Thursday, September 10, 2009

પ્રેમપત્ર



પ્રિયે,
હજી ગઈકાલે જ મળીને છૂટા થયા, તોય આજે પાછા વિરહની વેદનામાં કેમના શેકાયા ? તને લાગતું નથી કે પ્રેમનો અગ્નિ બરાબર તપી રહ્યો છે ?

મિનિટે-મિનિટે તારી પ્રતીક્ષાને, દરેક વસ્તુમાં તારો આભાસ...! કેવો ચમત્કાર ! જાણે સર્વત્ર તુ જ પુરબહાર. વસંતની મોસમ સોળે કળાએ ખીલી છે, પ્રેમને જવાનીનો નશો ચડ્યો છે ત્યારે આ પ્રેમ વિશે ટૂંકમાં કહું તો એટલું જ કહેવાય કે,
પિયા રે, પિયા રે... પિયા રે પિયા રે...
તારા બિના લાગે નહીં મારા જિયા રે...

ડિયર, પ્રેમની આ અનુભૂતિનો આનંદ જ કંઈક ઓર છે. કયારેક એ દર્દ-એ-દાસ્તાન હોય છે તો ક્યારેક મનગમતી ઈચ્છાઓનો અવસર. પ્રેમ વિશે શબ્દો પણ કેટલું કહી શકે, અને સાચું કહું, જ્યારે અનુભૂતિની વાત આવે ત્યારે શબ્દો હાંફી જાય. પ્રેમ વિશે ઘણી વાતો લખાઈ હશે, સાંભળી હશે છતાં પ્રેમ હંમેશાં એવરગ્રીન જ હોય છે. પ્રેમ ક્યારેય ઓલ્ડ થતો નથી, આઉટડેટેડ થતો નથી. આમ તો પ્રેમના મહાસાગરમાં સૌને છબછબીયાં કરવા ગમે, કારણ પ્રેમની અનુભૂતિ મેળવવા જ એક ફૂલ ઉઘડે છે, ચંદ્ર ખીલે છે. તારો પ્રેમ આ ફૂલ અને ચંદ્રમા જેવો છે જેટલો પામું છું એટલો જ વિસ્તરું છું, ખીલું છું.

પ્રિયે, પ્રેમમાં બોલવાનું ઓછું ને સમજવાનું ઘણું હોય છે. આંખો બોલતી હોય છે અને હોઠ વાંચતા હોય છે. પ્રેમનો પમરાટ આંખના ભાવવિશ્ર્વ પર અવલંબે છે. યાદ છે જ્યારે આપણે પ્રથમવાર એકબીજાને જોયા હતા ત્યારે શબ્દોએ મૌન ઘારણ કરી લીધું હતું અને આંખોને વાચા ફૂટી હતી. મારી આંખોની મદહોશી તને પ્રેમનું ઈજન આપી રહી હતી કે,

આંખના મોઘમ ઈશારા સમજજો,
પ્રેમના પ્રથમ વર્તારા સમજજો,
ના કહીને પણ ઘણું કહી જાય છે,
એ મસ્તીના મીચકારા સમજજો.

પહેલી મુલાકાતમાં ભલે વાત ન હતી થઈ પણ બીજી મુલાકાત માટેની ઓલ ડેટ્સ ઓપ્ન જેવી એપોઈન્ટમેન્ટ તારી આંખોએ આપી દીધી હતી.

સ્વીટહાર્ટ, આજે આ ર્ફ્સ્ટ લેટરમાં આપણી પહેલી આંખોની મુલાકાત વર્ણવી છે, હવે પછી આપણી પહેલી કોફી શૉપ્ની આહ્લાદક મુલાકાતની રોમાન્સભરી સ્ટોરી શબ્દરૂપે તને ગીફ્ટ કરીશ, ત્યાં સુધી બાય.

પ્રતિક્ષણ તને મિસ કરતો
તારો ખાસ મિત્ર
વી.જે.
Note : Your Comments are welcome with your name