Monday, November 11, 2013

`સ્નેકમેન' ઓસ્ટીન સ્ટીવન્સ

ઝેરી સાપ પકડવા એ ઓસ્ટીન સ્ટીવન્સ માટે ડાબા હાથનો ખેલ છે. દુનિયામાં કોઈ સાપ એવો નથી કે જેને ઓસ્ટીન ના પકડી શકે. સ્નેક્સ, જાયન્ટ લિઝાર્ડ, કોમેડો ડ્રેગન, બર્મીઝ પાયથોન સહિત અનેક જીવોની વિશેષતાઓના ટીવી સેટ્સ પર ઘેરબેઠા દર્શન કરાવતો આ શખ્સ ખરેખર કાબિલેતારીફ છે...

(ઓસ્ટીન સ્ટીવન્સ સાથે ઈ-મેલ દ્વારા થયેલ વાતચીત) 

By Vijay Rohit, Sub Editor, Feelings Magazine 








દેખિયે યે રહા વો સાંપ જિસે મૈં ઢૂંઢ રહા થા, મુઝે ઈસે જલ્દ હી પકડના હોગા વરના યે ભાગ જાયેગા, આહ.. પકડ લિયા.... બહોત ગુસ્સે મેં હૈ યે, મેરા પકડના ઈસકો અચ્છા નહીં લગા હૈ..યે દેખો વો ફન ફૈલાકર અપ્ને ગુસ્સે કા ઈઝહાર કર રહા હૈ... મુજે જરા સાવધાની બરતની પડેગી.. યે દુનિયા કે સબસે જહરીલે સાંપો મેં સે એક હૈ.. ઈસકા કલર દેખિયે કિતના ખૂબસુરત હૈ.. બઢિયા, અબ મુજે ઈસકી કુછ તસવીરે લેની હૈ, યે બહુત હી લાજવાબ સાંપ હૈ... અબ યે મુજસે કોઈ ખતરા મહેસૂસ નહીં કર રહા હૈ ઈસલિયે શાંત હો ગયા હૈ'... ફોટોગ્રાફ પાડતાં પાડતાં સાપ્ના કલરથી માંડી તેના ઝેર સહિત એ સાપ્ની તમામ લાક્ષણિકતાઓ, તેની જાતિ-પ્રજાતિ અને તેની જન્મકુંડળી કાઢી આબેહૂબ વર્ણન (આપણે ત્યાં હિન્દીમાં ડબ કરી દર્શાવવામાં આવે છે) કરી બતાવનાર આ વ્યક્તિને આપ જો વાઈલ્ડ લાઈફ અને નેચર ફોટોગ્રાફના પ્રેમી હશો તો એનિમલ પ્લેનેટ, ડિસ્કવરી અને નેશનલ જ્યોગ્રાફિક જેવી ચેનલ પર નિયમિત જોતાં જ હશો. રોજ આવા હેરતઅંગેજ કારનામા કરી બતાવનાર આ શખ્સનું નામ છે...ઓસ્ટીન સ્ટીવન્સ.. પણ દુનિયા એને `સ્નેકમેન' તરીકે ઓળખે છે. ઓસ્ટીન સ્ટીવન્સ એ હર્પેટોલોજિસ્ટ (સાપ્ના જીવન વિશેના અભ્યાસી) છે અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર, ડોક્યુમેન્ટ્રીઝ અને ફિલ્મમેકર તેમજ હોસ્ટ તરીકે વિખ્યાત છે.

દક્ષિણ આફ્રિકાના પ્રિટોરીયામાં ઓસ્ટીન સ્ટીવન્સનો જન્મ થયો હતો અને 12 વર્ષની કિશોરાવસ્થાથી જ સાપ્ના પ્રેમમાં પડી ગયા હતા. સ્કૂલમાં અભ્યાસ કરવાની ઉંમરે સૌ પ્રથમવાર સાપ પકડીને ઘરે લાવતાં તેમના પિતા પણ નારાજ થયા હતા અને જો ફરીવાર પક્ડયો તો બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દઈશ એવી ધમકી પણ મળી હતી.  ઓસ્ટીન સ્ટીવન્સ એ વિશે કહે છે કે, `સાપ તરફ મારું આકર્ષણ સમજાવવું ખૂબ અઘરું છે. કદાચ ઘણા કારણો હોઈ શકે છે. સાપ જે અસાધારણ રીતે ખસે છે, તેનો કલર અને ટેક્સચર અને કાંઈક ભેદભરમ જેવી એની જીવનશૈલી વગેરે. મને સાપ પ્રત્યે આકર્ષણ થવામાં કદાચ આમાંથી કોઈ એક અથવા બધા કારણો હોઈ શકે છે.'

પ્રિટોરીયા હાઈસ્કૂલમાં અભ્યાસ બાદ ઓસ્ટીન દ.આફ્રિકન આર્મીમાં જોડાય છે. અહીં પણ તેમની સાપ પકડવાની આવડતને કારણે મિલિટ્રી ઝોનમાં ટેન્ટ, લશ્કરી સાધનોના ગોડાઉન સહિત જ્યાં પણ સાપ હોય તેવી જગ્યાએ સાપ પકડીને કાઢવાની જવાબદારી મળે છે. અહીં જ સૌ પ્રથમવાર ઓસ્ટીનને પફ એડૉર નામનો ખૂબ ઝેરી સાપ કરડી જાય છે. જીવન સામે જોખમ ઊભું થઈ જાય છે ત્યારે ડોક્ટર્સની ત્રણ મહિનાની મહેનત બાદ માંડમાંડ તેમનો હાથ અને જીવ બંને બચી જાય છે.

આ દરમિયાન સાપ પકડવાની આવડત અને કુનેહને કારણે ઓસ્ટીનની ખ્યાતિ નજીકના વિસ્તાર સુધી તો પહોંચી જ ગઈ હતી. ટૂંક સમયમાં જ દ.આફ્રિકાના ટ્રાન્સવાલ સ્નેક પાર્ક તરફથી ઓસ્ટીનને બોલાવવામાં આવ્યા. અહીં તેમને સાપ્ના પ્રશિક્ષક-દેખરેખ રાખનાર નિષ્ણાત તરીકે એક વ્યક્તિની જરૂર હતી. ઓસ્ટીનમાં તેમને એ બધા જ ગુણ દેખાયા એટલે હર્પેટોલોજિકલની ટ્રેનિંગ બાદ તેમણે અહીં ક્યુરેટર તરીકેની જવાબદારી સંભાળી. સાપ સાથે રહેવું એ તેમનું ખરેખર મનગમતું કામ હતું એટલે અહીંથી તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. અહીં સાપ સાથે તેમનું રોજિંદુ જીવન શરૂ થયું. દરેક પ્રકારના સાપ્ની યોગ્ય સંભાળ લેવી, ઝૂ જોવા આવનાર દરેક લોકોને તે બતાવવા, તેમના વિશે સમજાવવું ઓસ્ટીનને ગમતું. અહીં સાપ્ના ડેમોન્સ્ટ્રેશનને લગતા પબ્લિક શો પણ તે કરતા. ટ્રાન્સવાલ સ્નેક પાર્કમાં ઓસ્ટીન 6 વર્ષ રહ્યા અને એ દરમિયાન પ્રથમવાર સાપ્ની દુનિયા વિશેના ત્રણ ટીવી શો હોસ્ટ કરીને પ્રથમવાર ટેલિવિઝિનની દુનિયામાં એન્ટ્રી કરી.ત્યારબાદ ટ્રાન્સવાલને અલવિદા કરી ઓસ્ટીને જર્મનીમાં ટ્રાવેલ કર્યું. અહીં તેમણે સાપ્નું એક ઈન્સ્ટિટ્યૂટ બનાવવા ડિઝાઈન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તેને કાર્યાન્વિત કરવામાં ખૂબ મદદ કરી. ત્યારબાદ ઓસ્ટીન ફરી એકવાર દ.આફ્રિકા પરત ફર્યા અને હાર્ટબીસ્પૂર્ટ ડેમ સ્નેક પાર્ક ખાતે ક્યુરેટર તરીકે કામ કર્યું. અહીં જ તેમણે 3 ડ 4 મીટરના કાચના પીંજરામાં 36 ઝેરીલા સાપો સાથે 107 દિવસ-રાત રહીને વિશ્વવિક્રમ બનાવ્યો હતો.

ઓસ્ટીનને પહેલેથી જ વાઈલ્ડ લાઈફ અને વિવિધ સર્પોને જોવાનું કુતૂહલ રહેતું અને નામિબીયા આ માટેની તમામ શક્યતાઓથી ભરપૂર હતું. આથી ઓસ્ટીન નામિબીયા આવી ગયા. અહીનું રણ અને વાઈલ્ડ લાઈફ જોઈને ઓસ્ટીનનું આવવું સફળ થયું હતું. ઓસ્ટીને અહીંથી જ લખવાનો અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો શોખ ડેવલપ કર્યો હતો. થોડા જ સમયમાં દુનિયાના વિવિધ વાઈલ્ડ લાઈફ મેગેઝિન્સમાં તેમની પોતાની એક્સક્લુઝિવ તસવીર સાથેના લગભગ 150 જેટલા આર્ટિકલ પ્રકાશિત થઈ ચૂક્યા હતા.

વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાંથી ધીમે ધીમે ઓસ્ટીને વાઈલ્ડ લાઈફ ડોક્યુમેન્ટ્રીઝ અને ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું. કેટલાક વાઈલ્ડ લાઈફ ફિલ્મમેકર્સ સાથે થોડો સમય કામ કર્યા બાદ ઓસ્ટીને 16 એમએમનો કેમેરો ખરીદી 1998માં એનડીઆર ટેલિવિઝન, જર્મની માટે સાપ્ની દુનિયા વિશે પ્રથમ ફિલ્મ બનાવી. આ ફિલ્મ ફ્રાન્સ ખાતે યોજાયેલ 14મા ગ્રીનોબેલ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ નેચર એન્ડ એન્વાયરન્મેન્ટ માટે નોમિનેટ થઈ હતી. ત્યારબાદ ઓસ્ટીન સ્ટીવન્સે પાછું વળીને જોયું નથી અને અઢળક ડોક્યુમેન્ટ્રીઝ, ટીવી શો અને ફિલ્મો બનાવી. એની શરૂઆત થઈ નેશનલ જ્યોગ્રાફિક ચેનલથી, જ્યાં ઓસ્ટીને `ડ્રેગન ઓફ ધ નામિબ' ફિલ્મ બનાવી અને પ્રોડ્યુસ કરી. ઓસ્ટીને લગભગ 8 મહિના જેટલો સમયગાળો નામિબીયાના ડેઝર્ટમાં એકાંતવાસ જેવો વીતાવ્યો. અહીં તેણે કેટલાય પ્રકારના સાપ અને ડ્રેગનને જોયા, પકડ્યા અને તેના વિશે માહિતી આપતી ફિલ્મ પણ બનાવી જે સમગ્ર વિશ્ર્વમાં ખૂબ લોકપ્રિય બની. `ડ્રેગન્સ ઓફ નામિબ'ની અપાર લોકપ્રિયતા જોઈને માર્ચ 2001માં યુકે સ્થિત ટાઈગ્રેસ પ્રોડક્શને `સેવન ડેડલી સ્ટ્રાઈક્સ' નામની ફિલ્મ બનાવવા ઓસ્ટીનનો સંપર્ક સાધ્યો. આ ફિલ્મના કારણે ઓસ્ટીન આફ્રિકા ખંડના કેટલાય અજાણ્યા સ્થળો અને જીવોના સંપર્કમાં આવ્યા. `સેવન ડેડલી સ્ટ્રાઈક્સ'ની ભવ્ય સફળતાએ યુએસએની એનિમલ પ્લેનેટનું ધ્યાન ખેંચ્યું. 2002 થી 2005માં શૂટ થયેલ 13 ભાગની આ સિરિઝ યુએસએમાં `ઓસ્ટીન સ્ટીવન્સ સ્નેક માસ્ટર' અને વિશ્ર્વના અન્ય દેશોમાં `ઓસ્ટીન સ્ટીવન્સ મોસ્ટ ડેન્જરસ' તેમજ `ઓસ્ટીન સ્ટીવન્સ એડવેન્ચર્સ' તરીકે પ્રસારિત થઈ. જેમાં દુનિયાના સૌથી ખતરનાક, ઝેરી, સૌથી મોટા અને બ્યુટિફૂલ સાપ્ની શોધ કરી એના વિશે અદ્ભુત માહિતી અપાય છે.

એનિમલ પ્લેનેટ અને નેશનલ જ્યોગ્રાફિક ચેનલ બાદ હવે મોસ્ટ પોપ્યુલર ડિસ્કવરી ચેનલનો વારો હતો. ઓસ્ટીને સીનેફ્લીક્સ કેેનેડા, યુકે ચેનલ ફાઈવ, ટાઈગ્રેસ પ્રોડક્શન અને ડિસ્કવરી સાથે મળીને `ઓસ્ટીન સ્ટીવન્સ એડવેન્ચર્સ 2' નામની સિરીઝ રજૂ કરી. જેમાં સાપ્ની સાથે સાથે દુનિયાના કેટલાક અસાધારણ જીવોની લાઈફસ્ટાઈલ અને બિહેવીયર સામેલ હતા. આમાંના કેટલાક પ્રાણીઓ સાથેનું તેમનું એન્કાઉન્ટર તો રીતસર હૃદયના ધબકારા બંધ થઈ જાય એટલું જબરજસ્ત હતું. ઓસ્ટીન વાઈલ્ડ લાઈફના સંવર્ધન અને બચાવ ઝુંબેશમાં ખૂબ સક્રિય છે. જીવ જોખમમાં મૂકીને પણ આવા જાનલેવા જીવો વિશે તેમણે આપેલી ડોક્યુમેન્ટ્રીઝ, ફિલ્મ અને માહિતીના કારણે જ આજે વાઈલ્ડ લાઈફ વિશે દુનિયાને ઘણું નવું જાણવા મળ્યું છે. આથી જ તેેમને વિશ્ર્વભરમાંથી ઘણાં માન-સન્માન મળ્યાં છે. જોકે ઓસ્ટીન સ્ટીવન્સ તો કહે છે કે, `મારા માટે તો દરેક જીવનું સંરક્ષણ જ સૌથી મોટું ઈનામ છે'. હોલિવૂડ હીરો જેવા લાગતા ઓસ્ટીનના પરાક્રમો જોઈ કોઈપણ વ્યક્તિ તેમની ઉંમરનો અંદાજો 30-40 વર્ષ લગાવે છે, પણ હકીકત એ છે કે તે 63 વર્ષના તરવરાટ-ભર્યા, સ્ફૂર્તિલા અને પૅશન ધરાવનાર `યુવાન' છે. ઓસ્ટીન તેમના બીજા પુસ્તક `ધ લાસ્ટ સ્નેકમેન' બાદ હવે ત્રીજા પુસ્તકની તૈયારીમાં વ્યસ્ત છે.

 

ઓસ્ટ્રેલિયન જાયન્ટ લિઝાર્ડને પકડવા ખૂબ મહેનત કરવી પડી



ઓસ્ટ્રેલિયન જાયન્ટ લિઝાર્ડ વિશે ખૂબ સાંભળ્યું હતું પણ ઓસ્ટીન સ્ટીવન્સને તે રૂબરૂ જોવી હતી, તેની ફોટોગ્રાફી કરવી હતી. આ જાયન્ટ લિઝાર્ડ ઓસ્ટ્રેલિયન ડેઝર્ટમાં જોવા મળે છે જેથી ઓસ્ટીન તેની સફારી(એસયુવી) અને પાછળ ટ્રોલીમાં બાઈક લઈને જાયન્ટ લિઝાર્ડને શોધવા નીકળી પડે છે. ઓસ્ટ્રેલિયન રણમાં પહોંચ્યા બાદ એના પગલાં જોતાં જોતાં ઓસ્ટીન તેની સંભવિત ગુફા જેવા દર સુધી પહોંચી જાય છે છતાં લિઝાર્ડનો પતો નથી મળતો. એક સપ્તાહ એની રાહ જુએ છે પણ લિઝાર્ડના અણસાર ન મળતાં એ બીજો વિકલ્પ અજમાવે છે. એ દરની બહાર એક મૃત કાંગારુ બહાર લાવી મૂકે છે જેથી એની ગંધથી આકર્ષાઈને બહાર આવે પણ હજી લિઝાર્ડ મચક નથી આપતી. આ દરમિયાન એ જીપ કેટલીય દૂર છોડી આવ્યો હોય છે અને અહીં બાઈક પર ફરે છે અને ક્યાંક અચાનક જાયન્ટ લિઝાર્ડ દોડતી નજરે પડે છે અને ચિત્તાની સ્પીડે એ ચાલુ બાઈક પરથી કૂદીને લિઝાર્ડની પાછળ દોડે છે. એ ગજબની સ્ફૂર્તિ સાથે દોડી રહી છે પણ ઓસ્ટીન એનો પીછો કરે છે અને એક જગ્યાએ એની પર રીતસર ધાબો બોલાવી ગળાથી પકડી લે છે. પછી એઝ યુઝવલ એ તેને વશમાં કરી એની આખી જન્મકુંડળી કહી આપે છે.

 

ઓસ્ટીન સ્ટીવન્સના જોવાલાયક એન્કાઉન્ટર


1) ઈન સર્ચ ઓફ જાયન્ટ ઓસ્ટ્રેલિયન લિઝાર્ડ
 2) ઈન સર્ચ ઓફ બર્મિઝ પાયથોન ઈન એમેઝોન
 3) ઈન સર્ચ ઓફ કોમોડો ડ્રેગન
 4) ઈન સર્ચ ઓફ કિંગ કોબ્રા
 5) ધ સ્નેક ધેટ કીલ્ડ ક્લિઓપેટ્રા
 6) વેલી ઓફ ધ સ્નેક્સ
 7) ઈન સર્ચ ઓફ દ ફ્લાઈંગ સ્નેક્સ
 8) ફિલ્મ : ડ્રેગન્સ ઓફ દ નામિબ
 9) ફિલ્મ : સેવન ડેડલી સ્ટ્રાઈક્સ
10) ગ્રીઝલી બીઅર ફેસ-ઓફ

શું છે ઓસ્ટીન સ્ટીવન્સના શોની વિશેષતા ?

દરેક એપિસોડમાં એ કોઈ વિશિષ્ટ સાપ કે પ્રાણીને શોધવા નીકળે છે,એમના હાથમાં સાપ્ને કંટ્રોલ કરવા માટે બનાવેલ એક સાધન અને પાછળ એક બેગ હોય છે. શોની શરૂઆતમાં એ સાપ અથવા પ્રાણીની વિશેષતા શું છે, અહીં રહેવા પાછળ શું કારણ છે, તેની બાયોલોજિકલ આઈડેન્ટિફિકેશન શું છે એ દરેક વાતની સાયન્ટિફીકલી સમજ આપે છે અને શોધ પણ ચાલુ રાખે છે. રસ્તામાં એમને મળતાં નિશાન અને ચિહ્નોને ધ્યાન રાખે છે, અન્ય પશુ-પંખીઓની હરકતને ધ્યાનમાં લે છે અને તેનો ઉપયોગ કરે છે. જે પ્રાણીને કે સાપ્ને શોધવા નીકળે એના સિવાય પણ બીજો કોઈ સાપ કે જીવ દેખાય તો તેને પકડી તેની લાક્ષણિક અદાઓના ફોટા પાડી દર્શકોને મોજ કરાવે છે. તે એમેઝોન નદીના સાંકડા પટમાં ડ્રેગનને પકડવા સાવ છીછરા અને ગંદા પાણીમાં પણ છેક ઊંડે ઊતરી જાય છે તો ક્યાંક સડસડાટ ઝાડ પર ચડીને બખોલમાં હાથ નાખી સાપ કાઢી લાવે છે. અવાવરુ જગ્યા, ગુફા, દર જ્યાં કોઈ ક્યારેય જતું ના હોય ત્યાં એ સિફતતાથી પહોંચી જાય છે. એ દરમાં હાથ કે પગ નાંખીને પ્રાણીની હાજરી ચેક કરે ત્યારે આપણા જીવ અધ્ધર થઈ જાય છે. કોમોડો ડ્રેગન કે જાયન્ટ લિઝાર્ડ પર એ તૂટી પડીને પકડી લે ત્યારે સૌના શ્ર્વાસ અટકી જાય છે. સાપ તો એટલી સહજતાથી પકડે છે કે જાણે કોઈ બાળક રમકડું રમતું હોય. ઉડતા સાપ્ને પકડવા એ નીચે કાંઈ પણ જોયા વિના પડતાં-આખડતાં પણ પીછો કરી એને પકડીને જ ઝંપે છે. વાઈલ્ડ લાઈફ અને રિયાલીટીના અદ્ભુત કોકટેલને કારણે જ ઓસ્ટીન સ્ટીવન્સના શો પોપ્યુલર બન્યાં છે.



ખૂબ ઝેરી એવા 18 કોબ્રા સહિત 36 સર્પોની વચ્ચેના એ 107 દિવસ-રાત...

ઓસ્ટીન સ્ટીવન્સના શબ્દોમાં...


હું જ્યારે હાર્ટબીસ્પૂર્ટ પાર્ક ખાતે સાપ્ના ક્યુરેટર તરીકે હતો ત્યારે એ પાર્કમાં કૈસર નામે એક નર ગોરિલા હતો. આ ગોરિલા એ પૃથ્વી પરથી ઝડપથી નાશ પામી રહેલી પ્રજાતિ છે. મારે ગોરિલાની પ્રજાતિને બચાવવા તેના વિશે લોકોને જાણકારી મળે અને કોઈ ફીમેલ ગોરિલા પાર્ટનર લાવી શકાય એ માટે ફંડ એકઠું કરવા કેમ્પેઈન કરવું હતું. આ ગોલ સિદ્ધ કરવા મેં વિશ્ર્વના સૌથી ઝેરીલા સાપો સાથે કાચના પીંજરામાં રહીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું નક્કી કર્યું જેથી દુનિયાભરમાં એની ચર્ચા થાય, મીડિયામાં પણ મુદ્દો હાઈલાઈટ થાય અને ગોરિલાનું અસ્તિત્વ ખતરામાં છે એ વિશે દુનિયામાં જાણકારી ફેલાય.
જોકે આ કામ વિચારીએ છે તેટલું સરળ ન હતું. હું જાણતો હતો આ કાર્યમાં મારી જાનને પણ ખતરો હતો પણ હું એ કામ માટે તૈયાર હતો. આ  `સ્નેક-સીટ ઈન' પ્રોજેક્ટમાં સાપ સાથે મારે રહેવાનું જે પીંજરું હતું એ 10 ફૂટ બાય 13 ફૂટ (3 ડ 4 મીટર)નું હતું. જેમાં આફ્રિકાના સૌથી ડેન્જરસ, ઝેરી એવા 36 સાપ હતા જેમાં બ્લેક મામ્બાસ અને 18 કોબ્રાનો પણ સમાવેશ થાય છે. મારા અનુભવની વાત કરું તો અહીં રોજ પ્રેસ-મીડિયા અને હજારો દર્શકો ગ્લાસકેજમાં મને જોવા ઉમટી પડતાં જેથી પ્રાઈવસી ક્યારેય ન મળે. ખાસ મુશ્કેલી સૂતી વખતે થતી જ્યારે 18 કોબ્રા મારા બેડની મોટાભાગની જગ્યા કવર કરી લેતા. મારે લગભગ ટૂંટીયું વાળીને સૂઈ જવું પડતું. ઊંઘ પણ લગભગ અડધા કલાકની જ રાખતો અને જરાપણ હલનચલન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડતું. ક્યારેક ટ્રાઉઝરમાં પણ કોબ્રા સાપ ઘૂસી જતાં છતાં હું ધૈર્ય જાળવી રાખતો. સૌથી મોટી મુશ્કેલી આ સાપ્ને જ્યારે ખોરાક (ઉંદરો) આપવામાં આવતો ત્યારે થતી હતી. સાપ્ની ઘ્રાણેન્દ્રિય ખૂબ પાવરફૂલ હોય છે. ઉંદરની ગંધથી તેઓ ખોરાક માટે ઉત્તેજિત થઈ જતાં અને બધા જ સાપ એકસામટા એને ઝડપી લેવા તુટી પડતાં જેથી ક્યારેક ઉંદરની જગ્યાએ ભૂલથી મને પણ કરડી જતાં.
આમ છતાં આ મારા માટે એક અવિસ્મરણીય અનુભવ હતો. અત્યંત ઝેરી અને આટલા બધા સાપ્ની વચ્ચે રહેવાના કારણે મને  તેમની દિનચર્યા અને તેમના જીવન વિશે ઘણું જાણવા મળ્યું જે કદાચ બહુ ઓછા હર્પેટોલોજિસ્ટને જાણવા મળતું હોય છે. અહીં મને દરેક સાપ્ની પસંદગી-નાપસંદગી અને તેમની બુદ્ધિક્ષમતા વિશે પણ ખ્યાલ આવ્યો. તેમણે મને અપ્નાવી લીધો હતો એટલું જ નહીં પણ તેમને જ્યારે ખાતરી થઈ ગઈ કે હું તેમના માટે ખતરો નથી ત્યારે તેમના રૂટિનમાં પણ મને સામેલ કરી દીધો હતો. જોકે પહેલાં 6 સપ્તાહ ખૂબ મુશ્કેલીવાળા હતા જ્યારે આ બધા સાપે અને મારે સાથે રહેવા માટે ટેવાવાનું હતું. એક વખત આ મુશ્કેલીભર્યો પિરિયડ પૂરો થઈ ગયા બાદ આ બધા જ સાપો અને હું જાણે એક ડીલ કર્યું હોય તે રીતે રહેતા હતા. કેટલાક સાપ તો મારાથી એટલા ટેવાઈ ગયા હતા અથવા ફ્રેન્ડલી બની ગયા હતા કે ક્યારેક મારાથી ભૂલથી પણ પગ મૂકાઈ જાય કે પીઠ નીચે દબાઈ જાય તો પણ ગજબની સહનશક્તિ બતાવતા હતા.
આમ જોવા જઈએ તો આ સર્પોએ મને દિવસમાં દસ વાર દંશ મારવા જોઈએ એની જગ્યાએ તેઓ વોર્નિંગ રૂપે ફૂંકાર કરી મને જાણ કરતાં કે હું કાંઈક ખોટું કરી રહ્યો છું. સાપ્ની આવી સહનશક્તિ જોઈને હું હેરત પામી જતો. જોકે 96માં દિવસે મને કોબ્રાએ જબરજસ્ત ડંખ માર્યો હતો. આમ છતાં મારે કહેવું જોઈએ કે એ સાપ પર આવેલ અતિશય પ્રેશર અને સ્ટ્રેસના કારણે જ આવું થયું હતું. યુએસએના એક મેગેઝિન માટે ફોટોસેશન થઈ રહ્યું હતું અને અતિશય લાઈટીંગ તેમજ ફ્લેશના કારણે સાપ્ની સહનશક્તિની મર્યાદા તૂટી હતી અને મારે તેનો ભોગ બનવું પડ્યું હતું. જોકે એ છતાં મેં પીંજરું છોડ્યું નહીં અને તેમાં જ સારવાર લીધી અને એ સમય દરમિયાન તબિયત પણ થોડી લથડી હતી. આખરે 107 દિવસ અને રાત આ 36 સૌથી ઝેરી સાપ સાથે વિતાવીને બહાર નીકળ્યો ત્યારે મેં સૌથી લાંબા સમય સુધી ઝેરી સાપ સાથે રહેવાનો ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડી એક નવો વિક્રમ નોંધાવ્યો હતો. મારા આ અનુભવોને મેં મારા પુસ્તક `સ્નેકસ ઈન માય બેડ'માં વિસ્તૃત રીતે આલેખ્યા છે.

 

 

ઈ-મેલ એન્કાઉન્ટર  વિથ ઓસ્ટીન સ્ટીવન્સ


ફીલિંગ્સ : શું તમને આવા ઝેરી સાપ અને અન્ય જીવોથી ક્યારેય ડર નથી લાગતો ?
ઓસ્ટીન સ્ટીવન્સ : મને પહેલેથી જ સાપ પ્રત્યે લગાવ રહ્યો છે. હું કોઈપણ અત્યંત ઝેરી અને ગુસ્સાવાળો સાપ પણ પળવારમાં પકડી શકું છું. કદાચ સાપ જેવા જીવને સારી રીતે હેન્ડલ કરવાની અને સમજવાની મારી આવડત છે. સાપ્ને જ્યારે સમજાઈ જાય કે હું તેને કોઈ નુક્સાન પહોંચાડવા નથી માંગતો ત્યારે તે શાંત થઈ જાય છે અને મને મારું કામ કરવા દે છે.
ફીલિંગ્સ : કોઈક એવો બનાવ બન્યો છે જેમાં તમે ખરાબ રીતે ફસાઈ ગયા હોવ?
ઓસ્ટીન સ્ટીવન્સ : એડવેન્ચર્સ સિરિઝ દરમિયાન અમે કેનેડાના ગ્રીઝલી બિયર્સ(રીંછ) પર શૂટ કરી રહ્યાં હતા. અચાનક હું મારી ટીમથી છૂટો પડી ગયો અને ત્યાં જ મેં જોયું તો માદા રીંછ અને તેના બચ્ચાંની વચ્ચે હું ઊભો હતો. રીંછનું બચ્ચું જે આઠ ફીટ ઊંચું હતું તે મારાથી થોડા મીટર જ દૂર હતું અને મારી સામે ધારીને જોતું હતું. અચાનક બંને મારી તરફ આવવા માંડ્યા. ત્યારે કાંઈપણ બની શક્યું હોત. જોકે મારી ખુશનસીબી કે એ મને અવગણીને ચાલ્યા ગયા. હું રીંછને સૌથી ડેન્જરસ પ્રાણીમાં ટોપ પર મૂકું છું એનું એક કારણ એ છે કે તે અનપ્રીડિક્ટેબલ છે. હું દરેક પ્રાણીનો મૂડ પારખી શકું છું પણ રીંછ વિશે કહેવું અશક્ય છે.
એવી જ રીતે શ્રીલંકામાં લાંબા દાંતવાળા હાથીનું શૂટિંગ કરી રહ્યાં હતા ત્યારે હું અમારા ક્રૂ સાથે હાથીઓની ઝૂંડની ખૂબ નજીક પહોંચી ગયો હતો. એ દરમિયાન બે હાથી વચ્ચે ખૂબ લડાઈ થઈ અને તેઓ લડતાં-લડતાં સીધા મારી ખૂબ નજીક આવી ગયા હતા. મારા કેમેરામેન અને સાઉન્ડમેન ઝાડની પાછળ સંતાઈ ગયા અને હું ફક્ત એક તૂટેલી ડાળીના સહારે લપાઈને બેસી ગયો અને થેન્ક ગોડ બચી ગયો.
ફીલિંગ્સ : તમને લાગે છે કે કોઈ દેશ કે ખંડની વાઈલ્ડ લાઈફ વિશે હજી વધારે એક્સપ્લોર કરવાની જરૂર છે ?
ઓસ્ટીન સ્ટીવન્સ : મારા ખ્યાલથી એશિયાના જંગલો એ વિશાળ સાપ માટેનું હોમટાઉન છે. મેં સૌથી લાંબો 21 ફૂટનો સાપ પકડ્યો છે. મને આનાથી પણ વધારે મોટો સાપ પકડવો છે અને કદાચ એ અહીં મળી શકે. આ ઉપરાંત એશિયા ખંડની વાઈલ્ડ લાઈફ પર ફિલ્મ પણ બનાવવી છે.
ફીલિંગ્સ : કયા શો એ તમને સૌથી વધુ સંતોષ આપ્યો છે ?
ઓસ્ટીન સ્ટીવન્સ : દરેક એપિસોડ ગમતો જ હોય તેમ છતાં `સેવન ડેડલી સ્ટ્રાઈક્સ'જ્યારે પહેલીવાર શૂટ થયું ત્યારે એ મારા માટે સંતોષજનક ક્ષણ હતી કારણકે એમાં હું હતો જે પ્રથમવાર દુુનિયા સામે આવીને બતાવી રહ્યો હતો કે જુઓ હું શું કરી શકું છું. એનો કન્સેપ્ટ, માર્કેટ અને આઈડીયા મેં ડેવલપ કર્યા હતા અને સફળ પણ થયા. ત્યાં સુધી મારી ઓળખ સ્નેકમેન પૂરતી જ મર્યાદિત હતી. હવે મારી એન્ટરટેઈનમેન્ટ વેલ્યુ પણ લોકોને સમજાઈ હતી. અચાનક જ હું સેલિબ્રિટી સ્ટેટસમાં આવી ગયો હતો. એક કલાકના એપિસોડે મારી જિંદગી બદલી નાંખી હતી.
ફીલિંગ્સ : તમે કયા પ્રકારના કેમેરા વાપરો છો ? ફોટોગ્રાફી માટે ક્યારેય ટ્રેનિંગ લીધી છે
ઓસ્ટીન સ્ટીવન્સ : કોઈપણ આર્ટ શીખવા માટે મેં આમ તો કોઈ ફોર્મલ ટ્રેનિંગ લીધી નથી પણ હા ઈન્સ્ટીંક્ટને વળગી રહું છું અને જ્યાં સુધી હું સંપૂર્ણ સફળતા મેળવતો નથી ત્યાં સુધી છોડતો નથી. મેં જનરલ કેમેરાથી શરૂઆત કરી હતી પણ હું કેનન કેમેરોનો મોટો ફેન છું આથી કેનન અને તેના જ લેન્સ યુઝ કરું છું.

 

એમી સાથેના મેરેજની અનોખી લવસ્ટોરી....





ઓસ્ટ્રેલિયન લેડી એમી, ઓસ્ટીનની ફેન હતી અને તેમના શો જોઈને નિયમિત પત્રો મોકલતી. ઓસ્ટીન જ્યારે એના પત્રો વાંચતા ત્યારે લાગતું કે એમીના પત્રોમાં બીજા કરતાં કાંઈક વિશેષ છે. ઓસ્ટીનને લાગ્યું કે એમીને ખરેખર હર્પેટોલોજી અને વાઈલ્ડ લાઈફમાં રસ છે જેથી તેને પર્સનલ ઈમેલ એડ્રેસ આપ્યું. ત્યારબાદ ઈમેલથી નિયમિત સંપર્કમાં રહેતાં બંનેએ જાણ્યું કે જીવન વિશેના તેમના વિચારોમાં ઘણી સામ્યતા છે. છ મહિનાના ઈમેલ વ્યવહાર બાદ ઓસ્ટીને એમીને નામિબીયા બોલાવી. એમી તો આ મોકાની રાહ જ જોતી હતી અને તુરત જ સીડનીથી નામિબીયા 12 દિવસ માટે પહોંચી ગઈ. જોકે ત્યારબાદ એમી ત્યાં 60 દિવસ રહી હતી. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને ડિસેમ્બર, 2007માં બંનેએ મેરેજ કર્યા. એમી નામિબીયામાં રહી એ સમય દરમિયાન ઓસ્ટીન સાથે ફરી અને જેટલા વાઈલ્ડ લાઈફ અને ઝેરી સાપ્ના સંપર્કમાં આવ્યા ત્યારે પણ એની જરાય ગભરાઈ ન હતી બલ્કે આ જોઈને એને વિશેષ આનંદ થતો. ઓસ્ટીન કહે છે, `મને લાગે છે તેણે મોકલાવેલ સાદો પત્ર અને તેના સાપ સાથેનો ફોટોગ્રાફ મને સ્પર્શી ગયો હતો અને આ લેટરે જ અમારી દુનિયા બદલી નાંખી.' હાલ ઓસ્ટીન અને એમી બંને ઓસ્ટ્રેલિયામાં રહે છે અને એમી અજગરની ક્યુરેટર પણ છે.

------------------------------------------------------------------------------------------------------------

To see the Austin Stevens Amazing Video visit this link

આ રહી ઓસ્ટીન સ્ટીવન્સના ફેસબુક પેજની લીંક..
https://www.facebook.com/AustinStevensAdventurer

You Tube Link of Austin Stevens Episode

1) Austin Stevens In Search of the Giant Lizard

2) Austin Stevens In Search of the Komodo Dragon

3) Austin Stevens - The Snake That Killed Cleopatra



ઓસ્ટીન સ્ટીવન્સની વેબસાઈટ

http://www.austinstevens.net/index.php?option=com_g2bridge&view=gallery&Itemid=21

 ફીલિંગ્સની વેબસાઈટની લિંક જ્યાં તમે ઓનલાઈન આર્ટિકલ વાંચી શકશો.
https://www.feelingsmultimedia.com/





No comments:

Post a Comment