Saturday, April 30, 2011

પૂછીને થાય નહીં પ્રેમ....


(`સહવાસ' - 2 )
 
 
વિચારો કે પૃથ્વી પર પ્રેમ નામનું ઝરણું વહેતું જ ના હોત તો આ પૃથ્વી પર જીવન શક્ય બન્યું હોત ખરું. પશુ-પંખીથી લઈ મનુષ્યમાં `પ્રેમ'ની ઈર્દ ગિર્દ જીવન છે. પ્રેમનું આ પાવન ઝરણું એવું છે કે તેમાં ન્હાવ ત્યારે પણ આનંદ મળે છે, બ્હાર નીકળ્યા બાદ એના સ્મરણોનો આનંદ મળે છે અને વરસો બાદ મીઠી વિરહ કે યાદ સ્વરૂપે પણ આપે તો આનંદ જ છે.  પ્રેમ એટલા માટે જરૂરી છે કેએ તમોને જીવવાલાયક બનાવે છે. ક્યાંક કશુંક ખેંચાણ, રસસભર આકર્ષણ, મનમાં ચાલતી ગડમથલ કે જેમાંથી બહાર નીકળવાનું મન જ ના થાય પ્રેમ આવી જ કોઈક ક્ષણોનો સમન્વય છે. એટલે જ અમૃત `ઘાયલ' એમ કહે છે કે,

જે અંધ ગણે છે પ્રેમને, તે આ વાત નહીં સમજી શકે
એક સાવ અજાણી આંખથી અથડાઈ જવામાં લિજ્જત છે.


એક અનોખી લિજ્જત છે, કશિષ છે આ પ્રેમમાં. પૌરાણિક ગ્રંથોથી લઈ આજના આધુનિક પંડિતો પણ પ્રેમની પોથી ખોલી એના રહસ્યો તાગવાનો પ્રયાસ કરે છે અને ભવિષ્યમાં પણ થશે જ છતાં શાશ્ર્વત વાત એ છે કે પ્રેમ એ કિતાબનો શબ્દ નથી, કોઈએ આપેલું ગુલાબ નથી. એ તો એવો મખમલી અહેસાસ છે જ્યાં પ્રેમ કરનાર સિવાય કોઈ પહોંચી જ ન શકે. શબ્દો ગૌણ બની જાય. હોઠ અને જીભ વાચાને ભૂલી પ્રેક્ષક બની જાય. આંખ જોવાને બદલે સાંકેતિક ભાષામાં વાત કરે, હાથ અને શારીરિક મુદ્રાઓ પ્રિય પાત્ર સિવાય કોઈ ન સમજી શકે.  કદાચ પ્રેમને એટલે જ પાગલ કહેવામાં આવે છે, એમાં ડાહ્યા માણસનું કામ નથી. પ્રેમ થતો નથી, થઈ જાય છે. કવિ તુષાર શુક્લ કહે છે એમ,

દરિયાના મોજાં રેતીને પૂછે,
તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ પૂછીને થાય નહીં પ્રેમ.....


પૂછીને પ્રેમ ના થાય, એડજસ્ટમેન્ટ થાય અને એડજસ્ટમેન્ટમાં પ્રેમ ના હોય. એટલે લગ્નમાં કદાચ એડજસ્ટમેન્ટ હોઈ શકે, પ્રેમ નહીં. પ્રેમની દુનિયા જ સાવ અલૌકિક છે. પ્રેમની વિશેષતા પાત્રતા પર નિર્ભર નથી. સ્વીટ 16માં પણ પ્રેમ થાય અને 60 માં પણ પ્રેમ થઈ શકે. એવા અઢળક કિસ્સાઓ આપણે ત્યાં જોવા મળે જ છે.

પ્રેમની શરૂઆત એક્સાઈટીંગ લાગતી હોય છે,  મધ્યાંતર સ્ટેડી હોઈ શકે છે અને પ્રેમનો અંત ભાગ દુ:ખદ પણ હોઈ શકે છે. પ્રેમમાં બ્રેક-અપ્સ આજ કાલ કોમન બાબત થઈ ગઈ છે. ઈવન, બ્રેક-અપ્સ પણ આજકાલ પ્રેમનો એક ભાગ જ ગણાય છે. તેમ છતાં એટલું ચોક્કસ છે કે ભલે જમાનો હાઈટેક અને એડવાન્સ થઈ ગયો હોય, પ્રેમની રીત બદલાઈ ગઈ હોય, પણ પ્રેમ બદલાયો નથી. એટલે જ `પહેલા પહેલા પ્યાર હૈ'ને ભૂલવું આસાન નથી હોતું. એ પ્રેમની યાદો જીવનભર હૂંફ પણ આપે છે અને દઝાડે પણ છે. હેમેન શાહના શબ્દોમાં કહું તો,

ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.


Written Date : 2/3/2011
Posting Date : 30/4/2011
E-mail : vijaycrohit@gmail.com

4 comments:

  1. પ્રેમ તો પ્રાણવાયુ છે..એ નહી હોય ત્યારે કશુ જ નહિ હોય..


    રાજુલ

    ReplyDelete
  2. સરસ વાત કહી છે..મજા પડી વાંચવાની




    રાજુલ

    ReplyDelete
  3. મેનુંબાર કેવી રીતે બનાવશો?


    બ્‍લોગસ્‍પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.
    http://abhyaskram.blogspot.com/2011/12/blog-post_26.html
    કમલેશ ઝાપડિયા

    ReplyDelete
  4. prem to ishvriy huf che, enu koi thekanu nthi kon kyare kone gamade, mne gamtu jya mle tya aapoaap thay. ej premni bhavna che.

    ReplyDelete