ખરેખર તો આપણે આપણી ભાષા, સાહિત્ય, સંગીત, નાટક, ફિલ્મોને લાડ લડાવવામાં ઊણાં ઊતર્યા છે એટલે ગુજરાતીપણાના ગૌરવની વાતો નકરો દંભ છે. આપણે ગુજરાતી ભાષા અને તેના વારસાને સગવડિયો પ્રેમ કરીએ છીએ અને એટલા માટે જ આજે ગુજરાતી ભાષા, ગીત-સંગીત, નાટક, ફિલ્મો મરણપથારીએ છે. ગૌરવની વાત તો બાજુએ રહી તેનું અસ્તિત્વ ટકાવી રાખવાના પ્રયાસ કરવા પડે છે.
અંગ્રેજોએ દુનિયાના લગભગ તમામ દેશો પર શાસન કર્યું છે. આ તમામ દેશોએ તેમની ગુલામીમાંથી આઝાદી તો મેળવી લીધી પણ અંગ્રેજીની ગુલામીમાંથી કોઇ મુક્ત થઇ શકયું નથી. એટલા માટે જ અંગ્રેજી આજે વૈશ્ર્વિક ભાષા છે. મોટાભાગે તો તમામ દેશોમાં વિષય તરીકે તો અંગ્રેજી ફરજિયાત છે જ એટલે અંગ્રેજીનો વ્યાપ અને મહત્ત્વ દિન-પ્રતિદિન વધે એમાં નવાઇ નહીં. વળી ઇન્ટરનેટ ક્રાંતિએ અંગ્રેજી શીખવું બધા માટે ફરજિયાત બનાવી દીધું છતાં દુનિયાના મોટાભાગના દેશમાં અંગ્રેજી ભાષા સામે માતૃભાષા સચવાઈ રહી છે. ભારતના પણ દરેક રાજ્યમાં અંગ્રેજી બોલાય છે, પણ સ્થાનિક ભાષાના અસ્તિત્વ સામે ક્યારેય ખતરો આવ્યો નથી, સિવાય ગુજરાતી…
ફીલિંગ્સ સામયિક દ્વારા ગુજરાતીઓને પોંખવાના અવસરે જ્યારે એન.આર.આઇ. અને `ગુજરાતીપણા’ની વાત આ વિશેષાંક દ્વારા થવાની હોય ત્યારે આપણે સૌએ પોતાના આત્માને ઢંઢોળીને પ્રશ્ર્ન પૂછવો જોઇએ કે શું ખરેખર આપણે આપણા `ગુજરાતીપણા’ માટે ગૌરવ અનુભવીએ છીએ કે આ બધું બાહ્ય દંભ અને દેખાડો છે ? કોઇ સારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગુજરાતીપણાની સારી સારી વાતો કરવાથી શું ગુજરાતનું ગૌરવ વધી જશે ? ગુજરાતી ભાષા સાહિત્ય, સંગીત અને ગુજરાતીઓના ઉત્કર્ષ માટેના કોઇપણ કાર્યક્રમને બિરદાવવા જ જોઇએ પણ શું એટલું પૂરતું છે ગુજરાતીઓની અસ્મિતા જાળવવા ?
ખરેખર તો આપણે આપણી ભાષા, સાહિત્ય, સંગીત, નાટક, ફિલ્મોને લાડ લડાવવામાં ઊણાં ઊતર્યા છે એટલે ગુજરાતીપણાના ગૌરવની વાતો નકરો દંભ છે. આપણે ગુજરાતી ભાષા અને તેના વારસાને સગવડિયો પ્રેમ કરીએ છીએ અને એટલા માટે જ આજે ગુજરાતી ભાષા, ગીત-સંગીત, નાટક, ફિલ્મો મરણપથારીએ છે. ગૌરવની વાત તો બાજુએ રહી તેનું અસ્તિત્વ ટકાવી રાખવાના પ્રયાસ કરવા પડે છે.
અને એનું તાજેતરનું જ ઉદાહરણ જોવું હોય તો આ વર્ષની 30મી જાન્યુઆરીના રોજ વિદ્વાન સાહિત્યકાર ગુણવંત શાહના નેજા હેઠળ જૂનાગઢથી સુરત સુધી `માતૃભાષા વંદનયાત્રા’ યોજાવાની છે. માતૃભાષાને બચાવવા માટે ગુજરાતી ભાષાના વિદ્ધાન સાહિત્યકારે આવા પ્રયાસ કરવા પડે એથી વધુ દુ:ખની બાબત શું હોઈ શકે ? છતાં આપણે ગરવા ગુજરાતીના દંભમાંથી બહાર આવતા નથી. જો આપણે ગુજરાતીપણાને સાચા દિલથી પ્રેમ કરતા હોય તો તેને બચાવવાના દિવસો દેખવાનો વારો ન આવ્યો હોત.
દેશના અન્ય પ્રાંતોમાં પણ અંગ્રેજી આપણાં કરતાં વધુ સારું અને વધારે ટકાવારીમાં બોલાય છે, વંચાય છે છતાં ક્યારેય મરાઠી, તામિલ કે મલાયલી ભાષાને બચાવવાના પ્રયત્નો કરવાની જરુર પડી નથી. એટલું જ નહિ, હિન્દી અને અંગ્રેજીના પડકાર સામે તેઓ પોતાનું સન્માનનીય અસ્તિત્વ સાથે સાચા અર્થમાં ભાષા, સાહિત્ય, સંગીત, ફિલ્મો પ્રત્યેનું ગૌરવ જાળવી શક્યા છે. દક્ષિણ ભારતમાં ત્યાંની સ્થાનિક ભાષામાં ફિલ્મનો ઉદ્યોગ પૂરબહારમાં ખીલેલો છે. એટલું જ નહિ, પણ કેટલીય હિન્દી ફિલ્મો તેમાંથી રૂપાંતર થાય છે. આ ફિલ્મ ઉદ્યોગના કારણે જ કવિઓ, લેખકો, સંગીતકારો, અભિનેતા, મોડલ્સ, આર્ટિસ્ટ, બેકસ્ટેજ આર્ટિસ્ટ તમામ લોકોને તક મળે છે, રોજગારી મળે છે અને તેમાંથી સફળ થઇને તેઓ રાષ્ટ્રીય કક્ષાએ પણ નામના મેળવે છે.
મરાઠીમાં પણ ઘણી ફિલ્મો, નાટકો થાય છે જેને મરાઠીઓ સારો આવકાર આપે જ છે. પંજાબી ગીતોના ઢગલાબંધ આલબમ આવે છે તોયે પંજાબીઓ એને વધાવી લે છે. એના કારણે જ આ તમામ પ્રાંતોની ભાષા સંગીત અને સાંસ્કૃતિક વારસા સામે જોખમ ઊભું થયું નથી. જ્યારે ગુજરાતીમાં ફિલ્મ ઉદ્યોગ માટે કરમુક્તિ આપવા છતાં એ અંતિમ શ્ર્વાસ લઇ રહ્યો છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ મરણપથારીએ હોવાથી તેને સંલગ્ન અન્ય કેટલીય કલાઓ જેમ કે નાટક, સંગીત, લેખન ભૂંસાઇ (લુપ્ત) જવાને આરે છે. ફિલ્મ, નાટકો, સંગીત આ સાંસ્કૃતિક વારસો છે. જો એ આપણે નહીં સાચવી શકીએ તો ગુજરાતી ભાષા સરળતાથી ભૂલાઇ જશે. ગુજરાતી ભાષાની અસ્મિતા સામે આજે ખતરો મંડાયો છે એના મૂળમાં ગુજરાતી ગીત-સંગીત અને ફિલ્મનો અભાવ મુખ્ય છે. સંગીત અને ફિલ્મો ફકત મનોરંજન જ નહીં પણ તેના ભાષા, સાહિત્ય, સંગીત અને જે તે પ્રાંતની સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર અને સમાજને સંદેશ આપવાનું પણ કામ કરે છે. જોેકે આપણા સર્જકો લેખકો, કવિઓ, ફ્લ્મિ ડાયરેક્ટર્સ, સંગીતકારો અને તમામ સર્જકો નવી પેઢીને આકર્ષે તેવું ગીત-સંગીત, ફિલ્મ આપવામાં નિષ્ફળ ગયા છે એટલા માટે યુવા પેઢી અન્યત્ર વળી ગઈ છે. સમયની સાથે સાથે તમારે અપડેટ થવું જ પડે. બીજા પણ ઘણા કારણો છે પણ આ કારણ પણ એમાંનું એક છે એ ભૂલાવું જોઈએ નહીં.
આપણામાંથી લગભગ તમામ લોકોએ આ જોક સાંભળ્યો જ હશે કે બે મરાઠી મળે ત્યારે મરાઠીમાં વાત કરે. બે ચાઈનીઝ મળે ત્યારે ચાઇનીઝ ભાષામાં વાત કરે પણ બે ગુજરાતી મળે ત્યારે અંગ્રેજીમાં વાત કરે ? આમ તો આ પ્રચલિત જોક છે પણ હકીકતમાં તો આપણી માનસિકતા પર થયલો કારમો ઘા છે. આપણને અંગ્રેજી આવડે છે એનો પ્રભાવ પાડવા સામેની વ્યક્તિને ખબર પડે છે કે નહીં એની દરકાર કર્યા વિના પણ અંગ્રેજીમાં વાતચીત કરીએ છીએ. ખરેખર ભાષા એ પ્રભાવ પાડવા માટે નહીં પણ બે વ્યકિત વચ્ચે સરળતાથી માહિતીનું આદાન-પ્રદાન થઇ શકે એ માટે ગોઠવાયેલી વ્યવસ્થા છે. એટલું જ નહિ, પણ કેટલાય સારા કાર્યક્રમમાં પણ `ગુજરાતીપણા’નો અવસર ઉજવાતો હોય ત્યાં પણ મુખ્ય વક્તા કે અતિથિઓ આખું ને આખું ભાષણ અંગ્રેજીમાં આપતા હોય છે. જ્યાં આખો પ્રસંગ `ગુજરાતીપણા’નો છે તો અંગ્રેજી ભાષાનો પ્રયોગ કેમ કરવો ? આ બાબતે મરાઠી માણુસના માતૃભાષા પ્રેમને સલામ કરવાનું મન થાય. આ બધા એવા કારણ છે જેણે ગુજરાતી ભાષાનું ગળું દબાવ્યું છે પણ હજી આપણે નાક ક્યાં દબાયું છે એટલે એની રાહ જોઇને ઊભા છીએ. વળી, ટી.વી. ચેનલ, ઇન્ટરનેટ, ઇ-મેલ હિન્દી-અંગ્રેજી ફિલ્મોનો મારો એટલો વ્યાપક છે કે એની સામે ટક્કર ઝીલવી હવે ગુજરાતી ભાષા માટે લગભગ અશક્ય કહી શકાય તેવી બાબત લાગે છે. દરેક મા બાપ એવું ઇચ્છે કે તેના સંતાન અંગ્રેજી માઘ્યમમાં ભણે જેથી આગળ જતાં અંગ્રેજીમાં બાળક પાછળ ન પડે. પણ એની લ્હાયમાં એ ભૂલી જાય છે કે આપણો સાંસ્કૃતિક, ઐતિહાસિક વારસો ગુજરાતી, હિન્દી, સંસ્કૃત જેવી ભાષામાં લખાવેલો છે નહીં કે અંગ્રેજીમાં. જો એને ગુજરાતી નહીં આવડે તો એ મહાભારત, રામાયણ, ગીતા જેવા વિશ્ર્વપ્રેરક ગ્રંથો ક્યારેય નહિ વાંચી શકે. એ તો ઠીક પણ એક દિવસ એવો આવશે જેમ આજે ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ ચાલે છે તેમ `ગુજરાતી લખતા-વાંચતા શીખો, માત્ર 3 મહિનામાં’ આવા ક્લાસમાં જોડાવું પડશે છતાં મેળ નહીં પડે અને ભાંગ્યું તૂટયું ગુજરાતી બોલશે. જે પ્રસંગો, કથાઓ, ઘટનાઓ, વાર્તાઓ, ગીતો આપણી ભાષામાં છે એની મીઠાશ કંઇક અનેરી જ છે. દા.ત. અંગ્રેજી માઘ્યમમાં ભણતો બાળક જ્યારે એમ કહે કે Once Rama went to a forest એમાં મર્યાદા પુરુષોત્તમ રામની એ દિવ્ય અનુભૂતિનો અહેસાસ ન મળી શકે. કારણ દરેક ભાષા સંસ્કૃતિને એનો વૈભવ હોય છે. `રામા’ અને `રામ’ નો જે તફાવત છે એ આસમાન જમીનનો છે. ઝવેરચંદ મેઘાણી જેવા રાષ્ટ્રીય શાયર, કવિની અમર રચનાઓ તમે અંગ્રેજીમાં ન માણી શકો.
દા.ત.
વનરાવનનો રાજા ગરજે
વનરાવનનો રાજા ગરજે
ગીર કાંઠાનો કેસરી ગરજે
ઐરાવત કુળનો અરિ ગરજે
કડ્ય પાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
જાણે એવો સમંદર ગરજે
હવે આનું અંગ્રેજી કરો. અશક્ય છે અને માનો કદાચ કોઇ ભડવીર કરી બતાવે તો પણ સિંહનું જે વિકરાળ રૂપ આપ્ની નજર સમક્ષ આ કવિતા વાંચતા જ પ્રગટ થઇ જાય છે એ શું અંગ્રેજી કે અન્ય ભાષા લાવી શકવા સમર્થ છે ખરી ! હું ચેલેન્જ મારીને કહું છે કે દુનિયાની કોઇ ભાષા કદાચ સિંહનું આવું વર્ણન ન કરી શકે એ ગુજરાતી ભાષા અને ઝવેરચંદ મેઘાણી જેવા સમર્થ કવિનું જ કામ છે. પણ આપણને એનું મહત્ત્વ જ ક્યાં છે.
આતો હજી ઉપરછલ્લો ખ્યાલ આપ્યો છે બાકી પરિસ્થિતિ એટલી ગંભીર છે કે, કોઇ મા-બાપ તેના બાળકને ગુજરાતી સંગીત, નાટક જેવા ક્ષેત્રમાં કે લેખક, કવિ બનાવવા ઇચ્છતો નથી એટલે એક વાત ચોક્કસ છે કે આવનારી પેઢીમાંથી ગુજરાતીપણાના ગૌરવની આશા રાખવી લગભગ અશક્ય જેવું છે. હિન્દુસ્તાનની જાણીતી રેકોર્ડ કંપ્નીઓ ગુજરાતીમાં કોઇ આલ્બમ કે ફિલ્મની ઓડિયો-વીડિયો સીડી બનાવવા રાજી નથી કારણ કોઇ ગુજરાતી ખરીદનાર જ નથી. જ્યારે સૌથી વધુ ગીતોના આલ્બમ પંજાબી ભાષામાં રજૂ થાય છે જેને તેઓ પ્રેમથી ખરીદે છે, ખરીદાવડાવે છે. આપણે શું કરીએ છે ? ઓળખાણ શોધીએ છે….
અને છેલ્લે આપણે ગુજરાતીઓની માનસિકતાની વાત કરીએ તો ભલે દુનિયાભરમાં વેપારી તરીકે આપણે ઓળખાતા હોઇએ પણ `સેલ’ અને `મફત’ એ બે શબ્દો સાંભળવા આપણા કાન તલપાપડ હોય છે. કોઇ ગુજરાતી નવું પુસ્તક કે નવું આલ્બમ જો મફતમાં મળે તો લાઇન પાડી દઇએ. પણ જો વેચાતું લેવાનું હોય તો એક ભડનો દીકરો ન ફરકે એવી આપણી માનસિકતા છે. જો ખરીદનાર નહીં હોય તો કવિ, લેખક, ગીતકાર, સંગીતકાર, ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક એ ક્યાં જશે ? એમને જો કમાવવાની તક નહીં મળે તો તેઓ માતૃભાષાને પ્રેમ કરતાં હોવા છતાં તેઓ અન્યત્ર વળી જશે. એટલા માટે જ આજે પરિસ્થિતિ એવી છે કે ઘણા સમર્થ ગુજરાતી કલાકારો બોલિવુડમાં કામ કરે છે પણ એમને ગુજરાતી ફિલ્મ કે નાટક કે સંગીત એના માટે કહો તો તરત ના પાડી દેશે. કારણ એમને ખબર છે. ગુજરાતીઓની ભાષા, સાહિત્ય, સંગીતના વારસાની ભાવના મરી ચૂકી છે. એટલા માટે જ નવું સર્જન થઇ શકતું નથી. કેટલાક ભાષા અને સંગીતપ્રેમીઓએ આવા પ્રયોગ કર્યા છે. જેમણે ગુજરાતી ધાર્મિક ફિલ્મો (પ્રણાલિકાગત ફિલ્મો) અને ગીત સંગીતને જુદી રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે પણ આપણે એને આવકારી ન શક્યા એટલે તેઓ અન્યત્ર વળી ગયા. થોડી ઘણી ફિલ્મો જરુર હીટ થઈ છે પણ એ પૂરતું નથી. હકીકતમાં વિષય વૈવિધ્ય જરુરી છે. આતંકવાદ, આધુનિક જીવનશૈલી, સમસ્યા, શિક્ષણ, હાસ્ય જેવા વિષયો પર રિસર્ચ કરી મજબૂત પટકથા હોય એવી ફિલ્મોની જરુરિયાત છે. મને શું ગમે છે એના કરતાં લોકોને શું ગમશે, ખાસ તો યુવાપેઢીને કેવી રીતે ગુજરાતી ગીત-સંગીત, ફિલ્મો તરફ વાળી શકાય એ વિચારવું જરુરી છે. હજી યુવાપેઢીમાંથી કેટલાક યુવાનો હાર ન માની આ ક્ષેત્રમાં ચૂપચાપ કામ કરી રહ્યા છે. એ આશ્ર્વાસન લેવા જેવી બાબત છે.
હાલમાં ર010 સ્વર્ણિમ ગુજરાત તરીકે ઉજવાઇ રહ્યું છે ત્યારે આશા રાખીએ કે ગુજરાતીઓ જાગે અને ગુજરાતીપણાની કદર કરતાં શીખે. કમ સે કમ જેઓ આપણી ભાષા માટે કંઈક કરવાની તમન્ના રાખે છે તેમને બિરદાવે તો પણ ઘણું છે… અન્યથા ગુજરાતી શબ્દોના અર્થ શોધવા અંગ્રેજી ડિક્સનરી રાખવી પડે એ દિવસો હવે દૂર નથી.
સ્ટ્રેટ ફોરવર્ડ
સાહિત્યકાર ગુણવંત શાહનું એક વાક્ય `જેના ઘરમાં પુસ્તક ન હોય એના ઘરમાં દીકરી આપવી ન જોઇએ કે લેવી ન જોઈએ.'
થોડા ફેરફાર સાથે...
`જેના ઘરમાં ગુજરાતી પુસ્તકો ન હોય એના ઘરમાં દીકરી આપવી ન જોઈએ કે લેવી ન જોઈએ. '
સાહિત્યકાર ગુણવંત શાહનું એક વાક્ય `જેના ઘરમાં પુસ્તક ન હોય એના ઘરમાં દીકરી આપવી ન જોઇએ કે લેવી ન જોઈએ.'
થોડા ફેરફાર સાથે...
`જેના ઘરમાં ગુજરાતી પુસ્તકો ન હોય એના ઘરમાં દીકરી આપવી ન જોઈએ કે લેવી ન જોઈએ. '