Tuesday, July 7, 2015

`ગાયક બની નથી શકાતું... સિંગર ઈઝ બોર્ન' - મનહર ઉધાસ

An Interview with Well-Known Singer Shri Manhar Udhas
(Published in Feelings Music Special Issue)

`કંઠ એ કુદરતી બક્ષિસ છે. ઉત્તમ ગાયક બનવા ગોડગિફ્ટ હોવી જોઈએ અને કંઠને કેળવવો પડે..' આ શબ્દો છે હિન્દી ગીતોના જાણીતા પાર્શ્ર્વગાયક અને ગુજરાતી ગઝલોને ઘરે ઘરે જાણીતી કરનાર મનહર ઉધાસ. મુંબઈમાં નવરાત્રિના દિવસમાં એમના નિવાસસ્થાને મનહરભાઈ સાથે જ્યારે મુલાકાત ગોઠવાઈ ત્યારે તેમની સંગીતની સૂરીલી સફર વિશે ઘણી પ્રેરણાદાયક અને અજાણી વાતો જાણવા મળી. પ્રસ્તુત છે તેમની સાથેની વાતચીતના અંશ...!


(Image Source - Google)

પ્રશ્ર્ન : આપ્ના બાળપણ વિશે કાંઈક કહો...
મનહરભાઈ : મારો જન્મ સાવરકુંડલામાં થયો હતો. મને બચપણથી જ ગાવાનો શોખ હતો. એ વખતે બજારમાંથી હું પસાર થતો ત્યારે રેડિયો સિલોન પર સાયગલ સાહેબના ગીતો વાગતા... જબ દિલ હી ટૂટ ગયા તો જી કર ક્યા કરે... એ ગીત મને બહુ જ સ્પર્શી ગયું હતું. મારા પિતાજીને મેં વિનંતી કરી કે એ રેકોર્ડ મને લઈ આપે એટલે રેકોર્ડ મળી તો ગઈ પણ મુશ્કેલી એ થઈ કે મારી પાસે પ્લેયર ન હતું. જેથી અમે નીચે પાડોશી પાસે એચએમવીનું પ્લેયર હતું ત્યાં જઈ સાંભળતા. બાળપણની નિર્દોષતા કેવી હોય છે એ જુઓ કે એ વખતે હું આ ગીતના બોલ દિલ્હી ટૂટ ગયા એમ જ સમજતો હતો.

ત્યારબાદ રાજકોટની વીરાણી હાઈસ્કૂલ અને જેતપુરમાં કમરીબાઈ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. એ વખતે ત્રીજા-ચોથા ધો.માં હોઈશ ત્યારે ગિરિન જોશી ડ્રોઈંગના શિક્ષક હતા. એક વખત ગિરિનભાઈ અન્ય શિક્ષકની ગેરહાજરીમાં એમના પીરિયડમાં ડ્રોઈંગનો પીરિયડ લેવા આવ્યા અને દરેક વિદ્યાર્થીને કીધું કે ડ્રોઈંગની બુક કાઢો. પણ એ દિવસે ડ્રોઈંગનો વિષય ન હોવાથી મારા સહિત ચાર વિદ્યાર્થી પાસે ડ્રોઈંગ બુક ન હતી. એટલે સાહેબે અમને બેન્ચ પર ઊભા કરી દીધા અને અમને બધાને લાફો મારી દીધો. એ દિવસે મને બહુ જ દુ:ખ થયું કારણ અમારા ઘરમાં પણ માતા-પિતાએ ક્યારેય અમને હાથ લગાડયો ન હતો. ત્યારબાદ એક મહિના પછી એમની જેતપુરથી રાજકોટ ટ્રાન્સફર થઈ. એમના છેલ્લા પીરિયડમાં તેમણે ક્હ્યું કે આજે ડ્રોઈંગ નહીં કરીએ પણ અંતાક્ષરી રમીએ. ક્લાસમાંથી બધા વિદ્યાર્થીઓએ કહ્યું કે મનહર પાસે ગવડાવો, તે સારું ગાય છે. એ વખતે શાંતારામની ફિલ્મ પરછાંઈનું ગીત `મહોબ્બત હી જો ન સમજે વો જાલિમ પ્યાર ક્યા જાને' ગીત મને ગમતું હતું. આ ગીતના શબ્દો એટલા સરસ હતા કે જ્યારે મેં એ ગાયું ત્યારે સાહેબ રીતસર બાળકની માફક રડી પડ્યા હતા. એમણે તરત જ માફી માગી અને કહ્યું કે તારામાં ઘણી પ્રતિભા છૂપાયેલી છે, તુ ભવિષ્યમાં ઘણી પ્રગતિ કરીશ. બાળપણનો આ પ્રસંગ હજી મારા માનસપટ પર અંકિત છે.

પ્રશ્ર્ન : હિન્દી પ્લેબેક સિંગર તરીકે એન્ટ્રી કેવી રીતે થઈ?
મનહરભાઈ : પ્રાથમિક શિક્ષણ બાદ રાજકોટની કોલેજમાં ભણતો ત્યારે પણ યુથ ફેસ્ટિવલમાં ભાગ લેતો અને ઘણા ઈનામો જીતતો. તે વખતે સંગીત વિશે કોઈ તાલીમ લીધી ન હતી પણ સંગીતશિક્ષક પ્રેક્ટિસ કરાવે એ જ અમારો રિયાઝ. બાદમાં  ભાવનગરની ભાવસિંહજી પોલિટેકનિક ઈન્સ્ટિટ્યૂટમાં મિકેનિકલ એન્જિ.નો અભ્યાસ શરૂ કર્યો. તે વખતે મનુભાઈ ગઢવી જે મારા બનેવી થાય તેઓ કસુંબીનો રંગ ફિલ્મ બનાવી રહ્યા હતા જેમાં સંગીતકાર હતા કલ્યાણજી-આણંદજી. તેમને મારામાં સંગીતની ટેલેન્ટ હોય એવું લાગ્યું એથી મને મુંબઈ બોલાવ્યો અને કલ્યાણજી-આણંદજી સાથે ઓળખાણ કરાવી. ઉપરાંત એન્જિનિયર તરીકે જોબ પણ અપાવી. તે વખતે તેઓ ઉપકાર, જબ જબ ફૂલ ખીલે, સરસ્વતીચંદ્ર જેવી ફ્લ્મિોમાં સંગીત નિર્દેશન સંભાળી રહ્યા હતા. મારા માટે મહત્ત્વની ઘટના એ બની કે તેમણે મને તેમના સીટિંગ રૂમમાં બેસવાનું સ્થાન આપ્યું. તેમના નવા કમ્પોઝિશન્સ હું ગાઈને સંભળાવતો. ત્યારે હું મૂકેશજીના ગીતો વધારે ગાતો. તેમની  સાથે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં હાજર રહેતો જેથી ઘણું બધું જાણવા-શીખવા મળ્યું. એકવાર કલ્યાણજીભાઈ મને પાર્ટીમાં લઈ ગયા હતા ત્યાં તેમણે મને કહ્યું કે મુકેશજીની તબિયત સારી ન હોવાથી એક ગીત તારા અવાજમાં રેકોર્ડ કરવું છે એટલે સવારે સ્ટુડિયો પર આવી જજે. સુમન કલ્યાણપુર સાથે વિશ્ર્વાસ ફિલ્મ માટે ગુલશન બાવરાનું ગીત આપસે હમકો બિછડે હુએ એક જમાના બીત ગયા રેકોર્ડ કરવાનું હતું. સવારે હું આણંદજીભાઈ સાથે પહોંચી ગયો. ગીત તો મને યાદ હતું અને મારે ઓડિશન પૂરતું ગાવાનું હતું. ત્યારબાદ એ ગીત મુકેશજીના સ્વરમાં રેકોર્ડ થવાનું હતું. ત્રણ મહિના બાદ મને જાણ થઈ કે આ ગીત મારા સ્વરમાં જ રાખવામાં આવ્યું છે. મુકેશજીને જ્યારે આ ગીત મારા સ્વરમાં સંભળાવવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે જેણે ગાયું છે એણે ખૂબ સારું ગાયું છે. આમ, આ રીતે મારી હિન્દી પ્લેબેક સિંગર તરીકે એન્ટ્રી થઈ.

પ્રશ્ર્ન : હિન્દી ફિલ્મોમાં આપ્ની સંગીતયાત્રા કેવી રહી ?
મનહરભાઈ : ઘણી ઉત્કૃષ્ટ. એસ. ડી. બર્મનના સંગીતમાં લતાજી સાથે અભિમાન ફ્લ્મિનું ડ્યૂએટ સોંગ લૂંટે કોઈ મન કા નગર .. ખૂબ જ પોપ્યુલર થયું હતું. ત્યારબાદ કાગજ કી નાવ, પૂરબ ઓર પશ્ર્ચિમમાં હું, મહેન્દ્રકપૂર અને લતાજી સાથે પૂરવા સુહાની આઈ રે...વગેરે ઘણા લોકપ્રિય ગીતો ગાયા. જોકે મેજર બ્રેક કહી શકાય એવી બે ફિલ્મોમાં મેં ગાયું હતું. ફિરોઝખાનની ફિલ્મ કુરબાનીમાં, સંગીતકાર કલ્યાણજી-આણંદજીના નિર્દેશનમાં હમ તુમ્હે ચાહતે હૈ ઐસે સુપર હિટ થયું હતું. ત્યારબાદ જેકીશ્રોફની ફિલ્મ હીરોમાં સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલના નિર્દેશનમાં તું મેરા જાનુ હૈ, પ્યાર કરનેવાલે ડરતે નહીં અને ઓ બેબી સિંગ સોંગ એ ગીતો સુપરડુપર હીટ નીવડ્યા. આ બધા ગીતો પછી હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે મારું નામ સ્થાયી થઈ ગયું. અત્યાર સુધી લગભગ 400 જેટલી હિન્દી ફિલ્મોના ગીતો ઉપરાંત  પંજાબી, ઉડિયાના ગીતો અને 35 થી 40 ગુજરાતી ફિલ્મોમાં પણ ગાયું છે. આ ઉપરાંત શિરડી સાંઈબાબાના ભજનોના 20 આલબમ પણ લોકોમાં લોકપ્રિય થયા છે.

પ્રશ્ર્ન : ગુજરાતી ગઝલ ક્ષેત્રે આપ્ની શરુઆત કેવી રીતે થઇ ?
મનહરભાઈ : મુંબઈમાં એક કંપ્નીમાં હું અને કૈલાસ પંડિત સાથે જોબ કરતા હતા. એ સમયે મને ગઝલ વિશે કાંઈ જ ખબર ન હતી. એ મને રિસેસમાં જમવાના સમયે ગઝલો સંભળાવે. ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જશે મુંબઈમાં એ સમયે હું પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો ત્યારે સાંજે કૈલાસ આવી જાય અને ગઝલો સંભળાવે, એ રીતે મને ગઝલનો પરિચય થયો. મુંબઈમાં ત્યારે યોજાતા મુશાયરામાં ઘાયલ, બેફામ, મરીઝ, ગની દહીંવાલા જેવા શાયરો નિયમિત આવતા જેથી હું અને કૈલાસ તેમને સાંભળવા જતા. ત્યારે આ બધા ખ્યાતનામ શાયરોને જે દાદ મળતી એ સાંભળીને ગઝલ તરફ આકર્ષણ થયું હતું.  મુંબઈમાં ત્યારે દર મહિને ભારતીય વિદ્યાભવન તરફથી `આ માસના ગીતો' એવો કાર્યક્રમ થતો જેમાં દર મહિને નવા ગીતો અને નવા ગાયકો રજૂ કરવામાં આવતા. એક વખત મને આ કાર્યક્રમમાં ગાવા માટે આમંત્રણ મળ્યું. એ સમયે કૈલાસ પંડિતની કેટલીક ગઝલો મેં કમ્પોઝ કરી અને પ્રોગ્રામમાં રજૂ કરી. શ્રોતાઓ તરફથી એને સારો પ્રતિસાદ મળતાં મને લાગ્યું કે ગુજરાતી ગઝલો ગાવી જોઈએ.
એ સમયે મુંબઈમાં પોલીડોર નામની નવી રેકોર્ડ કંપ્ની આવી, જેની સાથે કોન્ટ્રાક્ટ થયો અને કૈલાસ પંડિતની રચનાઓને કમ્પોઝ કરીને મારું પ્રથમ ગઝલોનું આલબમ `પ્રીતના શમણાં' ઇપીમાં અને તે પછી પુરસોત્તમભાઈના સ્વરાંકનમાં `સૂરજ ઢળતી સાંજનો' આલબમની એલપી બનાવી. ત્યારબાદ 1987માં બેફામ, શૂન્ય જેવા ઉત્કૃષ્ટ શાયરોની ગઝલો સાથેનું `આગમન' નામનું પ્રથમ ડબલ આલબમ રેકોર્ડ કર્યું. આ આલબમ ગુજરાતી ગઝલો માટે માઈલસ્ટોન સાબિત થયું. અને ત્યારબાદ તો `આગમન'થી હાલમાં `આશીર્વાદ' સુધી 30 ગુજરાતી ગઝલોના આલબમ રિલિઝ થઈ ચૂક્યા છે.

પ્રશ્ર્ન : આપ્ને મળેલા એવોર્ડ ...
મનહરભાઈ : 1970માં `માડી મને કહેવા દે' માટે મેં બદરી કાચવાલાની ગઝલ `જરા આંખ મીંચુ તો છો તમે' ગાઈ હતી જેના માટે ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મને મળ્યો હતો. આ ઉપરાંત ગુજરાત ગૌરવ એવોર્ડ, પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ, મોહમ્મદ રફી એવોર્ડ, ઉમેદ પુરસ્કારથી સન્માનિત થયો છું. 1981માં અમિતાભજી અને કલ્યાણજી-આણંદજી સાથે વર્લ્ડ ટૂર કરી લગભગ 50 લાઈવ શોમાં સાથે પરફોર્મ કર્યું હતું. આ ઉપરાંત તુફાન ફિલ્મનું બહુ પોપ્યુલર ગીત -ડોન્ટ વરી બી હેપી- એ મારા અને અમિતાભજીના અવાજમાં છે.

પ્રશ્ર્ન : બેસ્ટ ઑફ મનહર ઉધાસ...
મનહરભાઈ : નયનને બંધ રાખીને, શાંત ઝરુખે, કંકોતરી, દીકરો મારો લાડકવાયો, માનવ ના થઈ શક્યો.

No comments:

Post a Comment