્યાત છે તેની શરૂઆત જેક વેઈલે 45 વર્ષની ઉંમરે કરી હતી. 2008માં 107 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા ત્યાં સુધી તેના સીઈઓ રહ્યાં હતા. રે ક્રોકે 52માં વર્ષે મેકડોનાલ્ડને ખરીદી તેને જગવિખ્યાત ફાસ્ટફૂડ ચેઈનની બ્રાન્ડ બનાવી. વેરા વોંગ 40ની ઉંમરે ફેશન ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશી તે પહેલાં ફિગર સ્કેટર અને જર્નાલિસ્ટ હતી. આજે તે વિશ્ર્વની પ્રીમિયર ફેશન ડિઝાઈનર ગણાય છે. તેમણે પણ લાઈફની શરૂઆત ચાલીસીથી જ કરી હતી. ફીલિંગ્સનો આ વિશેષાંક જ લાઈફ બિગિન્સ એટ ફોર્ટી પર છે જેમાં આવા ઘણાં સેલિબ્રિટીનો તમને પ્રેરણાત્મક પરિચય થશે.
ચાલીસીની અવસ્થા એ માનવીની મિડલ એજ કહી શકાય. વિક્ટર હ્યુગો કહે છે ચાલીસ એ યુવાનીની વૃધ્ધાવસ્થા છે જ્યારે પચાસ એ વૃધ્ધાવસ્થાની યુવાની છે. મેડિકલ સાયન્સની પ્રગતિના કારણે આજે માનવીનું આયુષ્ય વધ્યું છે ત્યારે 75-80 વર્ષનું એવરેજ આયુષ્ય ગણીએ તો પણ વ્યક્તિ પાસે 35-40 વર્ષનો સમય બચે છે. આ સમય એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે જીવનના નાના-મોટા લક્ષ્યાંકો અહીં સુધી પૂર્ણ થઈ ચૂક્યા હોય છે. હવે પછીના સમયમાં મહત્વાકાંક્ષી વ્યક્તિ જિંદગીનું ફરી આકલન કરી તે ક્યાં છે, ક્યાં જવું છે તે નક્કી કરી શકે છે. જીવનનો આ તબક્કો એવો છે જેમાં વ્યક્તિને પોતાને આનંદ મળે એવા કાર્યો કરવામાં રસ જાગે છે. અત્યાર સુધી જીવનની જરૂરિયાતો પૂરી કરવામાં સમય પસાર કર્યો પણ હવે વિશિષ્ટ કાર્ય કરવા મનગમતાં ફિલ્ડમાં જવાનો વિકલ્પ તેની પાસે હોય છે. જેમ આપણે ત્યાં નિવૃત થયા પછી ઘણી વ્યક્તિઓ મનભાવન પ્રવૃતિ કરે છે. એમ આ સમયમાં પણ વિશિષ્ટ કાર્ય કરવા ઈચ્છતા લોકો માટે આ પરફેક્ટ ટાઈમ છે.
ફિઝિકલ ચેલેન્જિસ એ ચાલીસી પછીના સમયની સૌથી મહત્વપૂર્ણ બાબત છે. આ ગાળામાં શારીરિક પૂર્જાઓમાં વેર એન્ડ ટેરની શરૂઆત થાય છે. જો યુવાનીથી જ એક્સરસાઈઝ અને યોગ્ય લાઈફ સ્ટાઈલ મેઈન્ટેઈન કરી હોય તો ચાલીસીમાં વાંધો ન આવે. અફકોર્સ, યુવાની જેવી ઊર્જા કદાચ ના હોય પણ માનસિક રીતે વ્યક્તિ ખૂબ મજબૂત બની ગઈ હોય છે. જીવનમાં આગળના ગોલ અચિવ કરવા માટે પણ આ તબક્કેથી યોગ્ય આહાર અને ડેઈલી એક્સરસાઈઝનું રુટિન કેળવો તો લાઈફ સ્મૂધ બની શકે છે.
દામ્પત્યજીવનમાં પણ ચાલીસી બાદ ઘણા પરિવર્તન આવે છે. `ધ ડેઈલી મેલ'ના એક રિપોર્ટ અનુસાર જેઓ જીવનના પાંચમાં દાયકામાં હોય છે તેઓને અંગત પળોનો રોમાંચ આ વયે કોઈપણ તબક્કા કરતાં વધુ હોય છે. તેનો એક સર્વે તો એવું પણ કહે છે કે, `25 ટકા મહિલાઓને આ દાયકામાં અફેર હોય છે તેની સરખામણીએ 18 ટકા પુરુષો ચક્કર ચલાવતાં જોવા મળે છે. આ ઉપરાંત 68 ટકા જેટલી મહિલાઓ આ તબક્કે એ જાણતી હોય છે કે પ્રેમ કરવાની કઈ પદ્ધતિમાં તેમને સૌથી વધુ રોમાંચ થાય છે અને આવું કહેવામાં તે સંકોચ પણ નથી અનુભવતી. ભલે આ સર્વે વિદેશનો હોય પણ ગ્લોબલાઈઝેશનના આ યુગમાં ભારતમાં પણ આ ટ્રેન્ડ હોઈ શકે છે.
ચાલીસી સુધી પહોંચતા પહોંચતા તો ગુજરાતીઓમાં ઘણો મોટો ફરક આવી જાય છે. આર્થિક ઉપાર્જનમાં વ્યસ્ત રહેનાર ગુજ્જુઓ અને મહિલાઓ પણ ચાલીસી બાદ મોટેભાગે ગોળમટોળ થઈ ગયા હોય છે. આજકાલ હેલ્થ અને ફિટનેસને લઈને સારી અવેરનેસ થઈ રહી છે તેથી હવે ગુજરાતીઓ થોડાં જાગ્યાં છે અને હવે 40ની થયેલ જનરેશન કે એ તરફ જઈ રહેલ યુવા પેઢી લાઈફમાં હેલ્થ અને ફિટનેસનું મહત્ત્વ સમજી છે એ આનંદની વાત છે.
એન લેન્ડર્સ કહે છે, `વીસમાં વર્ષે આપણે સામેની વ્યક્તિ આપણા માટે શું વિચારે છે એની ચિંતા હોય છે પણ ચાલીસમાં વર્ષે આપણે એ ગણકારતા નથી કે આપણા વિશે કોઈ શું વિચારે છે. ' મતલબ કે 40 પછી સોશિયલી, મેન્ટલી અને ફિઝિકલી વિચારોમાં આમૂલ પરિવર્તન આવી જાય છે. આ પરિવર્તનનો જે ફાયદો ઉઠાવે છે તે સફળ બને છે બાકી બધા માટે સૂર્ય રોજ ઊગે અને આથમે અને જિંદગી નિત્ય ઘટમાળની જેમ બનીને રહી જાય છે. આલ્બેર કામુએ લખ્યું હતું કે, `40 વર્ષ પછી તમારા ચહેરા પરની દરેક રેખા માટે તમે જવાબદાર છો.' અને તમારી જિંદગીનું એનાલિસીસ કરશો તો આ સત્યનો અહેસાસ થશે. ખેર, કેટલાક માટે એજ એ ફક્ત નંબર્સ છે, બાકી પેશન જ તેમના માટે જીવન છે. તાજેતરમાં જ યુ એસ ઓપ્નમાં લિએન્ડર પેસે માર્ટિના હિંગીસ સાથે મિક્સ્ડ ડબલ્સમાં ટાઈટલ જીત્યું. વડાપ્રધાનથી લઈ રાષ્ટ્રપતિ અને સમગ્ર દેશે અભિનંદનની વર્ષા કરી એ લિએન્ડર પેસની ઉંમર પણ 42 વર્ષ છે.
No comments:
Post a Comment