Tuesday, July 7, 2015

`ગાયક બની નથી શકાતું... સિંગર ઈઝ બોર્ન' - મનહર ઉધાસ

An Interview with Well-Known Singer Shri Manhar Udhas
(Published in Feelings Music Special Issue)

`કંઠ એ કુદરતી બક્ષિસ છે. ઉત્તમ ગાયક બનવા ગોડગિફ્ટ હોવી જોઈએ અને કંઠને કેળવવો પડે..' આ શબ્દો છે હિન્દી ગીતોના જાણીતા પાર્શ્ર્વગાયક અને ગુજરાતી ગઝલોને ઘરે ઘરે જાણીતી કરનાર મનહર ઉધાસ. મુંબઈમાં નવરાત્રિના દિવસમાં એમના નિવાસસ્થાને મનહરભાઈ સાથે જ્યારે મુલાકાત ગોઠવાઈ ત્યારે તેમની સંગીતની સૂરીલી સફર વિશે ઘણી પ્રેરણાદાયક અને અજાણી વાતો જાણવા મળી. પ્રસ્તુત છે તેમની સાથેની વાતચીતના અંશ...!


(Image Source - Google)

પ્રશ્ર્ન : આપ્ના બાળપણ વિશે કાંઈક કહો...
મનહરભાઈ : મારો જન્મ સાવરકુંડલામાં થયો હતો. મને બચપણથી જ ગાવાનો શોખ હતો. એ વખતે બજારમાંથી હું પસાર થતો ત્યારે રેડિયો સિલોન પર સાયગલ સાહેબના ગીતો વાગતા... જબ દિલ હી ટૂટ ગયા તો જી કર ક્યા કરે... એ ગીત મને બહુ જ સ્પર્શી ગયું હતું. મારા પિતાજીને મેં વિનંતી કરી કે એ રેકોર્ડ મને લઈ આપે એટલે રેકોર્ડ મળી તો ગઈ પણ મુશ્કેલી એ થઈ કે મારી પાસે પ્લેયર ન હતું. જેથી અમે નીચે પાડોશી પાસે એચએમવીનું પ્લેયર હતું ત્યાં જઈ સાંભળતા. બાળપણની નિર્દોષતા કેવી હોય છે એ જુઓ કે એ વખતે હું આ ગીતના બોલ દિલ્હી ટૂટ ગયા એમ જ સમજતો હતો.

ત્યારબાદ રાજકોટની વીરાણી હાઈસ્કૂલ અને જેતપુરમાં કમરીબાઈ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. એ વખતે ત્રીજા-ચોથા ધો.માં હોઈશ ત્યારે ગિરિન જોશી ડ્રોઈંગના શિક્ષક હતા. એક વખત ગિરિનભાઈ અન્ય શિક્ષકની ગેરહાજરીમાં એમના પીરિયડમાં ડ્રોઈંગનો પીરિયડ લેવા આવ્યા અને દરેક વિદ્યાર્થીને કીધું કે ડ્રોઈંગની બુક કાઢો. પણ એ દિવસે ડ્રોઈંગનો વિષય ન હોવાથી મારા સહિત ચાર વિદ્યાર્થી પાસે ડ્રોઈંગ બુક ન હતી. એટલે સાહેબે અમને બેન્ચ પર ઊભા કરી દીધા અને અમને બધાને લાફો મારી દીધો. એ દિવસે મને બહુ જ દુ:ખ થયું કારણ અમારા ઘરમાં પણ માતા-પિતાએ ક્યારેય અમને હાથ લગાડયો ન હતો. ત્યારબાદ એક મહિના પછી એમની જેતપુરથી રાજકોટ ટ્રાન્સફર થઈ. એમના છેલ્લા પીરિયડમાં તેમણે ક્હ્યું કે આજે ડ્રોઈંગ નહીં કરીએ પણ અંતાક્ષરી રમીએ. ક્લાસમાંથી બધા વિદ્યાર્થીઓએ કહ્યું કે મનહર પાસે ગવડાવો, તે સારું ગાય છે. એ વખતે શાંતારામની ફિલ્મ પરછાંઈનું ગીત `મહોબ્બત હી જો ન સમજે વો જાલિમ પ્યાર ક્યા જાને' ગીત મને ગમતું હતું. આ ગીતના શબ્દો એટલા સરસ હતા કે જ્યારે મેં એ ગાયું ત્યારે સાહેબ રીતસર બાળકની માફક રડી પડ્યા હતા. એમણે તરત જ માફી માગી અને કહ્યું કે તારામાં ઘણી પ્રતિભા છૂપાયેલી છે, તુ ભવિષ્યમાં ઘણી પ્રગતિ કરીશ. બાળપણનો આ પ્રસંગ હજી મારા માનસપટ પર અંકિત છે.

પ્રશ્ર્ન : હિન્દી પ્લેબેક સિંગર તરીકે એન્ટ્રી કેવી રીતે થઈ?
મનહરભાઈ : પ્રાથમિક શિક્ષણ બાદ રાજકોટની કોલેજમાં ભણતો ત્યારે પણ યુથ ફેસ્ટિવલમાં ભાગ લેતો અને ઘણા ઈનામો જીતતો. તે વખતે સંગીત વિશે કોઈ તાલીમ લીધી ન હતી પણ સંગીતશિક્ષક પ્રેક્ટિસ કરાવે એ જ અમારો રિયાઝ. બાદમાં  ભાવનગરની ભાવસિંહજી પોલિટેકનિક ઈન્સ્ટિટ્યૂટમાં મિકેનિકલ એન્જિ.નો અભ્યાસ શરૂ કર્યો. તે વખતે મનુભાઈ ગઢવી જે મારા બનેવી થાય તેઓ કસુંબીનો રંગ ફિલ્મ બનાવી રહ્યા હતા જેમાં સંગીતકાર હતા કલ્યાણજી-આણંદજી. તેમને મારામાં સંગીતની ટેલેન્ટ હોય એવું લાગ્યું એથી મને મુંબઈ બોલાવ્યો અને કલ્યાણજી-આણંદજી સાથે ઓળખાણ કરાવી. ઉપરાંત એન્જિનિયર તરીકે જોબ પણ અપાવી. તે વખતે તેઓ ઉપકાર, જબ જબ ફૂલ ખીલે, સરસ્વતીચંદ્ર જેવી ફ્લ્મિોમાં સંગીત નિર્દેશન સંભાળી રહ્યા હતા. મારા માટે મહત્ત્વની ઘટના એ બની કે તેમણે મને તેમના સીટિંગ રૂમમાં બેસવાનું સ્થાન આપ્યું. તેમના નવા કમ્પોઝિશન્સ હું ગાઈને સંભળાવતો. ત્યારે હું મૂકેશજીના ગીતો વધારે ગાતો. તેમની  સાથે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં હાજર રહેતો જેથી ઘણું બધું જાણવા-શીખવા મળ્યું. એકવાર કલ્યાણજીભાઈ મને પાર્ટીમાં લઈ ગયા હતા ત્યાં તેમણે મને કહ્યું કે મુકેશજીની તબિયત સારી ન હોવાથી એક ગીત તારા અવાજમાં રેકોર્ડ કરવું છે એટલે સવારે સ્ટુડિયો પર આવી જજે. સુમન કલ્યાણપુર સાથે વિશ્ર્વાસ ફિલ્મ માટે ગુલશન બાવરાનું ગીત આપસે હમકો બિછડે હુએ એક જમાના બીત ગયા રેકોર્ડ કરવાનું હતું. સવારે હું આણંદજીભાઈ સાથે પહોંચી ગયો. ગીત તો મને યાદ હતું અને મારે ઓડિશન પૂરતું ગાવાનું હતું. ત્યારબાદ એ ગીત મુકેશજીના સ્વરમાં રેકોર્ડ થવાનું હતું. ત્રણ મહિના બાદ મને જાણ થઈ કે આ ગીત મારા સ્વરમાં જ રાખવામાં આવ્યું છે. મુકેશજીને જ્યારે આ ગીત મારા સ્વરમાં સંભળાવવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે જેણે ગાયું છે એણે ખૂબ સારું ગાયું છે. આમ, આ રીતે મારી હિન્દી પ્લેબેક સિંગર તરીકે એન્ટ્રી થઈ.

પ્રશ્ર્ન : હિન્દી ફિલ્મોમાં આપ્ની સંગીતયાત્રા કેવી રહી ?
મનહરભાઈ : ઘણી ઉત્કૃષ્ટ. એસ. ડી. બર્મનના સંગીતમાં લતાજી સાથે અભિમાન ફ્લ્મિનું ડ્યૂએટ સોંગ લૂંટે કોઈ મન કા નગર .. ખૂબ જ પોપ્યુલર થયું હતું. ત્યારબાદ કાગજ કી નાવ, પૂરબ ઓર પશ્ર્ચિમમાં હું, મહેન્દ્રકપૂર અને લતાજી સાથે પૂરવા સુહાની આઈ રે...વગેરે ઘણા લોકપ્રિય ગીતો ગાયા. જોકે મેજર બ્રેક કહી શકાય એવી બે ફિલ્મોમાં મેં ગાયું હતું. ફિરોઝખાનની ફિલ્મ કુરબાનીમાં, સંગીતકાર કલ્યાણજી-આણંદજીના નિર્દેશનમાં હમ તુમ્હે ચાહતે હૈ ઐસે સુપર હિટ થયું હતું. ત્યારબાદ જેકીશ્રોફની ફિલ્મ હીરોમાં સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલના નિર્દેશનમાં તું મેરા જાનુ હૈ, પ્યાર કરનેવાલે ડરતે નહીં અને ઓ બેબી સિંગ સોંગ એ ગીતો સુપરડુપર હીટ નીવડ્યા. આ બધા ગીતો પછી હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે મારું નામ સ્થાયી થઈ ગયું. અત્યાર સુધી લગભગ 400 જેટલી હિન્દી ફિલ્મોના ગીતો ઉપરાંત  પંજાબી, ઉડિયાના ગીતો અને 35 થી 40 ગુજરાતી ફિલ્મોમાં પણ ગાયું છે. આ ઉપરાંત શિરડી સાંઈબાબાના ભજનોના 20 આલબમ પણ લોકોમાં લોકપ્રિય થયા છે.

પ્રશ્ર્ન : ગુજરાતી ગઝલ ક્ષેત્રે આપ્ની શરુઆત કેવી રીતે થઇ ?
મનહરભાઈ : મુંબઈમાં એક કંપ્નીમાં હું અને કૈલાસ પંડિત સાથે જોબ કરતા હતા. એ સમયે મને ગઝલ વિશે કાંઈ જ ખબર ન હતી. એ મને રિસેસમાં જમવાના સમયે ગઝલો સંભળાવે. ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જશે મુંબઈમાં એ સમયે હું પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો ત્યારે સાંજે કૈલાસ આવી જાય અને ગઝલો સંભળાવે, એ રીતે મને ગઝલનો પરિચય થયો. મુંબઈમાં ત્યારે યોજાતા મુશાયરામાં ઘાયલ, બેફામ, મરીઝ, ગની દહીંવાલા જેવા શાયરો નિયમિત આવતા જેથી હું અને કૈલાસ તેમને સાંભળવા જતા. ત્યારે આ બધા ખ્યાતનામ શાયરોને જે દાદ મળતી એ સાંભળીને ગઝલ તરફ આકર્ષણ થયું હતું.  મુંબઈમાં ત્યારે દર મહિને ભારતીય વિદ્યાભવન તરફથી `આ માસના ગીતો' એવો કાર્યક્રમ થતો જેમાં દર મહિને નવા ગીતો અને નવા ગાયકો રજૂ કરવામાં આવતા. એક વખત મને આ કાર્યક્રમમાં ગાવા માટે આમંત્રણ મળ્યું. એ સમયે કૈલાસ પંડિતની કેટલીક ગઝલો મેં કમ્પોઝ કરી અને પ્રોગ્રામમાં રજૂ કરી. શ્રોતાઓ તરફથી એને સારો પ્રતિસાદ મળતાં મને લાગ્યું કે ગુજરાતી ગઝલો ગાવી જોઈએ.
એ સમયે મુંબઈમાં પોલીડોર નામની નવી રેકોર્ડ કંપ્ની આવી, જેની સાથે કોન્ટ્રાક્ટ થયો અને કૈલાસ પંડિતની રચનાઓને કમ્પોઝ કરીને મારું પ્રથમ ગઝલોનું આલબમ `પ્રીતના શમણાં' ઇપીમાં અને તે પછી પુરસોત્તમભાઈના સ્વરાંકનમાં `સૂરજ ઢળતી સાંજનો' આલબમની એલપી બનાવી. ત્યારબાદ 1987માં બેફામ, શૂન્ય જેવા ઉત્કૃષ્ટ શાયરોની ગઝલો સાથેનું `આગમન' નામનું પ્રથમ ડબલ આલબમ રેકોર્ડ કર્યું. આ આલબમ ગુજરાતી ગઝલો માટે માઈલસ્ટોન સાબિત થયું. અને ત્યારબાદ તો `આગમન'થી હાલમાં `આશીર્વાદ' સુધી 30 ગુજરાતી ગઝલોના આલબમ રિલિઝ થઈ ચૂક્યા છે.

પ્રશ્ર્ન : આપ્ને મળેલા એવોર્ડ ...
મનહરભાઈ : 1970માં `માડી મને કહેવા દે' માટે મેં બદરી કાચવાલાની ગઝલ `જરા આંખ મીંચુ તો છો તમે' ગાઈ હતી જેના માટે ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મને મળ્યો હતો. આ ઉપરાંત ગુજરાત ગૌરવ એવોર્ડ, પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ, મોહમ્મદ રફી એવોર્ડ, ઉમેદ પુરસ્કારથી સન્માનિત થયો છું. 1981માં અમિતાભજી અને કલ્યાણજી-આણંદજી સાથે વર્લ્ડ ટૂર કરી લગભગ 50 લાઈવ શોમાં સાથે પરફોર્મ કર્યું હતું. આ ઉપરાંત તુફાન ફિલ્મનું બહુ પોપ્યુલર ગીત -ડોન્ટ વરી બી હેપી- એ મારા અને અમિતાભજીના અવાજમાં છે.

પ્રશ્ર્ન : બેસ્ટ ઑફ મનહર ઉધાસ...
મનહરભાઈ : નયનને બંધ રાખીને, શાંત ઝરુખે, કંકોતરી, દીકરો મારો લાડકવાયો, માનવ ના થઈ શક્યો.

બોલિવૂડને ચિરંજીવ બનાવતા ગીતકાર

- Vijay Rohit 

(Published in Feelings Bollywood's 100 years Sp. Issue-Diwali-14)

જ્યારથી ટોકી ફિલ્મો અને ગીતોની શરૂઆત થઈ ત્યારથી આજદિન સુધીમાં અસંખ્ય કહી શકાય તેટલાં ગીતો બોલિવૂડે આપણને આપ્યાં છે. દરેક પ્રસંગ, દરેક ભાવ, દરેક ઉત્સવ અને જીવનના તમામ રંગોને વણી લેતા આ ગીતો આપણી લાઈફસ્ટાઈલનો ભાગ બની ગયા છે ત્યારે ચાલો આ ગીતકારોની કલ્પ્નામાં શબ્દવિહાર કરી તેમને જાણીએ...!

---------------------------------------------------------------------------------------------------



ચલતે ચલતે યું હી કોઈ મિલ ગયા થા 
સરે રાહ ચલતે ચલતે...
વહીં થમ કે રહ ગઈ હૈ, 
મેરી રાત ઢલતે ઢલતે...

ભારત દેશના કોઈપણ પ્રદેશમાં કે પછી પરદેશમાં ફરી રહ્યાં હોવ પણ ચલતે ચલતે બોલિૂવડનાં આવાં કેટલાંય ક્લાસિક ગીતો તમને રેડિયો-એફએમ, ટીવી પર કે મ્યૂઝિક લવર્સ ગુનગુનાવતા હોય તે રીતે અચુક સાંભળવા મળે. હિન્દી સિનેમાનાં આ ક્લાસિક ગીતો કોઈપણ જાતના ભેદભાવ વિના આખા દેશને કનેક્ટ કરે છે એ રીતે પણ તેનું પ્રદાન ખૂબ નોંધનીય અને અમૂલ્ય છે.  બોલિવૂડ ગીતોના સંદર્ભે ઘણીવાર તમે જૂની પેઢી જ નહીં પણ આજની યુવા પેઢીને પણ `ઓલ્ડ ઇઝ ગોલ્ડ' આવું કહેતાં સાંભળી હશે. હિન્દી ફિલ્મોના આ યાદગાર, બેમિસાલ ગીતો શબ્દોનું સૌંદર્ય અને ક્લાસિક કવિતાનું ઉદાહરણ છે. એટલા માટે જ એ દાયકાઓથી સુપરડુપર હિટ રહ્યાં છે. સંગીતકારોની કર્ણપ્રિય ધૂન તો ખરી જ પણ એની સાથે સાથે હૃદયને સ્પર્શી જાય તેવા શબ્દો અને કવિતાની કમાલ હિન્દી ગીત-ગઝલના કવિ-શાયરોએ કરી છે. પ્યોર પોએટ્રી આ ગીતોની વિશેષતા રહી છે. એનું અસ્તિત્વ, પોપ્યુલારિટી ચિરંજીવી છે. બોલિવૂડનાં સો વર્ષની ફિલ્મયાત્રા પર જ્યારે આ વિશેષાંક બની રહ્યો છે ત્યારે ચાલો મળીએ આ ગીતકારોને, જેમનાં ગીતો આપણે હજી નિયમિત સાંભળીએ છે.

1931માં `આલમઆરા' ફિલ્મથી ભારતમાં બોલતી ફિલ્મોની શરૂઆત થઈ અને એ સાથે જ ગીત-સંગીતની મેલોડિયસ મહેફિલની શરૂઆત થઈ. પહેલું ગીત આપણા કાને પડે છે `દે દે ખુદા કે નામ પર'. પ્લે બેક સિંગિંગ શરૂ થવાને હજી વાર હતી. એ સમયે મોટેભાગે સ્ટોરી રાઈટર્સ ગીતો લખતાં અથવા ઘણાં ગીતો નાટકોમાંથી કે લોકગીતોમાંથી લેવામાં આવતાં હતાં. ત્યારબાદ ફિલ્મોમાં આવતા પ્રસંગને અનુરૂપ ગીતો લખવાની જરૂરિયાત ઊભી થતાં ગીતકારોના ઉદયની શરૂઆત થાય છે. 1940ના દાયકામાં પ્રવેશતા સુધીમાં કિદાર શર્મા, ડી.એન. મધોક, કમર જલાલાબાદી, પં. ભૂષણ, તન્વીર નક્વી, પં. નરેન્દ્ર શર્મા અને કવિ પ્રદીપ ગીતકાર તરીકે ફિલ્મોમાં સ્થાન જમાવી દે છે. આ બધા ગીતકારોમાં કવિ પ્રદીપે આઝાદીનાં ખ્વાબ જોઈ રહેલા ભારત દેશના નાગરિકોની ચેતનાને ઝંઝોળે તેવાં દેશભક્તિનાં ગીતો લખી ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધું.

6 ફેબ્રુઆરી, 1915માં બડનગર, ઉજ્જૈનમાં જન્મેલ કવિ `પ્રદીપ' મૂળ નામ રામચંદ્ર નારાયણજી દ્વિવેદી છે. 1939માં લખનૌ યુનિ.માંથી તેમણે ગ્રેજ્યુએશન કર્યું. તે સમયે તેઓ કવિ સંમેલનો અને મુશાયરા ગજવતા હતા. આ સમય દરમિયાન જ તેમણે તેમનું તખલ્લુસ `પ્રદીપ' રાખ્યું હતું. એકવાર મુંબઈ ખાતે યોજાયેલ મુશાયરામાં બોમ્બે ટોકિઝના સર્જક હિમાંશુ રાયની નજર કવિ પ્રદીપ પર પડે છે અને તેમને ફિલ્મ `કંગન' (1939)માં  ગીત લખવા ઑફર કરે છે. પ્રદીપજી તેમાં ચાર ગીતો લખે છે અને બધાં જ લોકપ્રિય બને છે. જોકે તેમને ખ્યાતિ ત્યારબાદ 1940માં આવેલ ફિલ્મ `બંધન'ના ગીત `ચલ ચલ રે નૌજવાન'થી મળે છે. આ ફિલ્મમાં તેમણે બધાં જ ગીતો લખ્યાં હતાં અને અભૂતપૂર્વ સફળતા મળી હતી. બોમ્બે ટોકિઝ માટે ત્યારપછી તેમણે પુર્નમિલન (1940), ઝૂલા (1941), નયા સંસાર (1941), અંજાન (1943) અને કિસ્મત (1943)નાં ગીતો લખ્યાં. `કિસ્મત' ફિલ્મના

`આજ હિમાલય કી ચોટી સે 
ફિર હમને લલકારા હૈ, 
દૂર હટો એ દુનિયાવાલો 
હિન્દુસ્તાન હમારા હૈ' 

ગીતે આઝાદી માટે થનગની રહેલ યુવાઓમાં ઝનૂન પેદા કરી દીધું. અત્રે યાદ રહે એ સમયે `ભારત છોડો' આંદોલન તેની ચરમ સીમાએ હતું. થિયેટરમાં જ્યારે આ ગીત આવતું ત્યારે પ્રેક્ષકો વધાવી લેતા, વન્સ મોરના નારા સાથે ગીત રિવાઇન્ડ કરાવી ફરી ફરીવાર બતાવવા થિયેટર માલિકોને મજબૂર કરતાં. `કિસ્મત' ફિલ્મે સાડા ત્રણ વર્ષ સુધી થિયેટરમાં રાજ કરી અંગ્રેજ સરકારને ચેલેન્જ ફેંકી. યાદ રહે આ આપણી પહેલી સુપરડુપર હિટ ફિલ્મ હતી.  આખરે બ્રિટિશ હકુમત આ ગીતની લોકપ્રિયતાથી ગભરાઈને કવિ પ્રદીપ્ની ધરપકડ માટે વોરંટ કાઢે છે જેથી પ્રદીપજી થોડો સમય અન્ડરગ્રાઉન્ડ થઈ જાય છે. કેવી શબ્દોની તાકાત...!
જોકે કવિ પ્રદીપ્ની કલમે હજી દેશને ઘણાં યાદગાર ગીતો મળવાનાં હતાં. 1954માં `જાગૃતિ' ફિલ્મનાં પ્રદીપજીનાં ગીતો બધા જ રેકોર્ડ તોડી નાંખે છે. `દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન' ગીત તેમણે જાતે ગાયું છે. તો `આઓ બચ્ચોં તુમ્હેં દિખાયેં ઝાંખી હિન્દુસ્તાન કી', `હમ લાયે હૈ તુફાન સે કિશ્તી નિકાલ કે', `દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ' જેવાં ગીતોએ રાષ્ટ્રપ્રેમને મજબૂત કરવાની સાથે સાથે ગાંધીવિચારને પણ જનમાનસમાં અસરકારક રીતે વહેતો કર્યો. પ્રેક્ષકો આ ગીતો સાંભળવા ફિલ્મ જોતાં. એવું નથી કે તેમણે દેશભક્તિનાં જ ગીતો લખ્યાં, જીવનની ફિલસૂફી, સંબંધો અને પ્રેમ જેવા વિષય પર પણ તેમણે શબ્દો દ્વારા અચૂક ચોટ સાધી છે. `ચલ અકેલા ચલ અકેલા તેરા મેલા પીછે છૂટા રાહી ચલ અકેલા', `દૂસરોં કા દુખડા દૂર કરનેવાલે', `પીંજરે કે પંછી રે' દ્વારા જીવન અને સંબંધોના મર્મની વાત કરે છે.


1962માં ભારત-ચીન યુદ્ધ વખતે તેઓ પરમવીર મેજર શૈતાનસિંઘ ભટ્ટીની શૂરવીરતા અને બલિદાનથી પ્રભાવિત થાય છે અને ફરી એકવાર દેશભક્તિનું માઇલસ્ટોન ગીત `અય મેરે વતન કે લોગો, જરા યાદ કરો કુરબાની' સાથે આવે છે. લતાજીના કંઠે અમર બનેલ આ ગીત દેશની જનતા સહિત વડાપ્રધાન જવાહરલાલ નેહરુને પણ રડાવે છે. જોકે આ ગીત માટે તેના સંગીતકાર સી. રામચંદ્ર અને  લતા મંગેશકર વચ્ચે સમજફેર થતાં આશા ભોંસલે આ ગીત ગાવાનાં હતાં પરંતુ પ્રદીપજી આ ગીત લતા મંગેશકર ગાય તે બાબતે મકક્મ હતા. તેમણે લતાજીને વાત કરી મનાવી લીધાં અને તેઓ તુરંત આ ગીત ગાવા તૈયાર થઈ ગયાં પણ શરત એ રાખી કે આ ગીતના રિહર્સલ વખતે કવિ પ્રદીપ પણ ત્યાં હાજર રહે. નિયતિને કદાચ એ જ મંજૂર હશે અને ભારતની સર્વોત્તમ ગાયિકા લતા મંગેશકરે દેશભક્તિની સૌથી ઉત્તમ રચના ગાઈ. ભારત સરકાર દ્વારા કવિ પ્રદીપ્ને `રાષ્ટ્રીય કવિ'નું સન્માન આપવામાં આવ્યું. કવિ પ્રદીપજીએ તેમના પાંચ દાયકાના કાર્યકાળ દરમિયાન 1700થી વધારે ગીતો લખ્યાં જેમાં 72 ફિલ્મોનાં ગીતોનો પણ સમાવેશ થાય છે. 1977માં તેમને હિન્દી સિનેમાના સૌથી ઉચ્ચતમ ઍવૉર્ડ `દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ ફોર લાઇફ ટાઇમ અચીવમેન્ટ'થી નવાજવામાં આવ્યા.

દ્વિતીય વિશ્ર્વયુદ્ધ બાદ કવિ પ્રદીપ્ની સાથે સાથે ભરત વ્યાસ, જોશ મલિહાબાદી, પ્રેમ ધવન, અલી સરદાર જાફરી, મજરુહ સુલતાનપુરી, ઝિઆ સરહદી, શૈલેન્દ્ર અને હસરત જયપુરી, રાજેન્દ્ર કૃષ્ણ જેવા સમર્થ કવિ-ગીતકારની એન્ટ્રી થાય છે. 1950 પછી સમાજવાદ, સામ્યવાદ અને ગરીબ-ધનવાન, જાગીરદાર, શોષણ જેવા વિષયો કેન્દ્રીત ફિલ્મોની એન્ટ્રી થઈ અને એ પ્રમાણે ગીતો પણ બન્યાં.

1947માં આવેલ ફિલ્મ `જંજીર' અને પ્રથમ ફિલ્મી ગીત `ગોરી ઘૂંઘટ કે પટ ખોલ' દ્વારા રાજેન્દ્ર કૃષ્ણની નોંધ લેવાય છે. આ એ ગીતકાર છે જે આગામી ત્રણ દાયકા સુધી સૌથી વ્યસ્ત ગીતકાર રહેવાના છે. આ એ ગીતકાર છે જે પ્રથમ `સ્ટાર રાઇટર'નું બિરુદ મેળવે છે. `પ્યાર કી જીત' અને `બડી બહન'થી તેમને સફળતા મળી. `ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઈ બાત હૈ, પહેલી મુલાકાત હૈ..' ગીતે તે સમયે ધૂમ મચાવી દીધી. ત્યારબાદ તો `મેરે પિયા ગયે રંગૂન' (પતંગા), `ગોરે ગોરે ઓ બાંકે છોરે' (સમાધિ), `ભોલી સૂરત દિલ કે ખોટે' (અલબેલા) દ્વારા સિક્કો જમાવી દીધો. આ રાજેન્દ્ર કૃષ્ણ આગળ જતાં `ખાનદાન' ફિલ્મ માટે `તુમ્હી મેરી મંદિર, તુમ્હી મેરી પૂજા, તુમ્હી દેવતા હો' જેવું યાદગાર ગીત આપે છે તો `વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ આ ગઈ' (સંજોગ) જેવાં ગીતો દ્વારા પણ તે સમયે છવાયેલા રહે છે. રાજેન્દ્ર કૃષ્ણ ઘોડાની રેસ પર દાવ લગાવવાના પણ શોખીન હતા. 1971માં તેઓ અડતાલીસ લાખ રૂપિયાનો જૅકપોટ જીત્યા હતા. એ વરસોમાં તેઓ કારકિર્દીના ઉચ્ચ શિખરે બિરાજમાન હતા. એ સમય દરમિયાનનાં ગીતોની વિવિધતા તો જુઓ... `ગોપી' ફિલ્મમાં કલ્યાણજી-આણંદજી માટે લખેલ `સુખ કે સબ સાથી, દુ:ખ મેં ન કોઈ, રામચંદ્ર કહ ગયે સિયા સે ઐસા કલજુગ આયેગા', તો `જ્હોની મેરા નામ'નું ગ્લેમરસ સોંગ `હુસ્ન કે લાખો રંગ, કૌન સા રંગ દેખોગે', `ઈન્તકામ'નું `આ જાને જાં, આ મેરા યે હુસ્ન જવાં' અને પ્રેયસીની તારીફ કરવી હોય તો અલફાઝ કેવા હોય જુઓ... ખુદા ભી આસમાં સે જબ જમીં પર દેખતા હોગા, મેરે મહેબૂબ કો કિસને બનાયા સોચતા હોગા !  આહ.. કઈ પ્રેયસી આ સાંભળીને ના કહી શકે...! જેમ ગાયકની રેન્જ હોય એમ કવિની પણ રેન્જ હોય છે, વિષય પરની..આ કવિએ એ સિદ્ધ કરી બતાવ્યું છે. `અપલમ્ ચપલમ્, જાદુગર સૈંયા છોડ મોરી બૈયાં, શોલા જો ભડકે દિલ મેરા ધડકે' જેવાં મસ્તીભર્યાં ગીત પણ આ જ કવિ આપે છે. તો આજની ડીજે જનરેશન જેના પર હજી થિરકે છે એ `નાગિન' ડાન્સ સોંગ `મન ડોલે મેરા તન ડોલે' અને `બ્લફ માસ્ટર'નું `ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાલ બ્રિજબાલા' પણ રાજેન્દ્ર કૃષ્ણનું સર્જન છે.

હવે આપણી ગીતયાત્રાના પડાવમાં આવે છે શાયર શકીલ બદાયુની. ઉત્તર પ્રદેશમાં 3 ઓગસ્ટ 1916માં જન્મેલ આ શાયરે 50 અને 60ના દાયકામાં અદ્ભુત ગીતો લખ્યાં હતાં. કવિ શકીલ બદાયુની બોલિવૂડમાં ગીતકાર તરીકે પ્રવેશ મેળવવા મુંબઈ આવે છે અને નૌશાદ તેમજ પ્રોડ્યુસર કારદારને મળે છે. નૌશાદ આ કવિને તેમની કવિતાની ટેલેન્ટ એક જ શેરમાં વર્ણવવા કહે છે અને શકીલ જવાબ આપે છે, `હમ દિલ કા અફસાના દુનિયા કો સુના દેંગે , હર દિલ મેં મુહબ્બત કી ઈક આગ લગા દેંગે'. નૌશાદ આ શૅર સાંભળીને તુરત જ શકીલને સિલેક્ટ કરી દે છે અને શકીલ બદાયુની-નૌશાદની જોડી ખરેખર ગીત-સંગીતની દુનિયામાં  `આગ' લગાડી દે છે. `મધર ઇન્ડિયા'નું ગીત `દુ:ખભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે' ખૂબ પ્રસિદ્ધિ પામ્યું હતું. જોકે આજની તારીખે પણ સુપરડુપર હિટ સોંગ્સમાં જેની ગણના થાય છે અને પ્રેમમાં પડ્યા હોય ત્યારે વારંવાર ગણગણવાનું મન થયું હોય તો તે ગીત  `મુગલ-એ-આઝમ'નું છે. `પ્યાર કિયા તો ડરના ક્યા, જબ પ્યાર કિયા તો ડરના ક્યા. પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી, છૂપ છૂપ આહે ભરના ક્યા..!' આ ગીત દાયકાઓથી ઓલટાઇમ કલાસિક સોંગ્સમાં બિરાજે છે.  તેમણે સંગીતકાર રવિ સાથે આપેલ ગીત `હુસ્નવાલે તેરા જવાબ નહીં' અને `ચૌદહવી કા ચાંદ હો' માટે તેમને ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો. તો 1963માં આવેલ ફિલ્મ `બીસ સાલ બાદ' ના અમર ગીત `કહીં દીપ જલે કહીં દિલ' માટે પણ તેમને ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો.

રાજેન્દ્ર કૃષ્ણની લગભગ સાથે જ ફિલ્મી ગીતોની દુનિયામાં પ્રવેશનાર શૈલેન્દ્ર અને હસરત જયપુરીનું નામ પણ આદરપૂર્વક લેવું પડે. 1930માં રાવલપિંડી, પાકિસ્તાનમાં જન્મેલ શંકરસિંહ શૈલેન્દ્ર રેલવે વર્કશોપમાં નોકરી કરતાં હતા. સાહિત્યપ્રેમથી તેઓ કવિતા લખતા અને મુશાયરામાં દાદ મેળવતા. એક સમયે રાજ કપૂરને તેમણે `મેરી કવિતા બિકાઉ નહીં હૈ' કહી ફિલ્મો માટે આપવાની ના કહી દીધી હતી. આ જ શૈલેન્દ્ર આર્થિક ભીંસ વખતે રાજકપૂરને મળે છે અને કપૂર કેમ્પ એટલે કે રાજકપૂર-શૈલેન્દ્ર-હસરત જયુપરી-શંકર-જયકિસનની દોસ્તીની, ક્રિએટિવિટીની મહેફિલ પૂરબહાર ખીલે છે. રાજકપૂરની બરસાત ફિલ્મ માટે શૈલેન્દ્ર પહેલું ગીત લખે છે `પતલી કમર હૈ, તિરછી નજર હૈ' અને ટાઇટલ સોંગ `બરસાત મેં તુમસે મિલે હમ સજન..' પછી તો શૈલેન્દ્ર એવા ખીલી ઊઠે છે કે `આહ'માં `રાજા કી આયેગી બારાત', `શ્રી 420'માં `પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ, પ્યાર સે ફિર ક્યું ડરતા હૈ દિલ', મેરા જૂતા હૈ જાપાની, મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે, રમૈયા વસ્તાવૈયા'. આ રમૈયા શબ્દ તેમને એક ઢાબામાં વેઇટરના નામ પરથી મળ્યો અને તેના પરથી ગીત રચી નાંખ્યું... કેવી અદ્ભુત ક્રિએટિવિટી..! ફિલ્મફેર દ્વારા `શ્રેષ્ઠ ગીતકાર'નો પુરસ્કાર આપવાની પ્રથા 1958માં શરૂ થઈ અને પ્રથમ ઍવૉર્ડ મળ્યો શૈલેન્દ્રને `યહુદી'ના ગીત `યે મેરા દીવાનાપ્ન હૈ' માટે. જીવનદર્શન કરાવતું શૈલેન્દ્રનું ગીત `સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ' નો આજે પણ મીડિયામાં બખૂબીથી ઉપયોગ થાય છે. શમ્મી કપૂરની અદાથી જાણીતું બનેલું શૈલેન્દ્રનું ગીત `આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર ' તે સમયે સૌની જબાન પર રમતું થયું હતું. ગંભીર, અર્થસભર ગીતો પણ કેવાં આપે છે શૈલેન્દ્ર... જુઓ. `કહીં દૂર જબ દિન ઢલ જાયે', `પૂછો ના કૈસે મૈને રૈન બિતાઈ', `આ જા રે પરદેશી..' ગંભીરથી લઈ સરળ બાની એમ તમામ ગીતો તેમણે આપ્યાં છે. `હમ કાલે હૈ તો ક્યા હુઆ દિલવાલે હૈ (ગુમનામ), `ચલત મુસાફિર મોહ લિયા રૈ', અને ઉત્તર ભારતની તહેજીબને અનુરૂપ `પાન ખાયો સૈંયા હમારો' જેવાં ગીતોએ ધૂમ મચાવી દીધી હતી. શૈલેન્દ્રનાં ગીતો સાંભળીએ ત્યારે તેના ગીતના શબ્દોમાં જ કહેવાનું મન થાય કે `યાદ ન જાયે બીતે દિનોં કી..' કેવાં ગીતો બનતાં હતાં એ સમયે...!



શૈલેન્દ્રની સાથે રાજ કપૂરની ક્રિએટિવ ટીમના બીજા ગીતકાર એટલે હસરત જયપુરી. શાયરીનો નાતો વારસાથી અને ઉર્દૂ પર સારી પકડ હોવાથી તેમનાં ગીતોમાં ઉર્દૂના અઘરા શબ્દોની છાંટ દેખાય છે. હસરત કન્ડકટ્ર તરીકે મુંબઈની બસમાં નોકરી કરતાં. રાજ કપૂરે તેમને પ્રથમ બ્રેક આપ્યો હતો ફિલ્મ `બરસાત'માં. ગીત જુઓ, `જિયા બેકરાર હૈ, છાઈ બહાર હૈ, આજા મોરે બાલમા તેરા ઇન્તજાર હૈ'. પહેલા ગીતથી જ ફિલ્મી દુનિયામાં નામ બનાવવામાં સફળ બને છે. અત્રે યાદ રહે શંકર-જયકિશન સાથે શૈલેન્દ્ર અને હસરત જયપુરીનું ટ્યૂનિંગ એટલું ઉત્તમ રીતે ગોઠવાઈ ગયું હતું કે આ ચારેય જણા એકબીજાના પૂરક બની ગયા હતા. હસરત જયપુરીએ જે ગીતો આપ્યાં તે અવિસ્મરણીય હતાં. `સંગમ'નું ગીત `યે મેરા પ્રેમપત્ર પઢકર કિ તુમ નારાજ ના હોના' પ્રસિદ્ધ ખૂબ થયું. ત્યારબાદ હસરત જયપુરી આપે છે `તેરી પ્યારી પ્યારી સૂરત કો કિસી કી નજર ના લાગે', તુમ્હેં ઔર ક્યા દું મૈં દિલ કે સિવા' જેવાં સુપરહિટ ગીત. 1985માં `રામ તેરી ગંગા મૈલી' ફિલ્મનું પ્રસિદ્ધ ગીત `સુન સાયબા સુન, પ્યાર કી ધૂન' યાદ છે ને.. ? એ હસરતના શબ્દોની કમાલ હતી. અને લગ્નપ્રસંગોમાં `વેલકમ સોંગ' તરીકે જે સોંગ કાયમ ગવાય છે તેને કેમ કરી ભૂલાય..! `બહારો ફૂલ બરસાઓ, મેરા મહેબૂબ આયા હૈ..' હસરત જયપુરીની જ રચના છે. આ ગીત માટે તેમને '66માં ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો.



ભારતીય ફિલ્મ અને ગીતોનો આ સુવર્ણયુગ એટલા માટે કહેવાય છે કે તે સમયે અનેક ઉત્ક્ૃષ્ટ કવિઓ અને સંગીતકારો એકસાથે આપણને મળે છે. 1948થી ફિલ્મોમાં આવેલ સાહિર લુધિયાનવી પણ આવા દિગ્ગજ કવિ-શાયર છે. 1951માં આવેલ `નૌજવાન' ફિલ્મના ગીત `ઠંડી હવાયેં લેહરા કે આયેં' ગીતથી પ્રસિદ્ધિ મળે છે. સાહિરે ત્યારબાદ પાછું વળીને જોયું નથી. આઝાદીનું સ્વપ્ન જોનાર આ ક્રાંતિકારી શાયર દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનું ઉત્તમ ગીત `યે દેશ હૈ વીર જવાનોં કા, અલબેલોં કા મસ્તાનો કા, ઇસ દેશ કા યારોં ક્યા કહના...' વાર-તહેવારે, લગ્નપ્રસંગે થતા ડિસ્કો-ડાન્સ, ભાંગડામાં યુવાધન પૂરી તન્મયતાથી નાચે છે પણ કેટલાને ખબર હશે આ ગીતના કવિ સાહિર લુધિયાનવી વિશે...!  આવી ચિંતા સાહિરે ન્હોતી કરી એટલે જ તે ગીત આપે છે `હર ફિક્ર કો ધુંએ મેં ઉડાતા ચલા ગયા'. 1963માં આવેલ તાજમહેલ ફિલ્મનાં ગીતો તો રીતસર ઘેલું લગાડે છે. ગીતના શબ્દો સાંભળીને જ કાબિલે તારીફ ઉદ્ગાર સરી પડે... `જો વાદા કિયા વો નિભાના પડેગા, રોકે જમાના ચાહે, રોકે ખુદાઈ તુમકો આના પડેગા...'(એક જ પંક્તિમાં વિનવણી, મનામણાં અને ગર્ભિત ચેતવણી), પાંવ છૂ લેને દો, ફૂલોં કો ઈનાયત હોગી... સાહિરના ગીતમાં ઊર્દૂનો પ્રભાવ સ્પષ્ટ દેખાતો હતો.  આ ઉપરાંત `યે રાત યે ચાંદની ફિર કહાં, સુન જા દિલ કી દાસ્તાં, ઉડે જબ જબ જુલ્ફેં તેરી, તુમ ન જાને કિસ જહાં મે ખો ગયે, યે દિલ તુમ બિન કહીં લગતા નહીં હમ ક્યા કરે' અને `તુમ અગર સાથ દેને કા વાદા કરો, મૈં યુંહી મસ્ત નગ્મેં લુટાતા રહું' જેવા ગીતોની સાથે આવે છે અમિતાભના કંઠે અમર બનેલ રચના `કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ, કિ જિન્દગી તેરી જુલ્ફ કી નર્મ છાંવ મેં ગુજરને પાતી, તો શાદાબ ભી હો સક્તી થી...' સાહિરની ઉત્તમ રચનાઓથી હિન્દી ફિલ્મોને નવી દિશા મળી.

આવા જ એક ઉત્તમ શાયર-કવિ મજરુહ સુલતાનપુરી હિન્દી સિનેમાને મળે છે. 1946માં શાહજહાં ફિલ્મથી તેમને પ્રથમ બ્રેક મળે છે અને કે. એલ. સાયગલના અવાજમાં આપે છે હિટ ગીત `જબ દિલ હી તૂટ ગયા, હમ જી કે ક્યા કરેંગે' ત્યારથી 2000માં કવિનું અવસાન થયું ત્યાં સુધી કેટલાંય યાદગાર ગીતો મજરુહ સુલતાન પુરી આપે છે. `ચલતી કા નામ ગાડી'નું `ઈક લડકી ભીગી ભાગી સી', હાલ કૈસા હૈ જનાબ કા અને બાબુ સમજો ઈશારે હોરન પુકારે પોમ પોમ પોમ...' જેવાં રોમેન્ટિક મસ્તીભર્યા ગીતોની સાથે સાથે દર્દભર્યાં ગીત પણ મજરુહ આપે છે. `રહતે થે કભી જિનકે દિલમેં' તો કુદરતનું `હમે તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે, મગર જી નહીં સકતે તુમ્હારે બિના' આજે પણ પ્રેમની અભિવ્યકિતમાં મદદરૂપ બને છે. પ્રૌઢવયે પણ મજરૂહ `જો જીતા વહી સિકંદર'માં લખે છે `પહલા નશા, પહલા ખુમાર, નયા પ્યાર હૈ, નયા ઈન્તજાર' ત્યારે થાય કે કવિના શબ્દો ઉમ્રના મોહતાજ નથી હોતા.  એવું જ ગીત છે `કયામત સે કયામત તક'નું `પાપા કહતે હૈ બડા નામ કરેગા'. આ ઉપરાંત નોટેબલ સોંગ કહી શકાય તેવા `બાહોં કે દરમિયાં, દો પ્યાર મિલ રહે હૈ', બચના એ હસીનો લો મૈં આ ગયા, અચ્છા જી મૈં હારી ચલો માન ભી જાઓ ના'.. આવાં અનેક મશહૂર ગીતો મજરુહ સુલતાનપુરીએ આપણને આપ્યાં અને તેથી જ 1994માં તેમને `દાદાસાહેબ ફાળકે' ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા. ગીતકારને સન્માન મળ્યું હોય તેવી આ પ્રથમ ઘટના હતી.

હિન્દી સિનેમામાં ગીતકાર તો ઘણા આવ્યા પણ આનંદ બક્ષી એવા ગીતકાર હતા જેમણે કિશોરકુમાર જેવા ગાયકો અને રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન જેવા સ્ટારને સુપરસ્ટાર બનાવ્યા. તેમણે 45 વર્ષ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ગીતકાર તરીકે કામ કર્યું અને 5000થી વધારે ગીતો આપ્યાં....! 1965માં આવેલ `જબ જબ ખીલે ફૂલ'નાં ગીત `પરદેસિયોં સે ન અખિયાં મિલાના' દ્વારા આનંદ બક્ષીને ઓળખ મળી. જોકે `મિલન' ફિલ્મના ગીત `સાવન કા મહિના પવન કરે જોર, હમ તુમ યુગ યુગ ગીત મિલન કે, રામ કરે ઐસા હો જાયે' અને `મૈં તો દીવાના' જેવાં ગીતો દ્વારા ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીઝમાં આગવું સ્થાન જમાવી દીધું. એ પછી આનંદ બક્ષીએ હિટ ગીતોની વણઝાર રચી દીધી. જુઓ... `સોલહ બરસ કી બાલી ઉમર કો સલામ, ચાર દિનોં દા પ્યાર ઓ રબ્બા, બડી લમ્બી જુદાઈ, માર દિયા જાય કે છોડ દિયા જાય, બિન્દિયા ચમકેગી, યે જીવન હૈ, દિલ દિયા હૈ જાં ભી દેંગે અય વતન તેરે લિયે... `તેરે મેરે બીચ મેં કૈસા હૈ યે બંધન, આદમી મુસાફિર હૈ, તુજે દેખા તો યે જાના સનમ, અને `તાલ' ફિલ્મના ગીત `ઇશ્ક બિના' માટે તેમને `ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો.


હાલમાં ઉપલબ્ધ શાયરોમાં ઉપરોક્ત તમામ કવિ-શાયરોની સમકક્ષ કોઈ બિરાજી શકે તેમ હોય તો નિ:શકપણે `ગુલઝાર'નું નામ પ્રથમ ક્રમે આવે. કવિ-ડિરેક્ટર અને નિર્માતા એમ ત્રણે ભૂમિકામાં સરખો ન્યાય આપ્નાર ગુલઝાર 1963માં આવેલ `બંદિની' ફિલ્મ દ્વારા પ્રવેશે છે અને `મોરા ગોરા અંગ લઈ લે' જેવું અર્થસૂચક હિટ ગીત આપી નોંધ લેવડાવે છે. ગુલઝારની ગીત યાત્રામાં આગળ જતાં મળે છે `દો દીવાને શહેર મેં, આનેવાલા પલ જાનેવાલા હૈ, હજાર રાહે મુડ કે દેખી, તુઝસે નારાજ નહીં જિંદગી, મેરા કુછ સામાન, યારા સિલીસિલી, ચલ છૈંયા છૈંયા અને કજરારે કજરારે... આ તમામ સાત ગીતો માટે ગુલઝારને ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો છે.

ગુલઝારની જેમ જ તેમના સમકાલીન કવિ-શાયર જાવેદ અખ્તર પણ આ સમયમાં યાદગાર ગીતો લઈને આવે છે. ગીતકાર-પટકથા અને ડાયલોગ લખનાર જાવેદ અખ્તરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દિશા બદલી નાંખવાનું ક્રાંતિકારી કામ કર્યું છે. શોલે, જંજીર, દીવાર, હાથી મેરે સાથી, સીતા ઔર ગીતા, ડોન, ત્રિશુલ જેવી ફિલ્મોમાં અદ્ભુત સ્ક્રિપ્ટ અને ડાયલોગ સલીમ-જાવેદની જોડીની કમાલ છે. હવે તે ગીતકાર તરીકે વધુ કામ કરે છે. યે તેરા ઘર યે મેરા ઘર, તુમકો દેખા તો યે ખયાલ આયા, ઈક દો તીન, સાગર કિનારે, યે કહાં આ ગયે હમ, દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ, એક લડકી કો દેખા તો, સંદેશે આતે હૈ, પંછી નદીયાં પવન કે ઝોંકે જેવાં મધુર ગીતો આ શાયરનું પ્રદાન છે. ગીતકાર તરીકે તેમને ત્રણ નેશનલ ઍવૉર્ડ અને 6 ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યા છે.

આ ઉપરાંત પણ ઘણા ગીતકારો ફિલ્મોમાં તેમનું યોગદાન આપ્યું છે. અહીં તેમના નામનો ઉલ્લેખ તેમની પ્રતિનિધિ રચના સાથે કરી લઈએ છે. પ્રખ્યાત ઊર્દૂ શાયર કૈફી આઝમીનાં ગીતો `વક્તને કિયા ક્યા હસી સિતમ, કર ચલે હમ ફિદાં, ચલતે ચલતે યું હી કોઈ મિલ ગયા થા' વગેરે કહી શકાય. ગીતકાર ગુલશન બાવરાને `જંજીર'ના `યારી હૈ ઈમાન મેરા' અને `ઉપકાર' ફિલ્મના ગીત `મેરે દેશ કી ધરતી સોના ઉગલે' માટે ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો. અન્જાને પણ `લોગ કેહતે હૈ મૈં શરાબી હૂં, દિલ તો હૈ દિલ, સલામ-એ-ઈશ્ક મેરી જાં જરા કબુલ કર લે, ઓ સાથી રે, ખઈ કે પાન બનારસવાલા,' જેવા સુપરહિટ સોંગ્સ આપ્યાં છે.  ઇન્દીવર આપે છે `ક્સ્મે વાદે પ્યાર વફા સબ, કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે, નૈનો મેં સપ્નાં' જેવા યાદગાર ગીતો. ઊર્દૂ ગઝલકાર કવિ નીદા ફાઝલીની પ્રખ્યાત ગઝલ `કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા'નો સમાવેશ અવશ્ય કરવો પડે. તો શહરયારના ઉમરાવજાનની ગઝલો `દિલ ચીજ ક્યા હૈ આપ મેરી જાન લિજિયે, ઇન આંખો કી મસ્તી કે અને યે ક્યા જગહ હૈ' દોસ્તોનો' ઉલ્લેખ અચૂક કરવો પડે. `અન્જાન'ના પુત્ર `સમીર'ના હિટ સોંગ્સમાં `નજર કે સામને, તેરી ઉમ્મીદ તેરા ઇન્તજાર કરતે હૈ, ઘૂંઘટ કી આડ સે દિલબર કા, કિતની બૈચેન હોકે, મુજે નીંદ ન આયે'નો સમાવેશ કરી શકાય. ગીતકાર મહેબૂબ લઈને આવે છે `કેહના હી ક્યા, અલબેલા સજન આયો રે, મા તુજે સલામ, તન્હા તન્હા યહાં પે જીના...' 

આજના કવિ-ગીતકારોમાં પ્રસુન જોશી, અભિજિત ભટ્ટાચાર્ય, ઈરશાદ કામિલ જેવા ગીતકારો પણ પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે પણ આજની મ્યૂઝિકલ જનરેશનને ન્યાય આપવા જતાં ક્યાંક શબ્દોની મહત્તા જાળવી નથી શકતા જેથી અગાઉના શાયરોની જેમ યાદગાર ગીતો નથી મળતાં. વચ્ચે વચ્ચે ક્યાંક સારાં ગીત જરૂર આવી જાય પણ તેનું પ્રમાણ ઘણું ઓછું છે. ગીત-સંગીતના સુવર્ણયુગમાં શબ્દો અને સૂરની જુગલબંદી હતી. આજે સૂરે શબ્દ પર આધિપત્ય જમાવ્યું છે એટલે કોકની બોટલમાં આવતા ઉભરાની જેમ ગીતો ખૂબ ઝડપથી પોપ્યુલર થાય છે અને એટલી જ ઝડપે વિસરાઈ પણ જાય છે.

હિન્દી સિનેમામાં ખૂબ મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા છતાં આ કવિ-શાયરોને પોંખવામાં આપણે ઊણા પડ્યા છીએ. હિરો, હિરોઈન કે ગાયક, ગાયિકાને ચાહકોએ અને ફિલ્મમેકર્સે ખભે બેસાડ્યાં છે પણ ગીતકારે હંમેશાં હાંસિયામાં ધકેલાઈને કામ કરવું પડ્યું છે. હિન્દી સિનેમાને ગત વર્ષે જ સો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એ સ્થિતિ બદલવાની જરૂર છે અન્યથા આપણને સારા ગીતકારો નહીં મળે. ભલે આ શાયરોને સ્ટારડમ ના મળ્યું હોય પણ તેઓ ચાહકના હૃદયમાં રાજ કરે છે અને એટલે જ શાયર હસરત જયપુરીના શબ્દોમાં કહીએ તો `તુમ મુજે યું ભૂલા ના પાઓગે, જબ કભી ભી સુનોગે ગીત મેરે સંગ સંગ તુુમ ભી ગુનગુનાઓગે...!

(Don't Copy - Paste / Publish without Permission)