Friday, December 6, 2013

27 વર્ષનો જેલવાસ ભોગવ્યા પછી પણ કોઈના પર વેરવૃત્તિ ન રાખનાર દ.આફ્રિકાના ગાંધી
નેલ્સન મંડેલા

 

હું એક આફ્રિકન દેશભક્ત છું, ડેમોક્રેસીમાં વિશ્ર્વાસ કરું છું, કોમ્યુનિઝમમાં નહીં. મારા પર જે આરોપ મૂકાયા છે તે તમામ બેબુનિયાદ છે. મારા દેશની સ્વતંત્રતા માટે જે કરવું જોઈએ એ જ મેં કર્યું છે. કોઈપણ નાગરિક માતૃભૂમિની આઝાદી માટે આવું જ કરે. માતૃભૂમિ માટે લડનારા વીર પુરુષોને માનથી જોવામાં આવે છે. માતૃભૂમિની સ્વતંત્રતા માટે લડવું એ કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર ના જ ગણાય. મેં જે કાંઈપણ કર્યું તે દેશબંધુઓ માટે કર્યું છે. મારે દેશની સ્વતંત્રતા માટે ક્રાંતિવીર બનવું પડ્યું એના માટે ગોરાઓની સરકારે ઊભા કરેલા સંજોગો જવાબદાર છે. અમારો વિરોધ ગોરી સરકારના આફ્રિકન શોષણ, સિતમ સામે છે. અમે ક્યારેય ગોરાઓનો સંહાર નથી કર્યો.  આફ્રિકનો અહીં જન્મ્યા છે તો આ દેશ તેમનો રહેવો જોઈએ, આ માંગણી શું અજુગતી છે ? અમે શ્ર્વેતોના દેશમાં જઈ રાજ કરીએ તો શ્ર્વેતો શું સાંખી શકશે ?' વિશ્ર્વની શ્રેષ્ઠતમ સ્પીચીસમાં સામેલ આ સ્પીચના અંશ દ. આફ્રિકાના મહાન ક્રાંતિકારી નેતા નેલ્સન મંડેલાની છે જેમાં આક્રોશ, વ્યથા,  પીડા-સંવેદના છે, માનવીય ચેતનાને જગાડતી ફિલોસોફી છે. રિવોનીયા ટ્રાયલ તરીકે જગવિખ્યાત આ કેસમાં નેલ્સન મંડેલાએ લગાતાર ચાર કલાક સુધી અભૂતપૂર્વ ભાષણ આપી ગોરાઓની બોલતી બંધ કરી દીધી હતી. વિશ્ર્વભરના અખબારોએ તેનું કવરેજ કર્યું હતું. દ.આફ્રિકામાં સ્વતંત્રતા ઝંખતા આફ્રિકનોમાં એક નવી ચેતના જાગૃત કરી દીધી હતી.

આજે આ દ.આફ્રિકા આઝાદ દેશ છે, શ્ર્વેત-અશ્ર્વેત તમામ લોકોને સમાન અધિકાર છે. નેલ્સન મંડેલા પણ જેલમાંથી મુક્ત થઈને દ. આફ્રિકાના પ્રેસિડન્ટ પણ રહી ચૂક્યા છે. પણ એક સમયે આફ્રિકાની આ મૂળ પ્રજાને ગોરા હાકેમોએ ગુલામ બનાવી રાખી હતી. તેમના મૂળભૂત હક્કો છીનવી લીધા હતા. તેમનું જીવન નર્કથી પણ બદતર હતું. ગોરાઓના અત્યાચાર સામે અવાજ ઉઠાવવો એટલે મોત સામે બાથ ભીડવી, પણ આવું સાહસિક કામ કર્યું નેલ્સન મંડેલાએ. કેવી રીતે કર્યું આ સાહસ ? કેવી રીતે જીતી રંગભેદ સામેની લડાઈ એ જાણવું હોય તો નેલ્સન મંડેલાના ભૂતકાળથી વર્તમાન સુધીની ઐતિહાસિક સફર ખેડવી પડે.

નેલ્સન મંડેલાનું બાળપણનું નામ હતું `રોલીહલાહલા (Rolihlahla). ગોરાઓની સ્કૂલમાં ત્યારે આવા આફ્રિકન નામ બોલાય જ નહીં આથી ત્યાંના શિક્ષકે તેમનું ક્રિશ્ર્ચિયન નામ રાખ્યું નેલ્સન. મળૂ થેમ્બુ જાતિના નેલ્સન મંડેલાના પૂર્વજો ત્યાંના રાજા હતા. થેમ્બુ મુખી મડીબાના નામથી ઓળખાતા જેથી આગળ જતાં નેલ્સન મંડેલા `મેડિબા'ના નામે પણ ઓળખાયા. બાળપણમાં જોકે નેલ્સન થોડાં તોફાની અને પ્રકૃતિ સાથે લગાવ ધરાવતા હતા. પાંચ વર્ષની ઉંમરે જ તેઓ ધણ ચરાવવા જતાં. મિત્રો સાથે નિર્વસ્ત્ર નદી અને ઝરણામાં ધૂબાકા પણ ખૂબ બોલાવતા. હંમેશાં ગાયનું તાજુ દૂધ પીવાનું અને ખૂલ્લું આકાશ, ઉડતા પંખીઓ, ઝરણાઓ તેમના મનને પ્રફુલ્લિતતાથી ભરી દેતા. સાંજે તેમના પિતાજી ખાટલો ઢાળી બેસતાં અને તમામ બાળકોને હૉઝા વીરોની બહાદુરીની અનેક વાર્તા કહેતાં. જેના લીધે જ તેમનામાં સાહસિકતા, સહિષ્ણુતા જેવા ગુણો વિકસ્યા. પિતાજીના મૃત્યુ બાદ નેલ્સન હેક્ઝવેનીમાં આવ્યા. ત્યાં તેમણે કલર્કબરી સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો અને અંગ્રેજી રીતભાત શીખ્યા. અહીં જ તેમને બોક્સિંગની રમતમાં રસ જાગ્યો અને બોક્સિંગ શીખ્યા પણ ખરા. જોકે હું આફ્રિકન છું અને મારા દેશને આઝાદ બનાવવો છે એવી સમજ પ્રખ્યાત હૉઝા કવિ ક્રુને મ્હાયીને સાંભળીને મળી. તેમના વીરરસની કવિતાઓએ નેલ્સનના મનને ઝંઝોળી નાંખ્યું. ત્યારબાદ 1960માં આફ્રિકનો માટે એકમાત્ર કોલેજ-યુનિ. એવી ફોર્ટ હેરમાં તેમણે એડમિશન લીધું. અહીં તેમનો માનસિક, બૌદ્ધિક અને શારીરિક વિકાસ થયો. કોલેજમાં અબ્રાહમ લિંકનના નાટકમાં પાત્ર ભજવ્યું. જોકે, કોલેજમાં વિવાદ થતાં માંડેલાએ ભારે હૈયે તેને છોડવી પડી. ઘરે પરત ફરતાં વડીલોએ ધમકાવતાં તેઓ ગામ છોડી જોહાનિસબર્ગ ભાગી આવ્યા. અહીં તેમણે ખાણિયાઓના ચોકીદાર તરીકે કામ કર્યું, ઘણા સારા મિત્રો બન્યા, જાતિભેદ-રંગભેગ મિટાવવા મન તત્પર બન્યું અને 1943માં બીએની ડિગ્રી મેળવી, ત્યારબાદ એલએલબી જોઈન કર્યું. થેમ્બુ જાતિમાં તેઓ સૌ પ્રથમ વકીલ હતા.

જોહાનિસબર્ગમાં જ તેઓ એએનસી (આફ્રિકન નેશનલ કોંગ્રેસ)ના સંપર્કમાં આવ્યા અને તેમનું પૂરું જીવન બદલાઈ ગયું. રંગભેદ અને ભેદભાવભરી નીતિના લીધે ડગલે  ને પગલે અપમાનો જોઈને મંડેલાનું દિલ બળવો કરવા પોકારી ઉઠતું. અહીંથી તેમની સ્વતંત્રતા મેળવવાની લડતનો પ્રારંભ થયો. જેમાં સાથ મળ્યો  વોલ્ટર સીસુલુ, ઓલીવર ટેમ્બો, ડૉ.મોઝોમ્બોઝી, વિક્ટર મ્બોબો, વિલિયમ ન્કોમો વગેરે. 1944માં તેમણે યુથ લીગની સ્થાપ્ના કરી પછી તો જીવનમાં એકમાત્ર ધ્યેય રહ્યું..અંગ્રેજોની હકુમતને ઉથલાવી અહીં લોકશાહીની સ્થાપ્ના કરવાનું.

આ લડતમાં તેમને ઘણા ઈન્ડિયન દોસ્તોનો પણ સાથ મળ્યો જેમાં ઈસ્માઈલ મીર, જે.એન.સીંગ, એહમદ ભૂલા, રામલાલ ભૂલિયા ખાસ હતા. ભારતીય મૂળની જ અમીના કચલીયા અને તેમના પતિ યુસુફ કચલીયા સાથે ખૂબ નજીકના સંબંધો હતા. જોકે મહાત્મા ગાંધીના વિચારો, સત્યાગ્રહ અને અહિંસક લડતનો તેમના પર ભારે પ્રભાવ હતો. તેઓ રાજકારણમાં સક્રિય બન્યાં અને વિવિધ આંદોલનો દ્વારા સરકાર સામે પ્રચંડ વિરોધ કર્યો, દેશની જનતાને પણ લડવા માટે પ્રેરણા આપી. આ સાથે સરકાર વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ પ્રથમવાર તેમની ધરપકડ થઈ. જોકે ત્યારબાદ તેમણે બીજા દેશોનો સાથ મેળવવા આફ્રિકાના અન્ય દેશો અને ઈંગ્લેન્ડની મુલાકાત લીધી. સાથે સાથે મીલિટ્રી ટ્રેનિંગ અને બોમ્બ બનાવવાનું પણ શીખ્યા. 23 જુલાઈ 1962માં તેઓ આફ્રિકામાં પરત ફરતાં જ તેમની ધરપકડ થઈ અને દેશદ્રોહના આરોપસર તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. રિવોનીયા ટ્રાયલ તરીકે ખ્યાતિપ્રાપ્ત આ કેસમાં નેલ્સન મંડેલાએ તેમની જગવિખ્યાત સ્પીચ આપી હતી.

12 જૂન 1964ના દિવસે તેમને આજીવન જેલ થઈ હતી જેમાંથી ક્યારે છૂટાશે તેનો કોઈ અંદાજો ન હતો. હવે તેમની ખરી જેલયાત્રા શરૂ થઈ હતી. લગભગ 27 વર્ષ આફ્રિકાની વિવિધ જેલમાં અસહ્ય યાતનાઓ, પારાવાર પીડા, દુ:ખ, પરિવારના વિયોગ વચ્ચે પસાર કર્યા છતાં લક્ષ્ય માત્ર એક હતું કે ક્યારે આફ્રિકા આ ગોરાઓથી આઝાદ થાય, ક્યારે અમને સમાનતા મળે ? આ દરમિયાન તેઓ જગવિખ્યાત નેતા બની ચૂક્યા હતા. તેમની ખ્યાતિ દેશ-વિદેશમાં પ્રસરી ચૂકી હતી. સરકાર પર તેમને છોડી મૂકવા આંતરરાષ્ટ્રીય દબાણ વધતું હતું. નેલ્સન મંડેલાને જોકે  આઝાદી, સમાનતા સિવાય કાંઈ જોઈતું ન હતું. આખરે, 11 ફેબ્રુઆરી, 1990માં તેમને વિક્ટર વર્સ્ટર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.

1991માં તેઓ આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એએનસી)ના પ્રમુખ તરીકે ચૂંટાયા. સૌથી મહત્ત્વની સિદ્ધિમાં 1993માં તેમને અને પ્રમુખ ડી કલર્કને સંયુક્ત રીતે શાંતિનું નોબેલ પ્રાઈઝ મળ્યું. 1994માં પ્રથમ વાર  આફ્રિકન પ્રજાને વોટ નાંખવાનો અધિકાર મળ્યો અને મંડેલાએ જીવનમાં પહેલીવાર વોટિંગ કર્યું. એટલું જ નહીં પણ 10 મે, 1994ના રોજ તેઓ સૌ પ્રથમ લોકશાહી ઢબે ચૂંટાયેલ પ્રમુખ બન્યા. દરેક આફ્રિકન અને અશ્ર્વેત માટે આ વિરાટ સિદ્ધિ હતી. 1994 થી 99 એમ પાંચ વર્ષ મંડેલાએ દ.આફ્રિકાના પ્રેસિડેન્ટ તરીકે ફરજ નિભાવી. આવી મહાન વિભૂતીને ભારત સરકારે પણ તેના સર્વોેચ્ચ સન્માન `ભારત રત્ન'થી નવાજ્યા છે.

આજે આ નેલ્સન મંડેલા 93 વર્ષની ઉંમરે તબિયત નાદુરસ્ત થતાં હોસ્પિટલમાં એડમિટ છે. ફ્કત આફ્રિકા જ નહીં પણ દુનિયાના તમામ દેશો તેમના દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરી રહ્યા છે. જોકે આ લખાય છે ત્યારે તેમની સ્થિતિ સ્ટેબલ છે અને બની શકે કે આ અંક આપ્ના હાથમાં હોય ત્યારે રજા આપી દીધી હોય. હાલ તો તેમના 95મા જન્મદિવસની ઉજવણીની તૈયારી વિશ્ર્વભરમાં ચાલી રહી છે.

નેલ્સન મંડેલાની વિશેષતા એ છે કે અમાનુષી અત્યાચાર તેમની પર થયા, ગોરાઓએ ગુલામ જેવું વર્તન કરી 27 વર્ષ જેટલો દીર્ઘ સમય તેમને જેલમાં ગોંધી રાખ્યા તેમ છતાં જેલમાંથી છૂટીને તેઓ તમામ કડવાશ ભૂલી ગયા. એક્શન-રિએક્શનની દુનિયામાં દરેક રાજકારણીએ તેમના જીવન પરથી આ પાઠ શીખવા જેવો છે.

અન્યાય, અત્યાચાર અને રંગભેદના લીધે રોપાયા લડતના બીજ
આફ્રિકામાં તે સમયે અશ્ર્વેત, ઈન્ડિયન, કલર્ડઝ માટે જુદાં જુદાં કાયદાઓ હતા. આફ્રિકન માટે વિચિત્રતા એ હતી કે કુટુંબમાં પાંચ બાળકો હોય તો જેની ચામડી કાળી હોય તે જ સાથે રહી શકે. એકાદ બાળક પણ ઓછું કાળું હોય તો તે સાથે ના રહી શકે. રંગભેદનો આવો દાખલો બીજે ક્યાં જોવા મળી શકે ? અશ્ર્વેત, ઈન્ડિયન અને ગોરાઓ માટે રહેવાના, વ્યાપારના વિસ્તાર અલગ. તેમાં એકબીજાના એરિયામાં પ્રવેશબંધી. ગોરાઓ આફ્રિકનોની જમીન ગમે ત્યારે પચાવી પાડતા. અંગ્રેજ વિસ્તારમાં `આફ્રિકન્સ, ઈન્ડિયન્સ એન્ડ ડોગ્સ નોટ એલાઉડ'ના બોર્ડ જોવા મળતાં. આફ્રિકન બાળકોની હોસ્પિટલ જુદી, બસ જુદી, સ્કૂલ પણ અલગ. જ્યાં જાય ત્યાં દરેક આફ્રિકને ખિસ્સામાં ઓળખનો પાસ રાખવો પડતો અને દિવસે કે રાત્રે જ્યારે માંગે ત્યારે બતાવવો પડતો. વિરોધ કરનારને સીધા જેલભેગા કરી દેવાતા. આવા અપમાનો, અત્યાચારો અને ધૂત્કાર નેલ્સન મંડેલાના આત્માને ઝંઝોળી નાંખતા. તેમનું દિલ બળવો પોકારતું અને આખરે તેમણે નક્કી કરી લીધું કે મારા દેશ અને દેશબંધુઓને આ ગુલામીમાંથી હું મુક્ત કરાવીશ.

મારી જેલયાત્રા....
 

પોતાના દેશની સ્વતંત્રતા માટે ગોરાઓ વિરુદ્ધ લડીને જેલવાસ ભોગવ્યો હોય એવા દુનિયામાં પુષ્કળ કિસ્સા હશે પણ નેલ્સન મંડેલાની વાત જુદી જ છે. ગાંધીજી સહિત દુનિયાના કોઈપણ દેશના નેતાઓએ જેલવાસ ભોગવ્યો હોય તે તમામ જેલનિવાસનો સરવાળો કરો તો પણ નેલ્સન મંડેલાનો જેલનિવાસ વધુ થાય. તેમણે પોતાની ઓટોબાયોગ્રાફી `લોંગ વોક ટૂ ફ્રીડમ'માં જેલવાસમાં કેવી યાતનાઓ વેઠી હતી તેનો દર્દનાક ચિતાર આપ્યો છે. જુદી જુદી જેલના પ્રસંગો વાંચો તેમના જ શબ્દોમાં....


`પહેલીવાર જેલમાં લઈ ગયા ત્યારે મારાં કપડાં ઉતારી જેલનો યુનિફોર્મ અપાયો જેમાં ટૂંકું પેન્ટ, ખાખી શર્ટ, મોજાં, સેન્ડલ્સ અને કપડાંની ટોપી. એમાં પણ રંગભેદ તો ખરો જ. આ કપડાં ફક્ત આફ્રિકનો માટે જ હતા. '
`જેલમાં મને એકાંતવાસની સજા કરવામાં આવી હતી. એક અંધારી કોટડીમાં 23 કલાક મને બંધ રાખવામાં આવે. ફક્ત અડધો કલાક સવાર અને સાંજે બહાર કાઢવામાં આવતો. એક એક ક્ષણ યુગ જેવડી લાગતી. તેમાં એક નાનકડો બલ્બ સળગતો પણ વાંચવા, લખવા કે બોલવાની મનાઈ. આ પ્રકારની માનસિક સજાથી માણસ પાગલ થઈ જાય. મારી કોટડીમાં ફરતા વંદાઓ જોઈ તેમની સાથે વાત કરવાની ઈચ્છા થતી.'
`મારી પત્ની વીનીને મારી તબિયતની બહુ ચિંતા રહેતી કારણકે તેણે જેલમાં અપાતી યાતનાઓ વિશે સાંભળ્યું હતું. તેણે ખૂબ પ્રયત્નો કર્યા ત્યારે માંડમાંડ જેલમાં મને મળવા માટે તેને રજા મળી. જોકે એ મળવું બહું વિચિત્ર હતું. ત્રણ-ચાર સુપરવાઈઝરની હાજરીમાં જ મળવાનું, આફ્રિકન ભાષા બોલવાની મનાઈ. કૌટુંબિક વાતો સિવાય કાંઈપણ બોલાઈ જાય તો મુલાકાત તુરંત જ પૂરી કરી દેવાતી. વીની સાથે થોડી વાત કરી ત્યાં તો `ટાઈમ અપ' કરતો વોર્ડન આવ્યો. અમારી આંખો ભીની થઈ ગઈ. ત્યારબાદ કેટલાય મહિનાઓ સુધી વીની સાથે કરેલી વાતો જ મનમાં ઘૂમરાઈ રહેતી.'
`રોબેન આઈલેન્ડ પર અમારી પર ખૂબ ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. આ આઈલેન્ડ પર શિયાળામાં ઠંડીનો પવન હાડકાં ધ્રુજાવી નાંખતો. કારના ટાયરમાંથી બનેલા જોડાં અને ટૂંકા પેન્ટ અમારો પહેરવેશ. કામમાં મોટા મોટા પથ્થરો તોડવાના, ઊંચકીને ટ્રક ભરવાની. જમવામાં ગંધાતો સૂપ અપાતો. અહીં ચૂનાની ખાણોમાં 13 વર્ષ ગાળ્યા અને ખૂબ આકરી મજૂરી કરવી પડી. ત્રિકમ, પાવડાથી ચૂનાની ખાણમાં ખોદી ખોદીને બાવડા દુ:ખી જતા. સાંજ સુધીમાં ચૂનાથી અમારા શરીર ભરાઈ જતાં.'
`સવારે સાડા પાંચે જેલર અમને જગાડી દેતો પણ સાત વાગ્યા પહેલાં બહાર જવાની છૂટ ન હતી. સેલમાં જ ટોઈલેટ માટે લોખંડની બાલદીમાં પાણી મૂકાતું. તે હજામત અને હાથ ધોવા વાપરવાનું. બહાર આવીને બાલદી ખાલી કરી સેલ ચોખ્ખો રાખવાનો. જો સેલ ચોખ્ખો ન હોય કે કપડાં સરખાં ન પહેર્યાં હોય તો એકાંતવાસ કે ભોજન ન આપવાની સજા મળતી.

નેલ્સન મંડેલાનું લગ્નજીવન અને પરિવાર



નેલ્સન મંડેલાના પ્રથમ લગ્ન ઈવનીલ સાથે 1944માં થયા હતા. તેમને સંતાનમાં બે દીકરાઓ અને બે દીકરીઓ હતી. જોકે મંડેલાની રાજકારણમાં વ્યસ્તતા અને માતૃભૂમિને આઝાદ કરાવવની ઝંખના પાછળ પરિવારને સમય ન આપી શકાતો હોવાથી ઈવનીલ સાથે મનદુ:ખ થયું અને 1957માં આ સંબંધનો અંત આવી ગયો. 1958માં તેમના બીજા લગ્ન વિની માડીકીઝેલા સાથે થયા. મંડેલાને તેની સાથે લવ એટ ફર્સ્ટ સાઈટ હતો. વિનીએ પણ મંડેલાના કપરા કાળમાં, જેલવાસ દરમિયાન ખૂબ સાથ આપ્યો, બાળકોનો સારી રીતે ઉછેર કર્યો. જોકે વિચિત્રતા એ હતી કે, મંડેલા જેલમાંથી મુક્ત થયા બાદ અંગત કારણોસર બંને 1996માં છૂટા પડ્યા. 80માં વર્ષે નેલ્સન મંડેલાએ ત્રીજા લગ્ન ગ્રાકા માશેલ સાથે કર્યા જે મોઝોમ્બિકના ભૂ.પૂ. પ્રેસિડન્ટની વિધવા હતી.

You can read this article online in Feelings Website at
http://www.feelingsmultimedia.com/uploads/2013/08/1st%20August%202013/

No comments:

Post a Comment