
હાઈ સ્વીટહાર્ટ,
આપણી પ્રથમ ઓફિશિયલ ડેટ્સ એટલે કૉફી શોપ્ની ગરમાગરમ ગુફતેગુ. જ્યારથી તને મળવાનું નક્કી કર્યું કે મારા રોમે રોમમાં એક ગજબની લ્હેરખી દોડી ગઈ હતી. આવતીકાલે મળવાનું હતું પણ એ આવતીકાલ આવતા વર્ષ જેવી લાગતી હતી. ખબર નહીં પણ કેમ આવુ થયું પણ તારા વિચારમાત્રથી જ હું રોમાંચિત થઈ ઉઠતો ત્યારે આ તો પ્રત્યક્ષ રૂબરૂ મળવાનું હતું, તારી સાથે કોફી પીવાની હતી. અંગત વાતોને પ્રથમવાર શેર કરવાની હતી. એટલે ઉત્સાહ તો એવો હતો કે ક્યારે બીજો દિવસ ઊગે અને તને બધું એક જ પળમાં કહી નાખું. આતુરતા એટલી હતી કે આખી રાત ઊંઘ જ ના આવી. આતુરતા અને વ્યાકૂળતાની પરાકાષ્ઠામાં મનનું પતંગીયુ એટલું ઝડપથી ઊડાઊડ કરતું હતું કો તેને પકડવું મુશ્કેલ હતું. એટલે બીજા વિચારોમાં મન પરોવ્યું કે કાલેહું શું પહેરીશ તો તુ ઈમ્પ્રેસ થઈ જાય...!
હમણાં જ દિવાળી પર લીધેલ નવું કિલરનું ડાર્ક બ્લૂ સ્કીન ટાઈટ જિન્સ સાથે બ્લેક નેકલેસ ટી-શર્ટનો ટ્રાયલ લઈ જોયો કે કાલે તને ગમશે કે નહીં. મારા ફેવરીટ ડિઓડરન્ટની માદકતાને પણ ચેક કરી તારા જ વિચાર કરતો સૂઈ ગયો. સવારે આંખ ઊઘડી ત્યારે આઠના ટકોરા વાગી ગયા હતા. શહેરમાં તો હવે ઓરિજિનલ મૂર્ગાની જગ્યાએ મોબાઈલ બાંગ પુકારતા હોય તેમ સૌને ઉઠાડે છે. જોકે તને મળવાનો વિચાર આવતા જ બધુ મૂકીને ફટાફટ ન્હાઈ-ધોઈને તૈયાર થઈ ગયો. ડિઓડરન્ટની ખુશ્બુથી આખું ઘર મઘમઘાટ થઈ રહ્યું હતું. 10 વાગે તને નાઈસ ટાઈમ કોફી શોપ પર મળવાનું હતું. સમય નજીક આવતો જતો હતો એમ ધબકારાની ગતિ વધતી જતી હતી. તને મળીશ તો શું કહીશ એ બધું પણ મનના એક ખૂણામાં ચાલી રહ્યું હતું. આ વિચારોમાં ક્યારે હું ઘરની બહાર નીકળ્યો એ પણ ખબર ના રહી. જોકે રસ્તામાં ફ્લાવર શૉપ જોઈ કે તરત જ તારા માટે રેડ રોઝ લીધું, આપણી પ્રથમ મુલાકાતમાં તને પ્રેઝન્ટ કરવા. દસ મિનિટમાં જ કૉફીશોપ પર પહોચી ગયો. તું બહાર જ ઊભી મારા માટે વેઈટ કરતી હતી.
આજના મોર્ડન યુગમાં પણ આધુનિક શોર્ટસ કે જિન્સની જગ્યાએ મોરપીંચ્છ કલરમાં, પહેલી નજરમાં જ ગમી જાય એવી એમ્બ્રોઈડરી સાથેના કૂર્તા-પાયજામા અને વ્હાઈટ ઓઢણીમાં તારી નજાકત, તારુ સ્મિત કોઈને પણ ઘાયલ કરી દે એવું હતું.
પહેલી નજરમેં કૈસા જાદુ કર દિયા..
તેરા બન બૈઠા હૈ મેરા જિયા...
હાઈ-હેલોની ફોર્માલિટી સાથે બંનેની આંખમાં જે મળવાનો ઉત્સાહ અને ઉમંગ હતો એ સ્પષ્ટ વર્તાતો હતો. એ ઉત્સાહની હેલીને હાથમાં પરોવી કોફીશૉપ્ના લાસ્ટ ટેબલ પર સામ સામે એ રીતે ગોઠવાયા કે જેથી આંખમાં આંખ પરોવીને વાત થઈ શકે. કોફીનો ઓર્ડર આપી દીધો હતો, પણ વાત કોણ અને ક્યાંથી શરુ કરે એની દ્વિધા બંનેના ચહેરા પર સ્પષ્ટ વર્તાતી હતી. આખરે તેં મૌનના દરવાજા તોડીને કોયલની જેમ ટહુકો કર્યો કે તું રોજ કોફી પીએ છે કે ચા ? ચા અને કૉફી ખરેખર આવા સમયે ખૂબ કામ લાગે. અમારી વાતની શરુઆત તો થઈ. મેં કહ્યું, આમ તો ઘરે હું ચા જ પસંદ કરું છું પણ બહાર હોઈએ ત્યારે મિત્રો સાથે અહીં કોફી પીવા આવીએ છીએ. તું ઘડીકમાં ચૂપકીથી મારી સામુ જોઈ લેતી તો ઘડીકમાં હું તારી નજર ચુરાવીને તને નિરખી લેતો પણ હૃદયના ધબકારા એટલી ગતિ પકડી ચૂક્યા હતા કે બીજી શું વાત કરવી એ કાંઈ સૂઝતું જ ન હતું. જોકે આજના મોર્ડન ટ્રેન્ડમાં તો છોકરીઓ એટલી તો ફોરવર્ડ હોય છે જ એટલે જ કદાચ તુ મારા કરતાં વધારે સાહજિક લાગતી હતી. તેં ફરી મને પૂછ્યું કે તમને શું ગમે છે ? મને લાગ્યુે હવે ચાન્સ છે આપણી બેટિંગનો. એટલે કીધું કે મને સંગીત ખૂબ જ પ્રિય છે. એ મારું જીવન કહી શકાય. ખાસ કરીને ગુજરાતી ગીતો-ગઝલો મને બહુ જ ગમે છે. મનહર ઉધાસના સ્વરમાં ગવાયેલ સૈફ પાલનપુરીની નઝમ
શાંત ઝરુખે વાટ નિરખતી રુપ્ની રાણી જોઈ હતી.
મેં એક શહજાદી જોઈ હતી,
એના હાથની મહેંદી હસતી હતી, એની આંખનું કાજ્ળ હસતું હતું,
એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઈ વિકસતું'તું.
મારી ફેવરીટ છે, વારંવાર સાંભળું છું. એને પણ મેં પૂછ્યું કે તારી ફેવરીટ ગઝલ કઈ છે ? કારણ હું જાણતો હતો કે એને પણ ગુજરાતી ગીત-ગઝલમાં મારા જેટલો જ રસ છે. કોલેજ ડેમાં એણે હરિન્દ્ર દવેનું ગીત
પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા એટલું સરસ ગાયું હતું કે તે દિવસે છવાઈ ગઈ હતી. ત્યારથી જ હું તને મનોમન પ્રેમ કરવા લાગ્યો હતો. જોકે, ધીરે ધીરે પણ જેમ ગુલાબની કળી ખીલતી જાય એમ અમે બંને હવે વધુ ખૂલી રહ્યા હતા. મોસમની નજાકત જોઈને મેં એને ગુલાબ આપ્યું. તારો સસ્મિત સૂચક રિપ્લાય ઘણું બધું કહી જતો હતો. અને વાત વાતમાં તેં અદી મિરઝાની તારી ફેવરિટ ગઝલ...
પ્રેમના પુષ્પો ભરીને રાખજો,
દિલ લીધું છે સાચવીને રાખજો...
કહીને પ્રેમના આ સંબંધને સાચવવાનો આડકતરો સંદેશો પણ આપી દીધો અને મને ગમ્યો પણ. પછી તો ગમતી ગઝલ, મનપસંદ ફૂડ, ફિલ્મસ અને ફેવરિટ આઈટ્મ્સના લિસ્ટમાં ક્યારે એકબીજાના દિલમાં પણ ફેવરિટ થઈ ગયા એની ખબર ન પડી.
પ્રતિક્ષણ તને મિસ કરતો
તારો ખાસ ફ્રેન્ડ,
વી.જે.